ખબર ના રહી-દિવ્યા સોની “દિવ્યતા”

SketchGuru_20160127231218

શું વાત થઇ ખબર ના રહી;
શું સમય થયો ખબર ના રહી !
દુ:ખ વહેંચ્યા, સુખ બમણા કર્યા ,
દિલના ભાર કેમ કરતા હળવા કર્યા ?
ખબર ના રહી !
ના ઝંખ્યા કદી એમને,
ના એમના નામના કદી દીવડા કર્યા.
તોય દરેક શ્વાસે એમના માટે,
કેમ બસ દુઆ જ નીકળી ?
ખબર ના રહી !
ના રીસાયા ના મનાવ્યા કદીયે,
તોય મનના ખુણાઓ,
મિત્રો કેમ ક્યારે ભરતા ગયા?
મને ખબર ના રહી !

( દિવ્યા સોની “દિવ્યતા” )

સાહિબ, સંભાળે છે બાજી-નીતિન વડગામા

સાહિબ, સંભાળે છે બાજી
એક ઈશારે અટકી જાતી સઘળીયે તારાજી.

પામર જીવ કરે છે સાચા-ખોટા કંઈ સરવાળા !
થાય આગિયાથી તો કેવળ પળભરનાં અજવાળાં !

ઊઘડતી બારી જ આખરે હવા લાવતી તાજી.
સાહિબ, સંભાળે છે બાજી.

એક જ દિશા દેખાડે, પાછાં એ જ હલાવે હોડી.
જાય નહીં એ ક્યાંય જીવને અધવચ્ચે તરછોડી.

મુકામ મળતાંવેંત જીવ થઈ જાતો રાજીરાજી !
સાહિબ, સંભાળે છે બાજી.

( નીતિન વડગામા )

આકાશ-પ્રીતમ લખલાણી

દિવાનખાનાની
દીવાલે ઝુલતા ચિત્રમાં
એક ડાળની બીજી ડાળ વચ્ચેના
ભુરા આકાશમાં હરખભેર ઉડતા પોપટે
એક સવારે
બારીએ ચૂપચાપ
સોનાને પીંજરે હીંચકતા પોપટને પૂછ્યું ?
અરે ! ભલા દોસ્ત,
તારી પાસે શું નથી ?
કેવું મજાનું સોને મઢેલું પીંજરું ?
વળી એમાં હીરાજડિત થાળીમાં સ્વાદિષ્ટ ફળો
અને પીવા પાસે જળથી છલોછલ રૂપાનો લોટો
ને’ એમ છતાં તું
દિવસ આખો નિસાશા નાખતો
કેમ મને એકીટશે જોયા કરે છે…?
આ સાંભળીને સોનાને પીંજરે હીંચકતા પોપટે
દુ:ખી મને
એકવાર આકાશ સામે જોયું
અને પછી મનની પછેડી ખોલી,
દોસ્ત !
મારી પાસે બધું હોવા છતાં
તારી પાસે જે આકાશ છે !
તે મારા ભાગ્યમાં ક્યાં છે ?

( પ્રીતમ લખલાણી )

प्रचार-इमरोज़

मैं आपका कल का
प्रचार सुनकर आई हूं
कल आप ने कहा था
कि आपका ग्रंथ औरत की इज्जत करता है
पर आप के ग्रंथ को मानने वाले
हर रोज अपनी औरतों के साथ
हर तरह की बदतमीजियां किये जा रहे हैं
प्रचार और असलियत में इतना फासला ?
जिन्दगी ने प्रचारक के पास बैठकर
उसे कहा

प्रचारक का जिन्दगी के साथ
इस तरह का वास्ता नहीं पडा होगा
वह चुपचाप सुनता भी रहा और चुप भी रहा…

जिन्दगी ने फिर पूछा
अपने ग्रंथ में देख कर बताइये
कि इस में ये वाक्य कहीं है
कि औरत हमारी ईज्जत है…

प्रचारक ग्रंथ पर झुक कर
घंटो ग्रंथ को देखता रहा
पर वह वाक्य नहीं मिला उसे…
प्रचारक को चुप सा देख कर
जिन्दगी वहां से उठ आई…

औरत हमारी इज्जत है
ये वाक्य जिन्दगी के लिए
जिन्दगी में जरुरी है
किसी ग्रंथ के लिए नहीं…
( इमरोज़ )

ત્રણ કાવ્યો-પન્ના

(૧)
પહેલાં
હું હતી રેતી.
કોઈ અઢેલવા જતું
તો ઢળી પડતું ઢગલો થઈને.
હવે હું છું
એક ખડક,
તોફાનનાં મોજાં
અથડાઈ અથડાઈને
ચૂરેચૂરા થઈ જાય એવો.
અહ્વાન છે
મને અઢેલવાનું…

(૨)
હું એકલી
અને
મને ભીંસતું
જીરવાય નહીં એવું
છકેલી પૂનમનું
આલિંગન..

(૩)
પાનખરમાં
વૃક્ષ પરથી પાંદડાં
ખર ખર ખરીને
ધબ્બ દઈને
જમીન પર પડતાં નથી.
પાંદડાં તો
વૃક્ષને આવજો કહેતાં કહેતાં
ઝર ઝર ઝરીને
પવન પખવાજે
નૃત્ય કરતાં કરતાં
બેલેરિનાની જેમ
હળવેથી મૂકતાં હોય છે પગલાં ધરતી પર…

( પન્ના નાયક )

સાહિબ…-નીતિન વડગામા

સાહિબ, મ્હોરે થઈ હરિયાળી.
રણમાં જાણે મીઠાં જળની વાવ મજાની ગાળી !

એના એક અખેપાતરને રોજેરોજ ઉલેચે.
વણમાગ્યે પણ સૌને સઘળું હોંશેહોંશે વહેંચે.

બારેમેઘ થઈને કેવા વરસે છે વનમાળી !
સાહિબ, મ્હોરે થઈ હરિયાળી.

એને આંગણ ના રહેતા કંઈ કોઈ કદીયે ઊણાં.
દીવાને અજવાળે મઘમઘ થાતા ખૂણેખૂણા.

ઓઢીને એ ખુદ થઈ જાતા એક કામળી કાળી.
સાહિબ, મ્હોરે થઈ હરિયાળી.

( નીતિન વડગામા )

કલ્પતરુની છાયા-નીતિન વડગામા

સાહિબ, કલ્પતરુની છાયા,
સંકેલે છે સઘળી સૌની મનોરથોની માયા.

સેવે છે સૌ સાંજ-સવારે મનગમતા મનસૂબા.
આપોઆપ જ અજવાળાંથી ભરાઈ જાતા કૂબા.

ઈચ્છાઓનો દરિયો તરવા કાં થાતાં રઘવાયા !
સાહિબ, કલ્પતરુની છાયા.

એક જગાએ ઊભા હોયે તોયે પંથ કપાતો.
ટેકો દેવા કોઈ અગોચર હાથ સતત લંબાતો.

પગથી માથા લગ ડૂબ્યા છે, એ જ ખરા રંગાયા.
સાહિબ, કલ્પતરુની છાયા.

( નીતિન વડગામા )

-સ્વજન હે !-માધવ રામાનુજ

જુઓ,
સમયની સાંઢણીઓ
શણગાર સજીને આવી.
જુઓ સમયની સાંઢણીઓ પર
સવાર થઈને આવી ગઈ વિદાય-

અમે સ્મરણના પડછાયા પહેરીને
જઈશું.
આ કોઈ સ્વજનના અંતર જેવું અકળ
અને આ સાવ અજાણ્યા અક્ષય જેવું
આછું આછું ઉકલે એવું મૌન
અમારા મારગ વચ્ચે આવીને ઊભું છે !
એમાં ઉઘડે છે આ
અનંતની યાત્રાનો સૂનો પંથ
અને કંઈ કેટલાંય યાત્રીનો મૂંગો પદરવ…

આ શ્વાસ ક્યારના સજીધજીને
થનગનતા ઊભા
અને સમયની સાંઢણીઓ પર
સજીધજીને આવી ગઈ વિદાય.

સ્વજન હે !
બોલ્યું ચાલ્યું માફ !
આવજો.
ફરી મળીશું અહિંયા-
અહીંયાં, આંસુના બે ટીપાં વચ્ચે
ભીનો ભીનો મળી જશે અવકાશ…
ક્યાંક…ક્યારેક !

( માધવ રામાનુજ )

નહિ ટાળું !-વીરુ પુરોહિત

હું નહીં શ્યામને ભાળું !
પ્રણ લીધું છે, ઉદ્ધવ ! મારા પ્રાણ ગયે નહિ ટાળું !

હતો સમય કે જ્યારે વ્હાલાં થવા કૃષ્ણને જીવતાં;
કરી એકઠાં મોરપિચ્છ, કહાનાનાં વસ્ત્રો સીવતાં !
કાલાવાલા કરીએ ત્યારે માંડ વગાડે બંસી;
એ વેળા થાતું કે હું તો મનસરોવર હંસી !

થયું બધું વેરાન, થોરની વચ્ચે જીવન ગાળું !
હું નહીં શ્યામને ભાળું !

હશે શ્યામને, એના વિણ ગોકુળનો ઊડ્યો રંગ;
કોણ હશે જે મરક-મરકતું ઊભું રહે ત્રિભંગ ?
કહેજો, ઉદ્ધવ ! અમે બધાંયે ભૂલી ગયાં ગઈકાલ;
આ વેળા, મોસમનો સાચ્ચે મબલખ ઊતર્યો ફાલ !

હાશ, નગરમાં કોઈ નથી કરનારું કામણ કાળું !
હું નહીં શ્યામને ભાળું !

પ્રણ લીધું છે, ઉદ્ધવ ! મારા પ્રાણ ગયે નહિ ટાળું !

( વીરુ પુરોહિત )

ઘણી વાર લાગશે-ચિન્મય શાસ્ત્રી

ઘરને મહેલ થવામાં ઘણી વાર લાગશે
એવું વિચારવામાં ઘણી વાર લાગશે !

મારા નગરમાં આપ અકસ્માત આવજો,
ચાહીને આવવામાં ઘણી વાર લાગશે !

આવો તો તમારા અભાવને જણાવજો
આજે ઘરે જવામાં ઘણી વાર લાગશે !

આવ્યા નહીં તમે તો શરાબે કહી દીધું
મહેફિલ શરૂ થવામાં ઘણી વાર લાગશે !

મારો સ્વભાવ ખૂબ નિખાલસ હતો પ્રિયે !
એ તથ્ય શોધવામાં ઘણી વાર લાગશે !

કાયમ મને વિકલ્પ તરીકે જુઓ નહીં
નહીં તો ગુમાવવામાં ઘણી વાર લાગશે !

( ચિન્મય શાસ્ત્રી )