અને ઈમરોઝ ગુજરી ગયા….-એષા દાદાવાળા

.

.અને ઈમરોઝ ગુજરી ગયા….
અને એ સાથે જ વિધવા થઈ ગઈ આપણી અંદરની સુષુપ્ત, કયારેય નહીં મરનારી એ છૂપી અમૃતાઓ…
.
હા, એ અમૃતાઓ જે આપણી એક એવી અતૃપ્ત વાસનાઓનું નામ છે જેમને સિક્યોરિટી માટે પ્રિતમ જોઈએ, દિલફેંક આશિકી માટે એક સાહિર જોઈએ અને છતાં એમને જગતની સર્વશ્રેષ્ઠ સ્ત્રી સમજતો, ખુવાર થતો ઈમરોઝ પણ જોઈએ…
.
આવી તમામ અમૃતાઓ અને અમૃતો આજે વિધવા થઈ ગયા…
.
પ્રેમનો પંચમ ગાનારાઓ પાસે એક આશા હંમેશા હોય છે, જે એમને પ્રેમ જિંદગીભર કરે છે, શરીર આપે છે-લે છે પણ એ પ્રેમીનું નામ કયારેય લેતી નથી…
.
શા માટે?
.
એ અંદરથી કોઈ ગુનાઈત લાગણીથી પીડાય છે?
.
સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ નથી, એમનો કોઈ જુદો જવાબ હોઈ શકે છે, તમારો કોઈ સાવ જુદો જ જવાબ હોઈ શકે છે…
.
ચંદ્રકાંત બક્ષી કહેતા કે કેટલાંક કૂતરાઓ ગળામાં પટ્ટો હોય તો સારી રીતે ભસી શકે છે- આ એવો કોઈ “ગળપટ્ટો” સિન્ડ્રોમ છે? સવાલો ઘણા છે પણ ચોક્કસ ઉત્તરો મળતા નથી!
શા માટે કહેવાતા આઝાદ પંખીઓ એક નામ માત્રની પણ બેડી પહેરીને આખી જિંદગી જુદા જુદા આસમાનોમાં ઉડવાના પ્રયત્નો કરતા રહે છે?
.
શા માટે કહેવાતી બોલ્ડ અને મોડર્ન વ્યકિતઓ ( સ્ત્રી અને પુરુષ બંન્ને) કયારેક જિંદગીમાં થયેલા અન્યાયને તક મળે કે તરત જ ગાઈ વગાડીને ચઘળ્યા કરતી હોય છે? વિકટીમ કાર્ડનો નશો, સિગરેટમાંથી ફૂંકાતા ગાંજાના નશા કરતાં પણ વધુ માલૂમ પડે છે!
.
મરીઝે કહ્યું હતું,
છે એક બે સ્ખલનો મને પણ મંજૂર
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે!
.
આ સ્ખલિત બદનામોને કયારેય ખબર નથી હોતી કે પ્રત્યેક પરપુરુષમાં ( કે પરસ્ત્રીમાં) પોતાનો “સાહિર” શોધવા માંગતા આઝાદ પંખીઓ માટે એ જિંદગીભરનો એક “વિકટીમ પાસપોર્ટ” બનાવી આપે છે જેની પર પોતાનો એક રસીદી સ્ટેમ્પ લગાવી એ પંખીઓ ડાળ ડાળ શોધ્યા કરે છે!
.
પ્રેમ અલબત્ત મહાન છે !
.
સત્ય સર્વદા મહાન છે પણ અર્ધ સત્ય એ અસત્ય કરતાં પણ વધુ જોખમી અને ક્રૂર છે. એવી જ રીતે વાસનાને કે અતૃપ્ત વાસનાને પ્રેમનું રૂપાળું નામ આપવું એ સગવડીયા છિનાળાં છે!
.
તો સાચી અમૃતા કોણ છે? શું છે?
.
એ કવિયત્રી, એ અમૃતા, એ અમૃતા પ્રિતમ આજે જીવતી હોત તો એ દુખી, ખૂબ દુખી ચોક્કસ જ થઈ હોત પણ એ પોતાને વિધવા તો ન જ ગણતી હોત, ઈમરોઝની પાસ્ટ લાઈફના કેનવાસ પર એક રહસ્યમય રેખા બનીને ખામોશીથી બસ
જોયા કરત….જોયા કરતા…જોયા કરત….
ઈમરોઝને!
જોયા કરવું એ
જેના માટે જિંદગીનો શ્વાસ અને
શ્વાસ પેલે પારની જિંદગી છે
એ અમૃતા,
જે પામવાની ઈચ્છા,
મેળવવાની કામના અને
ભોગવવાની વાસનાથી
પેલે પાર જતી રહી છે…
એ અમૃતા…
જે પ્રેમમાં એટલી હદે ઓગળી
ગઈ છે કે ખામોશ લકીર
બનવામાં પોતાનું
અસ્તિત્વ સમેટી રહી છે એ અમૃતા….
તમારી અંદરની અતૃપ્ત “અમૃતાઓ” નક્કી નથી કરતી કે તમે કેટલા “ઈમરોઝ” છો કે કેટલા “સાહીર”છો……
તમારી જિંદગીના કેનવાસ પર બસ ખામોશ રહી તમને જોયા કરતી એક પણ રેખા (લકીર) છે?
જો હોય તો તમને કદાચ ઈમરોઝ કે અમૃતા સમજાશે….
અને તો સમજાશે
કે
શરીરના શ્વાસનું બંધ થવું એ “ફિર મિલાંગાં”ની રહસ્યમય સફરની રોમાંચક શરૂઆત છે…
અને
તો તમે જોઈ શકશો એક આછી પાતળી રેખાને તમારા કેનવાસ પર ઉતરતી….
જો તમે આ મહેસૂસ કરી શકો છો, એ રેખાને જોઇ શકો છો, જોયા જ કરો છો…
તો તમને મુબારક
તમે ઈમરોઝની “વિધવા” નથી!
.
( એષા દાદાવાળા )

Leave a comment