ઉદ્ધવગીત-વીરુ પુરોહિત
બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય ?!
સીંચણિયાથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય !
ગગન સ્પર્શવા અમે વેલીઓ વૃક્ષ ઉપર જઈ ચડ્યાં;
હતું બટકણું વૃક્ષ એટલે કડડભૂસ થઈ પડ્યાં ?
લાભ થાય શું, ઝોળી લૈને સૂર્યકિરણ ભરવાથી ?
માટીની પૂતળી થઈને શું મળે નદી તરવાથી ?
બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
અંધારે ડગ ભરતાં પહેલાં વિચારવાનું હોય !
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય ?!
કહ્યું હોય જ્ઞાનીએ તો સહુ જાગી જાતને વહેલાં;
પાળ બાંધવી પડે, વિરહનું પૂર આવતાં પહેલાં !
હતા અમે અણસમજુ, પણ શું કહાન જાણતા નો’તાં ?
ઉદ્ધવજી ! એ ગયા ઉખેડી સઘળાંને મૂળસોતાં !
બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
અબળાએ તો પ્રેમ કરી, બસ કરગરવાનું હોય !
બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય ?!
સીંચણિયાથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય !
( વીરુ પુરોહિત )