વાવાઝોડું-જયા મહેતા

વિનાશક વાવાઝોડું પસાર થઈ ગયું છે
મુશળધાર વરસીને થાકેલું
આકાશ અત્યારે શાંત છે
સતત સુસવાટાથી લોથપોથ
પવનો અરબી સમુદ્ર પર પોરો ખાય છે
જળબંબાકાર થઈ ખળભળી ઊઠેલી
ધરતી અત્યારે આરામ કરે છે.
હવે બધાં ઠરીઠામ થયાં છે ત્યારે
લાલ લાલ ભીની ભીની
માટીમાંથી
લીલાં લીલાં કૂણાં કૂણાં
તરણાં માથાં ઊંચા કરે છે
જાણે મહાયુદ્ધ શમી ગયા પછી
રણભૂમિ પર રમતાં બાળકો !

( જયા મહેતા )

असंबध्द-गीत चतुर्वेदी

कितनी ही पीडाएँ हैं
जिनके लिए कोई ध्वनि नहीं
ऐसी भी होती है स्थिरता
जो हूबहू किसी द्र्श्य में बँधती नहीं

ओस से निकलती है सुबह
मन को गीला करने की जिम्मेदारी उस पर है
शाम झाँकती है वारिश से
बचे-खुचे को भिगो जाती है

धूप धीरे-धीरे जमा होती है
कमीज और पीठ के बीच की जगह में
रह-रहकर झुलसाती है

माथा चूमना
किसी की आत्मा चूमने जैसा है
कौन देख पाता है
आत्मा के गालों को सुर्ख होते

दुख के लिए हमेशा तर्क तलाशना
एक खराब किस्म की कठोरता है

( गीत चतुर्वेदी )

રોંગ નંબર-હર્ષદેવ માધવ

જળ બનીને
સમુદ્રનો સંપર્ક કરવા
ટેલિફોન નંબર જોડું છું
ત્યાં રેતીમાંથી અવાજ સંભળાય છે,
‘માફ કરજો, આ રોંગ નંબર છે.’
પાંદડું બનીને
વૃક્ષ માટે પૂછું છું
ત્યારે
પાનખરનો ગુસ્સો ભભૂકી ઊઠે છે,
‘તું નીચે ખરી પડ, તું નંબર ભૂલી ગયો છે.’
વાટ ભૂલેલા વટેમાર્ગુ બનીને
માર્ગ શોધું છું
ત્યારે વિકટ જંગલ કહે છે
‘ટેલિફોનનું રિસીવર નીચે મૂક.’
હું
થાકેલો-હારેલો
વિચારું છું
ત્યારે
ચારે બાજુથી સંભળાય છે
ટેલિફોનની ઘંટડીઓનો અવાજ
આખું વિશ્વ ઘૂમે છે ચારેકોર.
પરંતુ હું પોતે જ મારો નંબર ભૂલી ગયો છું.

( હર્ષદેવ માધવ, અનુ. નલિની માડગાંવકર )

મૂળ : સંસ્કૃત કવિતા

ક્યાં છે બધાં-નીતા રામૈયા

હું જેને ચાહી શકું એવું
કોઈ જ રહ્યું નથી
જેને ચાહતી હતી તે બધાં
ક્યાંક વેરાઈ ગયાં
ધરતીકંપમાં
ક્યાં છે બધાં
મારે કોને ગળે વળગવું
શું રાંધવું શું ખાવું
જે કૈં પણ કરવું તે
શાના માટે કોના માટે
મારી છાતીનો ધબકાર
ખાટલાની સીંદરી સોંસરો જાય
રાત્રિના અંધકારને પંપાળું
પણ મારો હાથ
સૂકાભઠ્ઠ બાવળનાં જડિયાંમાં ફરતો જાણે
બધું જ
મરતું
મરેલું
મારું જીવન
રસોડા જેવું ધમધમાટભર્યું હતું
હવે
લૂખો સૂકો વાયરાનો ઠૂઠવો
ધૂળનું ઝાપટું
મારું જીવન.

( નીતા રામૈયા )

સ્મૃતિઓ-જયા મહેતા

સ્મૃતિઓ સળવળ્યા કરે છે
ફરી ફરીને દૂઝ્યા કરતા જખમની જેમ
અને
આંખને ખૂણે ઝળૂંબી રહે છે
આંસુનાં ટીપાં.
એમાં મેઘધનુષના રંગો જોવાનો
પ્રયત્ન કરશો નહીં,
એ ઝાકળબિંદુઓ નથી
કમળની પાંખડી પરનાં.
એમાં ઉદાસીના કાળભૂખરા રંગ જોવાનો
પ્રયત્ન કરશો નહીં,
એ વરસાદમાં લટકી રહેલાં ટીપાં
સુક્કી ડાળી પરનાં.
જુઓને, કેવી ઝળૂંબે છે આંખને ખૂણે
જીવંતપણાની નિશાનીઓ !

( જયા મહેતા )

ભાવિન ગોપાણી

Bhavin Gopani

બાંધણીનાં વેપારી અને અમદાવાદના રહેવાસી એવા ગઝલકાર ભાવિન ગોપાણીનો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૭૬ના રોજ અમદાવાદમા થયો હતો. ( પિતા: બિપિનચંદ્ર ગોપાણી, માતા: જ્યોત્સના ગોપાણી). તેમણે શાળાનું શિક્ષણ અમદાવાદ ખાતે પ્રકાશ બાલમંદિર (ધોરણ ૧ થી ૪; ૧૯૮૧થી ૧૯૮૫); દુર્ગા વિદ્યાલય (ધોરણ ૫ થી ૧૦; ૧૯૮૫ થી ૧૬૯૧) અને સરદાર પટેલ હાઇસ્કુલ (ધોરણ ૧૧ અને ૧૨; ૧૯૯૧ થી ૧૯૯૩)માંથી લીધું. ૧૯૯૬માં તેમણે સહજાનંદ કોલેજ (અમદાવાદ)થી બી.કોમ ની ડિગ્રી મેળવી. ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ તેઓ કૈલાસ ગોપાણી સાથે લગ્નગ્રંથીથી જોડાયા.

તેમણે ગઝલસર્જનનો પ્રારંભ ૨૦૧૧થી કર્યો. ૨૦૧૩માં ‘કવિતા’ દ્રિમાસિકમાં સૌપ્રથમ વાર તેમની ગઝલ પ્રગટ થઇ. ત્યારથી લઇ આજ સુધી તેમની ગઝલો પરબ, કવિલોક, ગઝલવિશ્વ અને ધબક જેવા સામાયિકોમાં નિયમીત પ્રગટ થતી આવી છે. ટૂંક સમયમા જ તેમના ‘ઉંબરો’ અને ‘ઓરડો’ નામનાં બે ગઝલસંગ્રહો પ્રકાશિત થનાર છે.

Mob : +91 9825698628
E-mail ID: bhavingopani@yahoo.com

मेरे वक्त का एक अहम सवाल-गीत चतुर्वेदी

मैं बुदबुदाता हूँ
और मेरी आवाज नहीं सुनी जाती
मैं फिर कहता हूँ कुछ शब्द
और इन्तजार करता हूँ
कुछ आवाजें फिर निकलती हैं मेरे कंठ से
वे मेरी ओर देखते हैं और
वापस काम में लग जाते हैं
मैं बोलते समय अपने हाथ भे हिलाता हूँ
खट-खट जमीन पर ठोंकता हूँ अपने जूते
चुटकी बजाता हूँ, ताली पीटता हूँ, एक सीटी भी मार देता हूँ
तीन शब्द में होना था काम
तीन लाख शब्द जाया हो गए

क्या मुझे जोर से चिल्लाना चाहिए ?

( गीत चतुर्वेदी )

સમજણ-નલિની માડગાંવકર

નાની હતી ત્યારે
મા ! તું મારી નાનકડી હથેળી
ચોખાના દાણાથી ભરી દઈને કહેતી;
‘બેટા, એક પણ દાણો નીચે પાડ્યા વગર લઈ જા.’

ચાની ઉકળતી તપેલી ઉતારતાં કહેતી
‘બેટા, સાણસીની પકડ ઢીલી ન થાય એ જોજે.’

રસોડામાં ગરમીથી આંખો બળતી ત્યારે કહેતી;
‘જા બેટા, આંખો ધોઈ આવ, નજરને ઝાંખી ન પડવા દે.’

મને વધતી જોઈને કહેતી;
‘આ વેંત એકની છોકરી હવે છાપરું ફાડવા માંડી છે.’

આવાં વીતેલાં વર્ષો હું મારી સાથે લઈ આવી છું.

ચોખાનો દાણો, સાણસીની પકડ, ચોખ્ખી નજર
સાચવતાં હવે મને આવડી ગયું છે.

હવે હું કંઈ ગળતી મીણબત્તી નથી.
ખુદાના દીવાને તેજે હવે મારે આકાશ જોવું છે.

( નલિની માડગાંવકર )

બગીચામાં-નીતા રામૈયા

કુહાડી સાથે માણસે બગીચામાં પ્રવેશ કર્યો
અને
લીમડાની ડાળી પવનની બાથમાં
લપાઈ ગઈ
દિવાસો ઊજવતી રાતરાણીને
અંધારા આવ્યાં
બાળકની જેમ
વૃક્ષને ખોળે ચડેલી વેલે
ચીસ પાડતાં પંખી સામું જોયું
અને
મોગરાની કળીઓ ઠીંગરાઈ ગઈ.

( નીતા રામૈયા )

સાચવજો-માધવ રામાનુજ

રાત પડી છે ને અંધારું છે સાચવજો
ઊંઘ ચડી છે ને અંધારું છે સાચવજો !

કેટકેટલું ભટક્યા ત્યારે ઝાંખી ઝાંખી
વાટ પડી છે ને અંધારું છે સાચવજો !

હંમેશાં નિષ્ફળ રહેતી’તી એ ઈચ્છાઓ
પાર પડી છે ને અંધારું છે સાચવજો !

જીવનભર જે ગણગણવાનું મન હતું એ
કડી જડી છે ને અંધારું છે સાચવજો !

સાથી સંગાથીને સાથે નહીં લેવાની
જીદ નડી છે ને અંધારું છે સાચવજો !

બધાં ગયાં ને રહી ગઈ સ્મરણોની કેવળ
એક છડી છે ને અંધારું છે સાચવજો !

એકાંતો કંઈ રમ્ય નથી એની અત્યારે
ખબર પડી છે ને અંધારું છે સાચવજો !

કોઈ આવશે એવી આશા હજુ હશે પણ-
આંખ રડી છે ને અંધારું છે સાચવજો !

યાદ કરો એ મનમાં આવી ઊભું રહે, એ
શુભ ઘડી છે ને અંધારું છે સાચવજો !

(માધવ રામાનુજ )