मैं तुझे फिर मिलूँगी-જિજ્ઞેશ અધ્યારુ

.

તા. 22 ડિસેમ્બરને શુક્રવારના રોજ ચિત્રકાર ઈન્દ્રજીત સિંહ – ઇમરોઝનું અવસાન થયું. મને નથી લાગતું કે અમૃતા પ્રીતમ – સાહિર અને ઇમરોઝનો પ્રણય ત્રિકોણ હતો. એ એક રેખાના ત્રણ બિંદુઓ હતાં.
.
ઇમરોઝનો પ્રેમ એકપક્ષી હતો, કહેવાતા ‘પ્લેટોનિક’ પ્રેમના એ ધ્વજધર હતાં પણ શું એવો એકપક્ષીય પ્રેમ હકારાત્મક કે પ્રોત્સાહક હોય છે ખરો? ખાસ કરીને ત્યારે જ્યારે તમને ખબર છે કે તમે જેને પ્રેમ કરો છો એ તમને નહીં પણ અન્ય કોઈને ચાહે છે!
.
અમૃતાના ઈ.સ. 1935માં પ્રીતમસિંહ સાથે લગ્નથી એક પુત્ર અને એક પુત્રી થયાં. એમના લગ્ન બહુ ન ટક્યાંં, અમૃતા સાહિર લુધિયાનવીના પ્રેમમાં ગળાડૂબ હતાં. પોતાની આત્મકથા રસીદી ટિકટમાં એ લખે છે, ‘સાહિર ચૂપચાપ મારા રૂમમાં સિગારેટ પીતો. અડધી પીધા પછી એ સિગારેટ હોલવીને નવી સિગારેટ સળગાવતો. જ્યારે તે જતો રહેતો ત્યારે તેની ધૂમ્રપાન કરેલી સિગારેટની ગંધ ઓરડામાં જ રહેતી. હું તે સિગારેટના ઠૂંઠા હાથમાં લઈ એકલામાં ફરી સળગાવતી. જ્યારે હું એ ઠૂંઠા મારી આંગળીઓમાં પકડતી ત્યારે એવું લાગતું કે હું સાહિરના હાથને સ્પર્શ કરી રહી છું.’
.
તો ઇમરોઝ એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘અમૃતાની આંગળીઓ હંમેશા કંઈક લખતી રહેતી. એના હાથમાં પેન હોય કે ન હોય. એણે ઘણી વાર સ્કૂટર પર મારી પાછળ બેસીને મારી પીઠ પર સાહિરનું નામ લખ્યું છે. ભલે, હું પણ એનો અને મારી પીઠ પણ એની..’
આ ભાવ અસહજ છે!
.
અમૃતા એક પુસ્તકના કવર ડિઝાઈન માટે ઇમરોઝ સાથે સંપર્કમાં આવ્યા હતાં. સાહિર સાથેના તેમના સંબંધોની વાત કહેતી રસીદી ટિકટનું કવર ડિઝાઈન પણ ઇમરોઝે કર્યું. ઇમરોઝ ચિત્રકાર હતાં જેમના જીવનનું ચિત્ર મારા મતે અધૂરું રહ્યું.
.
અમૃતા સાહિર તરફ ખૂબ આકર્ષાયેલ હતાં અને ઇમરોઝ અમૃતા તરફ. ઇમરોઝ અને અમૃતા પોતાના સંબંધને કોઈ નામ આપ્યા વગર એક જ ઘરના અલગ અલગ ઓરડામાં ચાલીસ વર્ષ ‘સાથે’ રહ્યાં.
.
મને ઇમરોઝ થવું – ઇમરોઝપણું કદી ગમ્યું નથી. પ્રેમમાં પડેલી દરેક સ્ત્રી અમૃતા થવા માંગતી હશે કે કેમ એ વિચારનો વિષય હોઈ શકે પણ કોઈ ઇમરોઝ થવા માંગતુ ન હોવું જોઈએ.. કદાચ!
.
એક તરફનો પ્રેમ કદી સુખ આપતો નથી. એ અસ્વીકરણ મને બહુ શોષણ કરનારું લાગે છે. એકપક્ષીય પ્રેમનો બીજા પાત્ર દ્વારા સ્વીકાર પણ ન્યાય નથી. અમૃતા અને ઇમરોઝ વચ્ચે પ્રેમને લઈને ભલે સ્પષ્ટતાઓ હતી, ભલે કોણ કોને પ્રેમ કરે છે એ સ્પષ્ટ હતું પણ આ ચાલીસ વર્ષ ઇમરોઝ કઈ આશાને તાંતણે ઝૂલતા રહ્યાં હશે એ સમજી શકાય એવી વાત છે.
.
અમૃતાએ ઇમરોઝ માટે લખ્યું છે –
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
शायद तेरे कल्पनाओं
की प्रेरणा बन
तेरे कैनवास पर उतरुँगी
या तेरे कैनवास पर
एक रहस्यमयी लकीर बन
ख़ामोश तुझे देखती रहूँगी
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
या सूरज की लौ बन कर
तेरे रंगों में घुलती रहूँगी
या रंगों की बाँहों में बैठ कर
तेरे कैनवास पर बिछ जाऊँगी
पता नहीं कहाँ किस तरह
पर तुझे ज़रूर मिलूँगी
या फिर एक चश्मा बनी
जैसे झरने से पानी उड़ता है
मैं पानी की बूंदें
तेरे बदन पर मलूँगी
और एक शीतल अहसास बन कर
तेरे सीने से लगूँगी
मैं और तो कुछ नहीं जानती
पर इतना जानती हूँ
कि वक्त जो भी करेगा
यह जनम मेरे साथ चलेगा
यह जिस्म ख़त्म होता है
तो सब कुछ ख़त्म हो जाता है
पर यादों के धागे
कायनात के लम्हें की तरह होते हैं
मैं उन लम्हों को चुनूँगी
उन धागों को समेट लूंगी
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
मैं तुझे फिर मिलूँगी!!
.
ખેર આવતા જન્મે ઇમરોઝને અમૃતા કોઈ શરત વગર પૂર્ણપણે મળે એવી ઈશ્વરને પ્રાર્થના. જો કે આ જન્મે પણ એ પૂર્ણ હતું કે નહીં એ ઇમરોઝ વગર કોણ કહી શકે?
.
( જિજ્ઞેશ અધ્યારુ )
Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.