શ્રી તુલસીદાસ રચિત સુંદરકાંડ સમજવાથી અને ચિંતન કરવાથી હનુમાનજી કેમ આટલા નિર્ભય છે એ સમજાય છે.
.
આ નિર્ભયતાનું રહસ્ય સમજવા માટે એ પ્રસંગની વાત કરીએ જ્યારે હનુમાનજીને અશોકવાટિકામાં રાક્ષસોના અને રાવણપુત્ર અક્ષયકુમારના વધ બાદ બાંધીને રજૂ કરવામાં આવે છે.
.
જ્યારે હનુમાનજી દશમુખની સભામાં જાય છે ત્યારે એ સભા કેટલી વૈભવશાળી છે એનું વર્ણન આવે છે. સભા વૈભવશાળી તો છે જ પણ સાથે સાથે ભય ઉપજાવે એવી પણ છે કારણ કે રાવણે બંદી બનાવેલા દેવો અને દિગપાલો ભયભીત થઈને, હાથ જોડીને, વિનંતિ કરતા રાવણની ભ્રકુટી જોઈ રહ્યા હોય છે. જ્યાં દેવો અને દિગપાલો જ આમ બીતા બીતા ઉભા હોય તો અપરાધી તરીકે રજૂ કરાતા વ્યક્તિને આ જોઈને કેવી બીક લાગે?
‘
दसमुख सभा दीखि कपि जाई।
कहि न जाइ कछु अति प्रभुताई।।
कर जोरें सुर दिसिप बिनीता।
भृकुटि बिलोकत सकल सभीता।।
देखि प्रताप न कपि मन संका।
जिमि अहिगन महुँ गरुड़ असंका।।
.
પણ શત્રુનું આવુ વૈભવશાળી, ભયજનક દ્રશ્ય જોઈને પણ હનુમાનજીના મનમાં લેશમાત્ર ભય નથી. જેમ સાપોની વચ્ચે ગરુડ નિર્ભય થઈને ઉભો હોય છે એમ હનુમાનજી સભા સામે પૂરી નિર્ભયતાથી ઉભા રહે છે. આગળ રાવણ સાથેના સંવાદમાં હનુમાનજી આ નિર્ભયતાનું રહસ્ય જણાવે છે.
.
હનુમાનજીને આમ નિર્ભય જોઈને રાવણને બળતરા થાય છે. રાવણ હનુમાનજીને ત્રણ પ્રશ્નો પૂછે છે.
.
1. આ તે શું કૃત્ય કર્યું? કોના બળે અશોકવાટિકા ઉજ્જડ કરી? ( કોના દમ પર આટલું કૂદે છે એ અર્થમાં )
2. તે તારા કાનથી મારી ધાક વિશે સાંભળ્યું નથી, તે આમ નિર્ભય થઈને મારી સામે ઉભો છે?
3. તે રાક્ષસોને કયા અપરાધના કારણે મારી નાખ્યા, શુ તને તારા પ્રાણની ચિંતા નથી?
‘
कह लंकेस कवन तैं कीसा।
केहिं के बल घालेहि बन खीसा।।
की धौं श्रवन सुनेहि नहिं मोही।
देखउँ अति असंक सठ तोही।।
मारे निसिचर केहिं अपराधा।
कहु सठ तोहि न प्रान कइ बाधा।।
‘
હનુમાનજી એક પછી એક ત્રણેય પ્રશ્નોના ઉત્તર આપે છે. પહેલા પ્રશ્નના ઉત્તરમાં જ હનુમાનજીની નિર્ભયતાનું રહસ્ય છુપાયેલું છે.
હનુમાનજી જવાબ આપવાનું શરૂ કરે છે.
.
1.સંભાળ રાવણ, જેણે આ બ્રહ્માંડ બનાવ્યું છે, જેના બળે માયા વિચરણ કરે છે, જેના બળે બ્રહ્મા,વિષ્ણુ, મહેશ સર્જન,પાલન અને સંહાર કરે છે, જેના બળે સહસ્ત્રમુખ (શેષનાગ) પર્વતો-વનો સહિત બ્રહ્માંડ પોતાના શિષ પર ધારણ કરે છે, જે દેવતાઓના રક્ષણ માટે વિવિધ દેહ ધારણ કરીને તારા જેવા મૂર્ખાઓને પાઠ ભણાવે છે, ઈવન તે પણ ચરાચર જેના બળના લેશમાત્ર અંશથી જ જીત્યુ છે, જેણે મહાદેવનું કોદંડ ધનુષ્ય તોડતાની સાથે જ બધા ય રાજાઓનું અભિમાન તોડી નાખ્યું, જેણે ખર,દુષણ,ત્રીસરા અને બાલી જેવા અતુલ્ય બળવાનોનો વધ કર્યો, એના બળે રાવણ, એના બળે તારી અશોકવાટિકા ઉજ્જડ કરી નાખી. ને હું એનો જ દૂત છું જેની સ્ત્રીને તું અપહરણ કરીને લઈ આવ્યો છે.
.
सुन रावन ब्रह्मांड निकाया।
पाइ जासु बल बिरचित माया।।
जाकें बल बिरंचि हरि ईसा।
पालत सृजत हरत दससीसा।
जा बल सीस धरत सहसानन।
अंडकोस समेत गिरि कानन।।
धरइ जो बिबिध देह सुरत्राता।
तुम्ह ते सठन्ह सिखावनु दाता।
हर कोदंड कठिन जेहि भंजा।
तेहि समेत नृप दल मद गंजा।।
खर दूषन त्रिसिरा अरु बाली।
बधे सकल अतुलित बलसाली।।
दो0-जाके बल लवलेस तें जितेहु चराचर झारि।
तासु दूत मैं जा करि हरि आनेहु प्रिय नारि।।21।।
.
આહાહા!!!! શું ઉત્તર આપ્યો છે બાકી કેસરીનંદને. એક્ઝેટલી આ જવાબમાં હનુમાનજીની નિર્ભયતાનું સમગ્ર રહસ્ય છે.
.
આપણે ય જો પ્રભુ શ્રી રામના બળે બધું કરીએ તો હનુમાનજી જેવી નિર્ભયતા પ્રાપ્ત કરી શકીએ પણ એના માટે મારુતિ જેવી તન,મન,ધનથી સમર્પિત ભક્તિ કરવી પડે પછી નિર્ભયતા સહજતાથી પ્રાપ્ત થાય છે. સમર્પિત ભક્તિ જ પ્રોસેસ હોય તો નિર્ભયતા બાય પ્રોડક્ટ તરીકે મળે છે. બાય પ્રોડક્ટ એટલે કારણ કે મેઈન પ્રોડક્ટ તો તુરિય અવસ્થામાં પ્રાપ્ત થતો અવર્ણનિય આનંદ અને પ્રભુ સાથે એકાત્મતાની અનુભૂતિ છે.
.
તો મિત્રો હંમેશા સ્મરણમાં રાખજો કે આપણા જીવનમાં ય આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે જ્યાં શત્રુ રાવણની જેમ ખૂબ પહોંચેલો હોય, શક્તિશાળી લોકો એને હાથ જોડીને વિનંતી કરતા હોય ત્યારે તો હનુમાનજી જેવી રામકૃપા પ્રાપ્ત કરી હશે તો ચોક્કસ તમે ના માત્ર શત્રુની વાટીકા ઉજાડી આવા સૌ સાપ જેવા લોકોની વચ્ચે ગરુડની જેમ નિર્ભય થઈને ઉભા રહેશો પરંતુ આખો સુંદરકાંડ કરીને આવશો, શત્રુની લંકા ભડકે બાળીને આવશો. બસ મેં આ પહેલા જવાબમાં છુપાયેલું રહસ્ય ઉજાગર કરવા જ પોસ્ટ લખી હતી પણ બીજા બે પ્રશ્નોના જવાબ પણ જાણી લો.
.
2. હું તારો વૈભવ ને તારી ધાક જાણું છું. તું સહસ્ત્રબાહુ સાથે લડ્યો છે,બાલી સાથે યુદ્ધ કરીને તું યશ પામ્યો છે.
ત્રીજો જવાબ થોડો ઉડાઉ રીતે આપે છે.
.
3. મને ભૂખ લાગી’તી. ને હું તો છું જ વાનર તો સહજ સ્વભાવવશ ઝાડ તોડ્યા. સૌને પોતાનો દેહ (પ્રાણના અર્થમાં) વહાલો જ હોય પણ એ કુમાર્ગે ચડેલા રાક્ષસોએ મને માર્યો, એટલે મેં એમને મારી નાખ્યા.
.
जानउँ मैं तुम्हारि प्रभुताई।
सहसबाहु सन परी लराई।।
समर बालि सन करि जसु पावा।
सुनि कपि बचन बिहसि बिहरावा।।
खायउँ फल प्रभु लागी भूँखा।
कपि सुभाव तें तोरेउँ रूखा।।
सब कें देह परम प्रिय स्वामी।
मारहिं मोहि कुमारग गामी।।
जिन्ह मोहि मारा ते मैं मारे।
तेहि पर बाँधेउ तनयँ तुम्हारे।।
.
આ ઉત્તર પછી તેઓ સીતાજીને મુક્ત કરવા માટે રાવણને હાથ જોડીને વિનંતી કરતા સમજાવે છે કે તું કેટલા ઊત્તમ કુળમાં જન્મ્યો એનો વિચાર કર અને જે ભક્તોના ભય હરી લે છે એને ભજ. પછી ચેતવણી પણ આપે છે કે જેના ભયથી કાળ પણ ભય પામતો હોય, જેણે દેવ-અસુર અને ચરાચર પોતાનામાં સમાવેલું હોય એની જોડે વેર ના કરાય . એમ પણ કહે છે કે પ્રભુ કરુણાનો સાગર છે, હજી પ્રભુની શરણમાં જતો રહે તો પ્રભુ તારા બધા અપરાધો માફ કરીને એમની શરણમાં લઈ લેશે. એટલે જ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ હનુમાનજીને બેસ્ટ ડિપ્લોમેટ કહે છે.
.
बिनती करउँ जोरि कर रावन।
सुनहु मान तजि मोर सिखावन।।
देखहु तुम्ह निज कुलहि बिचारी।
भ्रम तजि भजहु भगत भय हारी।।
जाकें डर अति काल डेराई।
जो सुर असुर चराचर खाई।।
तासों बयरु कबहुँ नहिं कीजै।
मोरे कहें जानकी दीजै।।
दो0-प्रनतपाल रघुनायक करुना सिंधु खरारि।
गएँ सरन प्रभु राखिहैं तव अपराध बिसारि।।22।।
.
આ પ્રસંગ પહેલા હનુમાનજી કઈ રીતે અશોકવાટિકા ઉજાડે છે, કઈ રીતે રાક્ષસોને મારે છે. એ પણ અભ્યાસ કરવા જેવું છે. પછી સમજાઈ જાય કે હનુમાનજી માત્ર ભક્તિ જ નથી કરતા, ભક્તિની સાથે સાથે તેઓ વ્યાયામ, શારીરિક સૌષ્ઠવ અને યુદ્ધકૌશલ્યમાં પણ નિપુણ છે. ના કરે નારાયણ પણ સંજોગોવશાત સુંદરકાંડ કરવો જ પડે એમ હોય તો ભક્તિની સાથે સાથે એવા ગુણો પ્રાપ્ત કરવા ય આવશ્યક છે. મંજીરા ને કરતાલ લઈને સુંદરકાંડ નથી થતો. ગદા ધારણ કરીને સુંદરકાંડ થાય છે. એના માટે ગદા ઊંચકવા સક્ષમ થવું પડે, એના પ્રયોગ કરી શકીએ એવી નિપુણતા ય પ્રાપ્ત કરવી પડે ને અગેઇન, એના માટે વ્યાયામ તો કરવો જ પડે. તો સુંદરકાંડ કરવા ઇચ્છુક ભાવિક ભક્તો કાલથી જ લંગોટ બાંધીને અથવા સ્પોર્ટર પહેરીને પહેલવાન બનવાનું શરૂ કરી દો.
.
મિત્રો, શ્રી તુલસીદાસકૃત રામચરિત સમજવા બેસો તો બહુ સરળતાથી એક એક શબ્દ સમજાઈ જાય કારણ કે એ સંસ્કૃત નહિ પણ અવધી ભષામાં લખાયું છે. જેમ ગુર્જરી સંસ્કૃતની ભગિનીભાષા છે એમ જ અવધી પણ ભગિની ભાષા જ છે. ખાલી, વિભક્તિઓ થોડી અલગ રીતે હોય છે જેમ કે ‘જનકસુતા કે “ચરનન્હિ” પરી’ અહીં ચરનન્હિનો અર્થ ચરણમાં છે, જનકપુત્રીના ચરણમાં પડી.અહિ ‘ન્હિ’ નો અર્થ છે ‘માં’. આજ રીતે ‘બ્રહ્મબાન કપિ ‘કહું’ તેહી મારા’માં ‘કહું’નો અર્થ છે ‘ને’. તેણે ‘કપિને’ બ્રહ્મબાણ માર્યું. ઓનલાઈન ઘણા સોર્સ ઉપલબ્ધ છે શ્રી તુલસીદાસકૃત રામચરિતમાનસ સમજવા માટે.
.
રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસે એક પ્રસંગને ચાર પાંચ ચોપાઈમાં સમજાવીને પછીના દોહામાં કન્કલુડ્ કરી લીધો છે.
.
તુલસીદાસજીનું રામાયણ જાણે કે ફાસ્ટ ફોરવર્ડ છે જ્યારે શ્રી વાલ્મિકીજીનું રામાયણ અતિ ઊંડાણપૂર્વકનું છે. જાણે કે સ્લો મોશનમાં રામાયણ ચાલી રહી હોય. જેમ કે તુલસીદાસ બે ચોપાઈમાં તો હનુમાનજીને લંકા તરફ કૂદકો મરાવી દે છે એ જ વાત વાલ્મિકીજીએ કદાચ દસ-પંદર શ્લોકમાં કરી છે. બંનેનો પોતપોતાનો આનંદ છે.
ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લોકજીવન અને લોકકલા-ગીતસંગીતનું સ્થાન આગવું છે. એમાં પણ રંગોળી,લગ્નગીતો, સાજશણગાર વિશિષ્ટ. ઘરમાં શુભ અવસર આવે એટલે ગૃહરાજ્ઞીનું ગળું ગહેકે. એને દેવ-દેવીઓ, સગાંવહાલાં અને મોસાળિયાં યાદ આવે સાથોસાથ જોષીડો, સુખડિયો, માળીડો, કુંભાર, કાપડિયો, દરજીડો, કરિયાણો, રંગારો, ચૂડગર, સોનીડો વીરો યાદ આવે. લગ્ન કે જનોઈ ગીતમાં એમને નોતરાં મોકલે એટલું જ નહીં પણ વીનવે કે વહેલેરા-વેળાસર આવી રહેજો, તમારી જરૂર છે અને કામમાં મદદ કરજો. ભારતીય સાંસ્કૃતિક જીવન ખેતી, વરસાદ અને ઋતુઓ સાથે સંલગ્ન એટલે અહીં ‘ભૂમિજન-આમઆદમી’ નું મહત્ત્વ વિશેષ. આ ભૂમિજનનો ચહેરો મહોરાં વગરનો! એણે કાંઈ છુપાવવાનું હોય નહીં એટલે એનો ચહેરો બોલકો, આંખો એવી ભાવસભર કે કંઈક કહેવા ઉત્સુક અને ઓષ્ઠદ્વય સ્મિતે મઢેલાં. કાન સરવા અને નાક કોઈપણ પીમળ પારખવામાં અવ્વલ! એવડો એ જણ-ભૂમિજન અને જણી-ભૂમિજા કામે લાગ્યાં હોય ત્યારે ધ્યાનમગ્ન ઋષિ અને ઋષિકા! આવા માનવીઓથી રળિયાત ભારતભૂમિમાં અપાર વૈવિધ્ય! ‘અનેકતામાં એકતા’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’,‘જે પિંડમાં તે જ બ્રહ્માંડમાં’ની વિભાવના ગળથૂથીમાં. આહાર, વેશ, ભાષા-બોલી, ગીત-સંગીત/નૃત્ય, પરંપરાનું વૈવિધ્ય અપાર. ભારતીય સંસ્કૃતિ લીલીછમ અને મીલીઝૂલી છે. અહીં અનેક સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. ભારતીયો માટે નદી માતા અને સમુદ્ર પિતા. સહનાવવતુ….. ના પાઠ લોહીમાં વણાયેલા એવી આ ભારતભૂમિના ભૂમિજન-ભૂમિજાની વિવિધ ભૂમિકાને કચકડે મઢીને મહોરાં વગરના ચહેરાને ઉજાગર કરવાનું બીડું ડો. હર્ષ દહેજીઆ, ડો.બિપિન મહેતા અને ભાઈ વિનોદ કોન્ટ્રેક્ટરે ઝડપ્યું અને ભાતીગળ કસબથી રંગેચંગે પાર પાડ્યું. આ પુસ્તકમાં મારો પણ એક લેખ છે જેનું શીર્ષક છે,’ મહોરાં વગરના ચહેરા.’
.
આ પુસ્તકમાં હકુભાઈ શાહ, પાર્થિવ શાહ, પરમાનંદ દલવાડી, રાજેશ વોરા, જ્યોતિ ભટ્ટ, સ્ટિવન હ્યુલર, વિનોદભાઈ કોન્ટ્રાક્ટરે લીધેલી તસવીરો છે. આ તસવીરકારો પાસે જે દૃષ્ટિ છે તેમાં ફોટોગ્રાફીની કલાત્મકતા વિશે ચર્ચા માટે મારી પહોંચ કદાચ ઓછી પડે પરંતુ હર્ષભાઈએ જે રીતે એને મૂલવી છે, બિપિનભાઈએ અનુવાદો કર્યાં છે તે કારણે દરેક સમયે તસવીરો જોઈએ ત્યારે એની વિશિષ્ટ ખૂબીઓ નજરે ચડે. ૧૧૯ પૃષ્ઠોમાં સમાવિષ્ટ વિવિધ તસવીરોમાં દૃશ્યાંકિત પાત્રો સાવ સામાન્ય તળજમીની લોકોના લાગે પરંતુ જ્યારે એ કેમેરામાં ઝિલાયેલા નજરે ચડે કે અદ્ ભુત શબ્દ સરી પડે! વિવિધ રંગો, આભૂષણો, લીંપણ-ઓકળી, નિરાંતના જીવે બીડી કે ચલમ ફૂંકતા શ્રમજીવીઓ, સાધુઓ કે નેજવે જોતી મોં પર અસંખ્ય કરચલીઓ ધરાવતી માવડી કે જેની એક એક કરચલી એનાં સુખદુ:ખની સાખ પૂરે, વાલીડાની રાહ જોતી પ્રિયતમા કેટકેટલી તસવીરો અહીં પ્રસ્તુત છે, કોની કઈ તસવીર છે એ પુસ્તકમાં સ્પષ્ટ છે છતાં આ લેખમાં કદાચ ભેળસેળ થઈ જાય એટલે મને ગમી તે મૂકી છે પરંતુ તસવીરકારનું નામ આપવામાં ભૂલ થઈ હોય તો દરગુજર કરવા વિનંતી. હર્ષભાઈ અંગ્રેજી ગદ્યમાં મઢે પરંતુ લાગે સુવાંગ પદ્ય તેની મજાની અનુભૂતિ તો પુસ્તક માણીએ ત્યારે જ કરી શકાય. આ તસવીરોમાં કેટલીક જોતાં જોતાં યાદ આવે કવિ મણિલાલ દેસાઈની રચના ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, તો છાણ સાથે કામ પાર પાડતી સ્ત્રીના હાથોમાં સમાયેલી કલાની યાદ આપતી વાર્તા ‘ઓળીપો’(લેખકનું નામ હમણાં યાદ આવતું નથી.)એક થાળીમાંથી ખાતાં ભાંડરડાંને જોઈને તો મને મારું બાળપણ યાદ આવી ગયું કે અમે ખાધેપીધે સુખી છતાં વહેંચીને જ ખાવું એ પાઠ અમને ઈરા બરાબર ભણાવતી અને ખાસ તો કેરી, શિંગોડા અને એન.સી.સી. પ્રેક્ટિસમાંથી મળતી ક્રીમવાળી બિસ્કીટ. ત્યાર નો પરિચિત લોકબોલીનો વાક્યપ્રયોગ હતો,”તારે હારું મૂકી છાણેલું છે.” એટલે કે તારે માટે ખાસ સંતાડીને રાખેલું છે!
.
હર્ષભાઈનું અંગ્રેજી ગદ્ય સીધુંસાદુ આલેખન નથી પરંતુ શબ્દેશબ્દ પદ્ય છે એટલે હું કહીશ કે એ ગદ્યમાં પદ્ય છે. એ અંગ્રેજી વર્ણનની કાવ્યાત્મકતાને મેં મારી રીતે ગુજરાતીમાં મૂકી જે અહીં પ્રસ્તુત છે.
.
(૧)
આ કરચલિયાળાં મુખારવિંદની એક એક રેખા
યાદોના વનરાવનની શાખ પૂરે છે.
દરેક બિંદુ દુ:ખોની ભરમારની ચાડી ખાય છે છતાં
કાંઈ હું મારી નજર સામે વિચરતી
દુનિયાને હસી કાઢતાં રોકાવાની નથી.
લોકને ક્યાં ખબર છે કે સહન કરીને સ્મિત કરવું
એટલે શું?
.
where wrinkles are filled with memories
every spot speaks of days of penury
but that does not prevent me from
smiling at the world that passes by
do they know what it is to suffer and yet smile?
.
(૨)
એનું ઝગમગતું વસ્ત્રપરિધાન બોલકુ છે
જેનો પીતાંબરી રંગ એની અભિલાષાની
અભિવ્યક્તિ છે
ઓઢણીનો લાલ રંગ એની પવિત્રતાનું પ્રતીક છે.
આંખોમાં પ્રેમની તરસ છે
એનાં સાજશણગાર એનાં સૌંદર્યને ઉજાગર કરે છે.
.
The bright colours of her attire speak
the yellow of her desires
the red of her of her purity
in her eyes the expectation of love
her adornments enhancing her beauty.
.
હજી તૃણમૂળ કે મૂળસોતાં ક્ષેત્રે ભૂમિજનો અને ભૂમિજાઓ જડે છે અને પોતપોતાના કર્મને આધીન ભૂમિકા ભજવે છે એટલે ક્યાંક સારપની આશા જાગે છે. અલબત્ત, આધુનિકતાની હોડમાં કેટલુંક અદૃશ્ય થઈ રહ્યું છે તો પ્રસંગોપાત્ત સાંસ્કૃતિક વારસાઈના સંગોપન માટે પોતાની બોલી, ખાણી-પીણી,પહેરવેશ, તહેવાર, રીતરિવાજો-પરંપરાનું જતન કરવાનો ટ્રેન્ડ પણ દેખાઈ રહ્યો છે. આશા તો છે કે માનવજાત ફરીથી પ્રકૃતિ તરફ વળશે. માનવતાની દુહાઈ ગાશે અને સાચા અર્થમાં વિશ્વમાનવની પરિકલ્પના સાકાર કરશે ત્યારે મહોરાં વગરના ભૂમિજન-ભૂમિજાનો વૈવિધ્યસભર છતાં સમાનતામૂલક ચહેરો વધારે દેદીપ્યમાન બનીને તેજોમય પૃથ્વીનું સર્જન કરશે……
.
ખાસ આભાર: નિવાસી તંત્રી : વિકાસ ઉપાધ્યાય.
.
ખાસ નોંધ: આ કાર્યક્રમનું લોકાર્પણ વિનોદભાઈના અમૃત મહોત્સવ અવસરે થયેલું, અશ્વિનભાઈ સોમપુરા અને વિનોદભાઈના અન્ય જાણીતાં તસવીરકાર મિત્રો સહભાગી થયેલા. અલ્પાએ સરસ સંચાલન કરેલું ઉપરાંત વિનોદભાઈ-જયશ્રીબહેન અને સ્વજનોનાં મોકળાશભર્યા નૃત્યો, હર્ષભાઈ-સુધાબહેન દહેજીઆ , દીદી-બિપિનભાઈ અને મિત્રો-સ્વજનો તથા અમન લેખડિયા અને સંગત કરનારાના કારણે કાર્યક્રમની મજા બેવડાઈ ગયેલી.