Skip links

સ્વંયની શોધ આદરજે-હાર્દિક વ્યાસ

ઉદાસી આંગણે આવી સ્વંયની શોધ આદરજે,
ઝરણને સહેજ છલકાવી સ્વંયની શોધ આદરજે.

પરિચિત જળ મળ્યું છે તો ડુબાવી દે અધૂરપને,
પ્રવાહો છેક પલટાવી સ્વંયની શોધ આદરજે.

ગગનમાં કો’ક દિન તું નીરખી લે ધ્રુવ તારકને,
પછી સંકલ્પ સરખાવી સ્વંયની શોધ આદરજે.

મળ્યો છે વારસો તો બંધ હોઠોનો જ જન્મોથી,
છતાં અહાલેક સંભળાવી સ્વંયની શોધ આદરજે.

ગતિની તાજગી સાથે મળે સંતોષ વાયુને,
ધજાને એમ ફરકાવી સ્વંયની શોધ આદરજે.

નહીં તો તૃપ્ત મૂળિયાંઓ ભૂલી જાણે ઉગમબિંદુ,
તૃષાનું બીજ ફણગાવી સ્વંયની શોધ આદરજે.

જુદા છે અર્થસંદર્ભો બધી સંઘર્ષગાથાના-
હૃદય, મસ્તકને સમજાવી સ્વંયની શોધ આદરજે.

( હાર્દિક વ્યાસ )

Leave a comment