એ હિમાલય ગયો – સુરેશ દલાલ

.

હિમાલય ગયો.

હિમાલયને જોવાનું ભૂલી

બરફને વીણવામાં ખોવાઈ ગયો.

 .

એ ગયો

ઘૂઘવતા સમુદ્ર પાસે

સમુદ્રને જોયા વિના

એ મોજાંઓને છીણવામાં

ધોવાઈ ગયો.

 .

એ લીલાછમ્મ વનમાં ગયો.

ન જોયું વનશ્રીનું સૌંદર્ય

એ ઝાડી-ઝાંખરાઓમાં

અટવાઈ ગયો.

 .

હવે શું કરવું

એની ખબર પડી નહીં,

એટલે તેજાબથી એણે

આંખોને ધોઈ નાખી.

.

( સુરેશ દલાલ )

 .

૨૭.૧૧.૨૦૦૪

મને મારો – સુરેશ દલાલ

.

મને મારો રસ્તો વ્હાલો લાગે છે,

કારણ કે હું કવિતાની વચ્ચે જીવ્યો છું.

મને કવિતા પ્રિય છે,

કારણ કે હું રસ્તાની વચોવચ રહ્યો છું.

 .

અચાનક કોઈ કેડી મળે એમ મળે છે શબ્દ :

તો ક્યારેક કોઈક વ્યક્તિ જ એવી મળે

કે બધા જ શબ્દો સાવ નિ:શબ્દ.

 .

દુ:ખના પ્હાડને મેં સ્મિતમાં ઝબકોળ્યો છે

અને આનંદને આંસુના ખડકથી તોળ્યો છે.

 .

હું નકશાનો માણસ નથી

રસ્તાનો માણસ છું

એટલે ચાલ્યા કરું છું.

 .

ચાલવાની મારી રીત જુદી છે.

ક્યારેક હું પુસ્તકોના શબ્દોની ભીડમાં ખોવાઈ જાઉં છું

તો ક્યારેક મને મેળવી લઉં છું સમુદાયની સૃષ્ટિમાંથી.

 .

આંસુને જોયા પછી ક્યારેક

મારામાં સંતાડી દઉં છું હું નદીને

અને ઝરણાને જોયા પછી

પર્વતના મૌનને ક્યારેક

મારામાં બંદીવાન કરું છું.

 .

( સુરેશ દલાલ )

આ સૂર્યોદય – સુરેશ દલાલ

.

આ સૂર્યોદય, આ પ્હાડ, નદી, ઝરણ, સમુદ્ર

પસાર થતાં માણસો

આમાંનું કશુંયે મને મિથ્યા નથી લાગતું.

નથી લાગતો હું પણ મને મિથ્યા

આ બધું જ સત્ય છે.

જે દેખાય છે તે બધું જ સત્ય.

દેખાય છે ફૂલ

અનુભવાય છે ફોરમ.

ફોરમ ભલે દેખાતી ન હોય.

 .

જે કૈં નથી દેખાતું

તેનું હોવાપણું પરમસત્ય.

 .

મારે માટે કશું જ મિથ્યા નથી

જન્મ, મરણ, સ્મરણ કે વિસ્મરણ.

રૂપ કે અરૂપ

બધે જ ઈશ્વરનું સ્વરૂપ.

સમય કે કાળ

કશુંજ મિથ્યા નથી.

‍ॐ સત્યમ શરણં ગચ્છામિ !

 .

(સુરેશ દલાલ)

 .

૧૫.૦૯.૨૦૦૩

હું તારી પાસે – સુરેશ દલાલ

.

હું તારી પાસે આવતો હતો ત્યારે

મને રસ્તામાં

ફૂલોના દરિયાએ રોકવાનો પ્રયત્ન કર્યો

પણ હું તો નીકળી પડ્યો.

 .

હું તારી પાસે આવતો હતો ત્યારે

મને પ્હાડોના પ્રાણે રોકવાનો પ્રયત્ન કર્યો

પણ હું તો નીકળી પડ્યો.

.

હું તારી પાસે આવતો હતો

ત્યારે હું મને પણ રોકતો હતો

પણ મેં કોઈનું પણ કશું માન્યું નહીં

ને નીકળી પડ્યો તે નીકળી પડ્યો.

 .

હું તારી પાસે આવ્યો તો ખરો

પણ તારા બંધ દરવાજા જોઈ

હું થીજી ગયો-

હવે, હું અહીંથી ક્યાંય પણ જઈ શકું એમ નથી.

 .

( સુરેશ દલાલ )

.

૧૭.૦૭.૧૯૮૬

દરિયો કહો તો – સુરેશ દલાલ

.

દરિયો કહો તો દેખાડી દઉં પણ મોજાંને ચીંધવા સ્હેલાં નથી.

જંગલ ને ઝાડ-પાન વીંધી હું દઉં પણ પાણીને વીંધવા સ્હેલાં નથી.

.

એક એક ફૂલની આપું ઓળખ

પણ સૌરભને કેમ આપું સારવી ?

બહુરૂપી વાદળાંને આંખમાં વસાવું

પણ વીજળીને કેમ કરી ધારવી ?

કહો તો આ અજવાળાં ઓઢાળી દઉં પણ અંધારાં પીંજવા સ્હેલાં નથી.

    દરિયો કહો તો દેખાડી દઉં પણ મોજાંને ચીંધવા સ્હેલાં નથી.

 .

શબ્દો જો હોય તો કાગળ પર મૂકું

પણ મૌનને હું કેમ આપું વાચા ?

તારી સંગાથે સાચો સંબંધ : પછી

લાગે સંબંધ બધા કાચા.

કહો તો આ પ્હાડને ઊંચકી હું લઉં પણ ઝરણાંને ઝીલવાં સ્હેલાં નથી.

દરિયો કહો તો દેખાડી દઉં પણ મોજાંને ચીંધવા સ્હેલાં નથી.

 .

( સુરેશ દલાલ )

પાંદડે પાંદડે નામ ! – સુરેશ દલાલ

.

હું તો લીલું ઝાડ

ને એની એક જ મોસમ શ્યામ !

તમારું પાંદડે પાંદડે નામ !

 .

હું તો ઊંચો પ્હાડ

ને એને એક મનોરથ શ્યામ !

તમારું ઝરણે ઝરણે નામ !

 .

હું તો નાની કેડી

એની ઝીણી ઝંખા શ્યામ !

તમારું પગલે પગલે નામ !

 ,

હું તો અમથું નામ

ને એની એક જ લગની શ્યામ !

કે મારું ભૂંસી નાખું નામ !

.

( સુરેશ દલાલ )

 .

૧૯૭૯

એક મકાન હતું – સુરેશ દલાલ

.

એક મકાન હતું. મકાનનો રંગ પીળો હતો. માણસના રંગ જેવો જ. મકાનને અને માણસને સ્કેવર – ફૂટનો નાતો હતો. માણસને બીજા માણસ સાથે હોય છે એવો જ. એક મકાનને ફ્લેટ હતા. કોઈક નાના, કોઈક મોટા, – જૂના જમાનામાં રાજાને કુંવર હોય એવા. બે રૂમ અને કિચનનો ત્રિકોણ હતો, ટૂથબ્રશ જેવી બાલ્કની હતી અને હાથ સાંકડા કરીને ટુવાલથી શરીર લૂછી શકો એટલો મોટો બાથરૂમ હતો. હાથરૂમ ભયો ભયો, બાથરૂમ જિયો જિયો, જિયો જિયો, ભયો ભયો ! ભયો ભયો, જિયો જિયો !

 .

-પછી તો ન પૂછો વાત. રાત ને દિવસ, દિવસ ને રાત લીલાલહેર, લીલાલહેર. ઘેર ઘેર લીલાલહેર. એક ફ્લેટમાં એક બાબો હતો, એક બેબી હતી. બાબો કોન્વેન્ટમાં જાય, બેબી કોન્વેન્ટમાં જાય. બન્ને જણ ‘જેક એન્ડ જિલ. વેન્ટ અપ ધ હિલ’ એવું એવું ગાય કે પૂછો નહીં વાત. ‘હિકરી ડિકરી ડોક.’ રાત ને દિવસ, દિવસ ને રાત, જોકમજોક. રામાયણનો પાઠ અંગ્રેજીમાં વાંચે અને બોલે ‘રામા લિવ્ડ ઇન અ ફોરેસ્ટ !’ મા રાજી થાય, બાપ રાજી થાય. બહુ રાજી રાજી થાય એટલે લિફ્ટમાં આવે ને લિફ્ટમાં જાય.

 .

એક દિવસ તો ગજબ થઈ. અજબ થઈ, ભઈ ગજબ થઈ. બાબાએ પૂછ્યું :”મમ્મી, જેક એન્ડ જિલ હિલ પર કેવી રીતે ગયાં ? લિફ્ટમાં ગયાં, મમ્મી ? મમ્મી હિલ પર જવા માટેની લિફ્ટ કેવી હોય ?”

 .

મમ્મીએ તરત ઓફિસમાં ફોન કર્યો અને કહ્યું કે આપણો બાબો હોશિયાર છે. કેવા બૅફલ કરે એવા ક્વેશ્ચન પૂછે છે. સ્માર્ટ અને નૉટી બૉય છે.

 .

પડોશીને ફોન કરીને કહ્યું કે બાબાએ તે કંઈ સવાલ પૂછ્યો છે. સવાલ તે કંઈ સવાલ પૂછ્યો છે ! પડોશીએ કહ્યું કે હવેનાં છોકરાંની તો વાત જ જવા દો. મારી બેબી શું સરસ રીતે કૃષ્ણ ભગવાનની વાત કરે છે. કહે છે કે કૃષ્ણનો રંગ તો ડાર્ક હતો.એને બટર બહુ ભાવે. ફ્રીજ ખોલ બંધ કરે અને બટર લઈ લે. બોલથી રમ્યા જ કરે, એક દિવસ બોલ રિવરમાં પડ્યો ને નાગની વાઈફે પછી બોલને અને લોર્ડ કૃષ્ણાને બચાવી લીધા. શું સ્માર્ટ જનરેશન છે ! જનરેશન ભયો ભયો, જનરેશન જિયો જિયો, જિયો જિયો, ભયો ભયો ! ભયો ભયો, જિયો જિયો !

 .

એક એક મકાનમાં હોય છે ફ્લેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ – એક એક મકાનમાં ફ્લેટમફ્લેટ. કોઈને ત્યાં ડોગ, કોઈને ત્યાં કેટ. બધું જ પાળેલું. બારી પર પડદા પાળીએ. બાલ્કનીમાં, ટેરેસમાં ઝાડ પાળીએ, પાન પાળીએ. ભગવાન પણ પાળેલા. ગોખલામાં પંપાળેલા. ડ્રોઈંગરૂમનો ખૂણેખૂણો, કેવો ભરેલો, ક્યાંય ન ઊણો. વોલ ટુ વોલ કાર્પેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ. એક એક મકાનમાં ફ્લેટમફ્લેટ.

 .

બેડરૂમમાં કોસ્મેટિક્સ, મિરર, નાઇટી, સ્લિપર, સ્લીપંગ-પિલ્સ, કોન્ટ્રાસેપ્ટિવ્ઝ, પ્લેબોય, પેન્ટિંગ, મ્યુઝિક, ઝીંકાઝીંક, લમણાઝીક, માથાઝીક. આર્ગ્યુમેન્ટસ, સામસામા માંડ્યા કેમ્પ્સ; અમે ડ્રોઈંગરૂમમાં હસીએ, અમે બેડરૂમમાં ભસીએ, પાળેલો ડોગ, પાળેલી કેટ; એક એક મકાનમાં ફ્લેટમફ્લેટ. જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ. ધિસ એન્ડ ધૅટ, ધૅટ એન્ડ ધિસ, કિસમકિસ, ભીંસમભીંસ, ધિસ એન્ડ ધૅટ. લેફ્ટ, રાઇટ, રાઇટ, લેફ્ટ.

 .

લંચ, ડિનર, પાર્ટી, રિસેપ્સશન્સ. પિકનિક, ફિલ્મ્સ, ડ્રામા, – રામા લિવ્ડ ઇન અ ફોરેસ્ટ.

 .

કોઈકને ત્યાં જવું હોય તો પૂછીને જવાનું. શોકસભામાં જવું હોય તો આંખ લૂછીને જવાનું, બધું જ ક્રમ પ્રમાણે, બધું જ નિયમ પ્રમાણે, બધું જ પ્રમાણે પ્રમાણે. મોટેથી હસાય નહીં. છીંક ખાવાની અને ‘એક્સ્ક્યૂઝ મી’ બોલવાનું. પાસે રાખવાના ફિક્કા ફિક્કા-ત્રણચાર સિક્કા. ‘થેન્ક યુ, સોરી, હેપી ટુ સી યું.’ યુ, યુ, આઈ યુ. આઈ યુ. વિઝિટિંગકાર્ડ, ફોન નંબર, એપોઇન્ટમેન્ટ, વાતવાતમાં સ્ટેડિયમ, વાતવાતમાં ક્રિકેટ, સિગારેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ, એવો એનો ફ્લેટ, ફ્લેટ ભયો ભયો, ફ્લેટ જિયો જિયો. ભયો ભયો, જિયો જિયો ! જિયો જિયો, ભયો ભયો !

 .

ફિયાટ ને એમ્બેસેડર, ઓબેરોય અને શમિયાણા, દિલ્હીને દાર્જિલિંગ, વ્હિસ્કી સાથે કાજુ ને શીંગ, ટાઈપિન, કફલિંક. હિલ્સ ને પિલ્સ. આંખોમાં ગ્રિલ્સ. અમને સમારંભોની હોંશ, અમને વ્હિસ્કીમાં સંતોષ, ક્યાંય નહીં હોય અમારો દોષ; અમે ડ્રોઇંગરૂમમાં હસીએ, અમે બેડરૂમમાં ભસીએ. આજે બૈરુત, કાલે તિબેટ, આખું જીવન જમ્બોજેટ. જેવું જેનું ગજવું એવો એનો ફ્લેટ. મકાન જિયો જિયો, પીળો રંગ જિયો જિયો, માણસ ખાલી ખાલી, સ્કેવર ફીટ ભયો ભયો.

 .

એક મકાન હતું. મકાનને અને માણસને સ્કવેરફૂટનો નાતો હતો.

સમજ નથી પડતી કે માણસ રોતો હતો કે માણસ ગાતો હતો.

 .

( સુરેશ દલાલ ‌)

૧૪.૦૪.૧૯૭૬

બાર લઘુકાવ્યો

(૧)

સત્યની શોધ

Third degree

मूकम् करोति वाचालम्

 .

(ધીરુભાઈ અધ્યારુ)

 .

(૨)

જાકારો

 .

હાંફળીફાંફળી

પાનખર

પાછી વળી ગઈ મારા પહેલે પગથિયેથી જ :

વધામણી માટે ના પામી એ

કંકુ

ચોખા

નારિયેળ

કે ફૂલ….

 .

(ચંદ્રેશ ઠાકોર)

 .

(૩)

ચીંથરેહાલ

થઈ ગયેલી

જિંદગી ઓઢીને

ફૂટપાથ પર સૂતેલા

બાળકને જોઈને

મને ઈશ્વર

પથ્થરમાં દેખાય છે !!

 .

(દિનેશ કાનાણી)

 .

(૪)

જિંદગી કેવી અધૂરી હોય છે !

ક્યાં પિછાણી એને પૂરી હોય છે ?

રોજ આવે રક્તવર્ણી સાંજ આ,

રોજ ઈચ્છા એક ઝૂરી હોય છે.

 .

(સ્વ. સ્મિતા પારેખ)

 .

(૫)

આજે પણ

હું જોઈ શકું છું

પંખીના હસ્તાક્ષર

આકાશના દસ્તાવેજોમાં…

 .

(અબ્દુલ ગફાર કાઝી)

 .

(૬)

તો-

 .

જ્યાં છું

ત્યાં હોવાનું જો આવડે

તો ખબર પડી જાય

કે

આ શ્વાસ

આ ડર

આ પ્રેમ

આ સ્વપ્નો

આ શ્રદ્ધા

ને આ પ્રશ્નો

આ એક જ ક્ષણના

લાંબા ટૂંકા ઝાંખા ઘેરા

પડછાયા છે….

 .

(સોનલ પરીખ)

 .

(૭)

છોકરી

કરિયાવરની

પહેલેથી જ વિરોધી હતી !

એટલે તો

પિયરમાંથી

એના પતિના ઘરે

કશુંયે ન લઈ ગઈ

અપેક્ષાઓ સિવાય !!!

 .

(દિનેશ કાનાણી)

 .

(૮)

ભ્રમ

 .

તું

જેને ટકોરા

મારે છે…

એ દ્વાર નથી

દીવાલ છે

અને

દીવાલને

નહીં ખૂલવાની

આદત હોય છે.

 .

(રામુ પટેલ ડરણકર)

 .

(૯)

રાત્રે

ચંદ્રના

આછા અજવાળામાં

આરંભાયેલો

પ્રણય

સવારે

સૂર્ય બની

પાંગરે છે.

 .

(ગુરુદેવ પ્રજાપતિ)

 .

(૧૦)

તારા સ્મિતના દરિયામાં

ડૂબી ગયો છે

મારા

આંસુનો તરાપો…

 .

(અબ્દુલ ગફાર કાઝી)

 .

(૧૧)

હું

તારા સ્વપ્નમાં

આવું કે ?

આટલું જ પૂછ્યું ને…

એણે

આંખો મીંચી દીધી,

હંમેશ માટે.

 .

(ગુરુદેવ પ્રજાપતિ)

 .

(૧૨)

દરવાજાએ

ઘરમાં પ્રવેશવાની

‘ના’ પાડી

ત્યારથી

લટક્યા…. ખખડ્યા..

કરું છું

સાંકળ બની.

 .

(ગુરુદેવ પ્રજાપતિ)

તું – રાજેન્દ્ર પટેલ

.

(૩)

જેને જણસ સમજી જાળવ્યો’તો

જિગર સમીપે

એક દિવસ ખબર પડી

હતો એ કોલસો.

 .

પછી જણસની જગ્યા

તેં લીધી ને

તું જણસ, હું કોલસો.

 .

મને જ અજવાળતો

તાપણું થઈ ગયો.

.

.

(૪)

બારી તો ખુલ્લી જ હતી

આખા જન્મારાથી

અને બારણાંય ખુલ્લાં ફટાંક.

 .

તને બોલાવવાનું ન મને સૂજ્યું

ન તને આવવાનું.

ઘર આખું શું કામનું ?

અતિથિ વગર ?

બારી શું કામની

પંખી વગર ?

બારણું શું કામનું

તારા પગરવ વગર ?

 .

હું નથી છતાં છું

તારી રાહ જોતો

બારી જેવો.

 .

( રાજેન્દ્ર પટેલ )

નહીં જો મળે – શોભિત દેસાઈ

જઈશું શોધવા એને, સનમ નહીં જો મળે,

અહીં જ આવીશું પાછા-પરમ નહીં જો મળે.

,

સ્મરણમાં આપના હું જ્યારે જાઉં છું ત્યારે,

સતત રહે છે મને ભીતિ-ભરમ નહીં જો મળે !

 ,

ભવિષ્ય આખું તમે તો મુલતવી રાખ્યું છે,

બગડશે બેય, ફરીથી જનમ નહીં જો મળે

 ,

ટકોરા મારે છે એ ખૂબ આપતાં પહેલાં,

શું મેળવીશું, ફૂટેલાં કરમ નહીં જો મળે

 ,

દુકાનદારી સજાવી છે સ્થાનકોએ અહીં,

ન નાસીપાસ થતાં, ત્યાં ધરમ નહીં જો મળે !

 .

( શોભિત દેસાઈ )