તારો સમાજ હું, મારો સમાજ તું-મેઘા જોશી

તારો સમાજ હું,મારો સમાજ તું – ઇમરોઝ અમૃતા
.
સત્તાણુ વર્ષે એક પ્રેમીના શરીરની વિદાય થઇ છે અને હવે એ દંતકથા બની ગયાં છે .વિખ્યાત લેખિકા અમૃતા પ્રીતમના “જીવનપ્રેમી ” કવિ અને ચિત્રકાર ઇમરોઝનું ગત સપ્તાહમાં નિધન થયું. અમૃતાજીનું પ્રીતમ સાથેનું અલ્પ અને અધૂરું વૈવાહિક જીવન, સાહિર લુધિયાણવી સાથેનો ઈશ્કી સંબંધ અને ઇમોરઝ સાથેના રૂહાની સંબંધ વિષે ખુબ લખાયું. અમૃતા પ્રીતમની આત્મકથા “રેવન્યુ સ્ટેમ્પ “, દરેક નઝ્મ અને કવિતાઓ ખાસ્સી બોલકી હતી, સૌને હૃદય સોંસરવી ઉતરી જાય એવી હતી અને છે ,આથી અમૃતાજી સાથે પ્રેમ નામનો શબ્દ લોહીમાં વહેતાં રક્તકણ જેવો જોડાઈ ગયો. પરંતુ જો આજે અમૃતાજી સદેહે હાજર હોત તો બેધડક કહી દેત ,”પ્રેમ એટલે હું નહિ, પ્રેમ એટલે સાહિર પણ નહિ, પ્રેમ એટલે ઇમરોઝ. જેને જીવનભર “આઈ લવ યુ ” કહેવું ના પડે કે ના સંબંધની કોઈ રસમ ફરજીયાત હોય એ અકબંધ જોડાણનું નામ ઇમરોઝ છે.
.
અમૃતા સાથે ઇમરોઝની અટક, નામ કે સગપણો નથી જોડાયા પણ ઇમરોઝ આખેઆખા જોડાઈ ગયા. એક છતની નીચે બે અલગ કમરામાં રહેતા બે સર્જકો અમૃતા અને ઇમરોઝ એકસાથે મુસાફરી કરતા રેલના બે પાટા જેવા હતા. અમૃતજી લખે અને ઇમરોઝ ચા મૂકે , અમૃતાની નઝમ પર કેલિગ્રાફી કરે અને મૃત્યુના બિછાને પડેલી અમૃતાના એક એક શ્વાસનું જતન કરે એ બધું જ આપણે ખુબ વાંચ્યું છે. અને જો એ વિષે ઓછો ખ્યાલ હોય તો રસીદી ટિકિટ કે ઇમરોઝના નિધન બાદ તાજેતરમાં જ લખાયેલા અનેક લેખ અને સોશ્યલ મીડિયા પોસ્ટમાં નજર ફેરવી લેજો. પ્રેમને જિદ્દી, લોહિયાળ, એનિમલ કે સામાજિક સમસ્યામાં તબદીલ કરતાં આપણાં સમાજમાં શું ખરેખર અમૃતા, સાહિર કે ઇમરોઝ સ્વીકૃત છે ખરા?
.
ચાલીસીએ પહોંચેલ એક સંવેદનશીલ અને સર્જક સ્ત્રી પતિથી છૂટી પડી હતી, ખુબ સફળ અને જાણીતા શાયરના પ્રેમમાં તરબોળ પણ હતી, એ તેનાથી સાત આઠ વર્ષ નાના ચિત્રકારના સંપર્કમાં આવે છે. એ બે વચ્ચેના કોઈ કરાર છે કે ના કોઈ તકરાર છે . કોઈ પ્રકારના બંધન નથી અને તે છતા એવું અતૂટ જોડાણ કે મૃત્યુ પછી પણ મુક્ત ના થયું.
.
વાર્તા કહેવા કે પ્રેમની પરાકાષ્ટાના ઉદાહરણ આપવા ગમે એવી દરેક ઘટનાઓ એમના જીવનમાં હતી. ઓળખાણ પછી મૈત્રી અને મૈત્રી દરમ્યાન સાવ સાહજિક રીતે જ ઇમરોઝ અમૃતજીના ઘરે રહેવા ગયા. સમાજ એટલેકે બહુમતીની સમજ કે માનસિકતા ક્યારેક ઇમરોઝ જેવી ના હોય તે સ્વાભાવિક છે. આથી જ અમૃતાજીની ખુબ મજાક થઇ અને પુરુષ રખાતના બિરુદની ભેટ પણ મળી. આમેય પ્રેમ સાહજિક લાગણીનું નામ છે પરંતુ આસાનીથી ગળે ઉતરે એવી બાબત નથી જ. એમના બિન પારંપરિક સંબંધ માટે સમાજનાં દ્રષ્ટિકોણ વિષે એકવાર અમૃતાએ પ્રશ્ન કર્યો હતો ત્યારે ઇમરોઝનો જે જવાબ હતો,”તારો સમાજ હું, મારો સમાજ તું”.
.
સમાજની પરવાહ અને સમાજની આપણા જીવનમાં અસર, આ બે જ વિષયમાં આખી ઝીંદગી પસાર થઇ જાય છે. એકબીજાનો સમાજ બનવું એટલે શું? આ માત્ર કવિતાના શબ્દો નથી બલ્કે ભારતીય સમાજમાં ભાગ્યે જ આકારિત થઇ શકે તેવું ઘર છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે તેવું જ બુદ્ધિજીવી માટે પણ માનવામાં આવે છે. બે બૌધિકો સાથે લેખ લખી શકે, એક મંચ પર જઈને જીદંગીની ફિલસુફી વિષે ભાષણ પણ કરી શકે. બેથી વધુ બૌધિકો મળીને રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય કક્ષાએ કોઈ ખાસ સમિતિમાં ચર્ચા પણ કરી શકે. પરંતુ એક છત નીચે,અવ્યાખ્યાયિત સંબંધ સાથે અને જવાબદારીની ભાગીદારી સાથે સતત સાથે રહેવાનું આવે ત્યારે એકબીજાની બૌધિક શક્તિ ઓછી દેખાય અને નબળાઈ સામે આવે.
.
માત્ર પરણિત યુગલ કે રોમેન્ટિક સંબંધ નહિ દરેક સંબંધમાં જ્યારે સતત સહવાસ આવે ત્યારે “ટેક્ન ફોર ગ્રાન્ટેડ ” થવાની શક્યતા વધી જાય અને એકબીજાને સંપૂર્ણ ઓળખી ગયા પછી ક્ષમતાનું સન્માન ઓછું થાય અને નબળા મુદ્દાને વધુ ઘાટા કરીને એકબીજાને સામે મુકવામાં આવે છે. અમૃતા અને ઇમોરઝ અહીં જુદા પડે છે. એક છત નીચે બે ઓળખ અકબંધ રહી શકી અને બે અસ્તિત્વ સાથે ધબકી શક્યા.કારણકે એ અમૃતા અને ઇમરોઝ હતા.
.
હવે એ રૂહાની અને સુહાની સહયાત્રાને નજર સામે રાખીને વાસ્તવિકતાની જમીન પર બે ઘડી બેસીને અમૃતાજી અને ધ વન એન્ડ ઓન્લી ઇમરોઝ સાથે થોડી હૃદયછુટ્ટી વાત કરીએ.
.
હમારી અમ્રિતાજી ,
પહેલી વાત તો એ છે કે, અમૃતા બનવું સહેજ પણ સહેલું નથી. હા, તો વાત એમ છે કે અમારી ભાષામાં તમે રોજ જન્મ લો છો. ક્યારેક સ્ટેજ પર સ્ત્રીની વેદના કહીને રૂવાંડા ઉભા કરવા હોય ત્યારે તમારી કવિતાઓ બોલીએ છીએ, ક્યારેક વુમન ડે પર આયોજિત મહિલા સંમેલનમાં તમારા ક્વોટ વાપરીએ છીએ. “રસીદી ટિકિટ ” તો બધાંએ મોઢે કરી લીધી છે. કારણકે એમાંથી નાના-નાના પીસ લખવામાં મજા પણ આવે છે અને સરળ પણ પડે છે. આજકાલ અમારે “ફેમિનિઝમ “શબ્દ બૉલીવુડથી માંડીને મોડર્ન સોસાયટીમાં ધૂમ મચાવે છે. એમાં પણ તમારા ઉદાહરણો આપીએ એટલે અમારું કામ થઇ જાય છે.
.
અમારા ગોસિપપ્રિય સમાજને તમારા પ્રીતમ સાથેનું છુટ્ટા પડવું, સાહિરને બિન્દાસ્ત પત્રો લખવા અને જીવનનો છેલ્લો પડાવ ઇમરોઝ સાથે રહેવું-એવું બધું બોલવામાં તો મોઢામાં પાણી (વ)છૂટે. એમ પાછા અમે થોડા ડાહ્યા, એટલે અમુક અન ટોલ્ડ સ્ટોરી રાખી છે, જેમ કે સાહિરનો અન્યાય, તમે કઈ રીતે ત્રણેય સંબંધો વચ્ચે તમારી આંતરિક યાત્રા કરી હશે, તત્કાલીન સમાજ વ્યવસ્થા, સ્વાતંત્રતા સંગ્રામ સમયે સ્ત્રીનું માનસિક જગત તમે જે લખ્યું છે તે વગેરે વગેરે …તમે કથા,કહાની, કથાનક તરીકે અમને બહુ ગમો છો એટલે અમે તમને એવી રીતે જ પ્રોજેક્ટ કરીએ છીએ.
.
અમે તમને મહાનતાના એ મુકામ પર મુકવા મંડ્યા છે કે તમે ધીમે ધીમે દંતકથા બની જશો..અને દંતકથા જીવાય નહિ. એટલેજ દરેક સ્ત્રીમાં સળવળતી અમૃતાને અમે રોજ ટપારીને બાજુ પર મૂકીએ છીએ. રખેને કોઈ છોકરી અમૃતા બનવાના સપના જોવે .એ કરતા તમે કોલમ અને સ્ટેજ પર જીવો એ સારું …
.
હમારી અમૃતાના ઇમરોઝ ,
बाप, भाई, दोस्त और खाविंद, किसी लब्ज का कोई रिश्ता नहीं है लेकिन, जब तुम्हें देखा, यह सारे अक्षर गाढ़े हो गए । ઇમરોઝ બનવું તો લગભગ અશક્ય જેવું લાગે છે. સરખી સર્જનનશીલતા,સંવેદનશીલતા અને બૌદ્ધિક ક્ષમતા ધરાવતી બે ઓળખ સાથે રહેતી હોવા છતા સાથે રહેવાની આડઅસરમાંથી કઈ રીતે મુક્ત રહી શકે? તમે જેને સમર્પિત હોય એ સ્ત્રી તમારી બા કાયદા પીઠ પર (પીઠ પાછળ નહિ ) તેના પ્રેમીનું નામ કોતરી શકે. તમે એના શબ્દ પાછળ રહેલી લાગણીનું સાચું સરનામું પણ ખબર હોય અને તે છતા પઝેસીવનેસ નહિ, મેલ ઈગો નહિ, પ્રશ્નો નહિ એવું કેવું ?
.
પરસ્પર સમજણ, સ્નેહ, સંગાથ, સ્વીકૃતિ અને સન્માન પ્રેમના મુખ્ય પાંચ આધાર સ્તંભ છે એવું તો અમે પણ ઘણું વાંચ્યું છે. પરંતુ જીવાય કઈ રીતે ? તમે જેને પ્રેમ કરો છો એ બીજાને પણ કરી શકે તેવું જીરવાય કઈ રીતે ?
.
આમ તો તમારી માટે અમારી પાસે સલામ અને અહોભાવથી વિશેષ કંઈ નથી. તે છતા પુરેપુરી નૈતિકતા અને પારદર્શિતા ભેગી કરીને કહું છું કે, પ્રેમમાં ક્યારેય બંધન કે ઘુટન થાય એવી સ્થિતિ નહિ આવવા દઉં. ઈમોશનલ ઇન્ટલિજન્સની થિયરી જયારે પણ વાંચીશ કે બોલીશ ત્યારે નજર સામે જીવંત ઉદાહરણમાં તમને રાખીશ. ગમતી વ્યક્તિને મેળવવાના ઉધામા કરવાને બદલે શું આપી શકાય એનો વિચાર પહેલા કરીશ. તમારા વિષે સોશિયલ મીડિયા પોસ્ટ લખીને લાઇકની સંખ્યા ઉઘરાવવાની લાલચ રોકીશ અને અંગત સંબંધોની લાઈકને વધુ મહત્વ આપીશ. અને હા છેલ્લે, મિત્ર, સ્નેહી,પ્રિય પાત્ર કે કોઈની પણ સરખામણી તમારી સાથે નહિ કરું. કારણકે મને ખબર છે કે ઇમરોઝ એક જ હોય અને એ તમે છો .
.
प्रेम में डूबी हर स्त्री अमृता होती है या फिर होना चाहती है. पर सबके हिस्से कोई इमरोज नहीं होता, शायद इसलिए भी कि इमरोज होना आसान नहीं.
.
( મેઘા જોશી )
Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.