હમકો ના કુચ બી માલૂમ-હરીશ મીનાશ્રુ
ઝાકળના પેગ પાંચ મારી ગુલાબ ઝૂમે ઐસી ક્યૂં આંખ લાલઘૂમ
કેમ કરી દારૂનાં ટીપાં ટપોરી બની બેઠાં દરખની લૂમ
હમકો ના કુચ બી માલૂમ
પતલી ગલીસે કબીર કોઈ આયા
ને વડને સમેટી લીધો બીજમાં
દર્પણને ડૂલ કરી, ગુલ કિયા અપ્પુનકા
પડછાયા ખીજમાં ને ખીજમાં
અપને હી બંદે કો અગુવા કરીને કૈસે મુરશિદ ભી ખુદ હુવા ગુમ
હમકો ના કુચ બી માલૂમ
ટપકા ડાલુંગા ઉસે વિરહીનાં આંસુની જેમ
મારી પાંપણની ધારથી
ખલકત કો બોલું ખલ્લાસ : વાર કર ડાલું
આશિકના તેજ હથિયારથી
નામ કોઈ પૂછે તો હમકો ક્યા કહને કા ; મજનૂ યા મૌલાના રુમ
હમકો ના કુચ બી માલૂમ
( હરીશ મીનાશ્રુ )