ભરવાડનો રખેવાળ કૂતરો-સંસ્કૃતિરાણી દેસાઈ

ભરવાડને ચિંતા નથી
તેનો રખેવાળ કૂતરો, છૂટાંછવાયાં થઈ ગયેલાં
ઘેટાંઓને ભેગાં કરી, પરોણા વડે હાંકી, કોઈક વાર વઢી
વાડામાં લઈ આવે છે સાચવીને
ઘેટાં રોજ ચરવા લઈ જાય છે.
ભરવાડનો રખેવાળ કૂતરો
થોડું આમ તેમ ચરાવી, થોડી વાર છુટ્ટા ફરવાની પરવાનગી આપી
હંમેશ નજર રાખી, સાંજે લઈ આવે છે પાછાં,
માંદા તરફ ધ્યાન દોરે છે ભરવાડનું.

ને પેલો ‘સિનિયર’ ભરવાડનો કૂતરો
માનવીઓને ભૂલથી ચરવામાં ને ચરવામાં
બીજા જન્મમાં ન પહોંચી જાય તેનું ધ્યાન રાખે છે.
માનવીની ચરવાની સીમા છે આ જન્મ સુધીની.
ડાબે, જમણે, ઉપર, નીચે જતાં દૂર સુધી જઈ
બીજા જન્મમાં ભૂલથી ન પહોંચી જવાય…
ભરવાડનો રખેવાળ કૂતરો, કે ભરવાડ, બહુ કડક નથી.
પણ નિયમ એટલે નિયમ.

મને સાચવતો રખેવાળ કૂતરો પણ સતત હાંક્યા કરે છે
મારા વિચારોને, વર્તનને
ભરવાડ ખુશ છે, રખેવાળ કૂતરાના કામથી.

ભરવાડ, રખેવાળ કૂતરા અને ઘેટાંનું
સારું ચાલે છે ક્યારનું…જન્મોથી…

( સંસ્કૃતિરાણી દેસાઈ )

પ્રતીક્ષા-પંચમ શુક્લ

શિખર પર ગોઠવી શય્યા ઉદિતની રાહ જોઉં છું,
ઘટાટોપે છો ઘેરાઉં, તડિતની રાહ જોઉં છું.

પ્રતિક્ષણ પુષ્પ જેવી પલ્લવિત આશા-નિરાશાઓ,
સતત સમભાવ રાખી સંભવિતની રાહ જોઉં છું.

વિહિતની વેદના વચ્ચે, નિહિતની વ્યર્થતા વચ્ચે,
વચન, વાણી ને વર્તનમાં વિદિતની રાહ જોઉં છું.

તપી, નીતરી ધવલ રંગે ફરકતાં શત શરદ અંતે,
સ્વયં સ્મશ્રુ તણા યજ્ઞોપવીતની રાહ જોઉં છું.

જીવનસંગીત ભરપૂર પ્રેમથી માણી લીધું મિત્રો,
હૃદયકુંજે હવે હું હંસગીતની રાહ જોઉં છું.

( પંચમ શુક્લ )

તડીત : વીજળી,દામિની
વિહિત : શાસ્ત્રોક્ત
નિહિત : ત્યાજ્ય, ગુપ્ત, અનામત
વિદિત : જાણેલું/જાણીતું, જ્ઞાન, ખ્યાત
સ્મશ્રુ : દાઢીના વાળ
હંસગીત : Swan song

એષણા-ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કોને કહેવાય છુપા ઘાવ બકા
હું બતાવું નજીક આવ બકા

સ્પર્શ સિંચી કરું સજીવન હું
તારો આ મૃત હાથ લાવ બકા

ઘરને દુનિયાથી ડિસકનેક્ટ કરે
એવડી ભીંત ના ચણાવ બકા

ઓરડો એકલો ઝૂરી મરશે
એક બે બારીઓ મુકાવ બકા

એ જ વેળા લખોટી ખૂટે છે ?
જ્યારે આવે છે મારો દાવ બકા

એના મૂળમાં જ એનું મારણ છે
એને મૂળમાંથી તું ખોદાવ બકા

એમાં ઊતરી તરસ છીપાવ બકા
મારી ભીતર છે એક વાવ બકા

( ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ )

વ્યથા સમો-સાહિલ

સરેઆમ સત્ય મરી ગયું-હું રહી ગયો છું પ્રથા સમો,
અને બાણશય્યા પર શ્વસુ છું અજર-અમરશી વ્યથા સમો.

હું બળેલા ખેતરે ઊભો છું હજી ચાડિયાના લિબાસમાં,
ભલે હોઉં ઠામડું ખાલીખમ છતાં હું સફરમાં ભથા સમો.

નથી અંશ મારા વિચારનો મળ્યો કોઈનાયે વિચારથી,
હું ઉતારી મુખવટા ઊભો છું-આ નગરના ચોકે તથા સમો.

સહુની હથેળીમાં એકલપણાના જ શ્રાપ લખાયા છે,
અહીં શૂન્યતામાં સરી રહેલો હરેક જણ છે જથા સમો.

મને ખુદને પણ હજી ઓળખી શક્યો અંશભારેય ક્યાં કદી,
મળ્યા લાખ લાખ જનમ છતાં-છે હરેક અધૂરી કથા સમો.

છે ચરણ ઘૂંટીડૂબ ધૂળમાં-અને દ્રષ્ટિ આભની પાર છે,
હું પરાસ્ત હોઉં તો શું થયું-હું નથી નમેલા મથા સમો.

ગઈ કાલ ‘સાહિલ’જે હતો-છું એ જ સાહિલ આજ પણ,
આ સમય રહ્યો છે વિખેરતો-છતાંયે રહ્યો છું યથા સમો.

( સાહિલ )

એમાં શું ?-ઉષા ઉપાધ્યાય

એક ‘દિ પેલાં ઝાડને જોઈ
એમ થયું કે લાવને હું યે
ઘેનઘેઘુરી ઝાડવું બની જઉં…

મનમાં મારાં એમ કે એમાં શું ?
મૂળ નાખીને ડાળ ફેલાવી,
પાંદડે-પાંદડું ફરકાવીને
એ..યને હળવે સૂર રેલાવી,
તડકો ઝીલતું નીલ-સોનેરી પંખી બની જઉં,
આભ આવીને રાતવાસો રહે એવડી છાયા દઉં.
પણ જરા જ્યાં મૂળ નાખ્યાં ત્યાં
સહેજ હવા નહીં, કંકર-પથ્થર,
ધરતી અરે આટલી કઠણ !
ટગલી ડાળે સિંચવાનું જળ આટલું અદ્ધર ઝટ દેતાં લઉં પગ ખેંચી, થૈ કામ
આ મારું, જાય ઊડી એ પહેલાં અસલ અંચળો ઓઢી લઉં.

( ઉષા ઉપાધ્યાય )

જે સરનામું છે-અદી મિર્ઝા

એના હાથોમાં જે સરનામું છે,
એ ઠેકાણું તો મારા ઘરનું છે !

એક સુરાલય છે આપણું મિત્રો,
બાકી આખું જગત તો એનું છે !

તારે શું કહેવું છે હું જાણું છું,
તને મારે પણ એ જ કહેવું છે !

એનું મળવું ન મળવા જેવું હતું,
એનું જોવુંય જોવા જેવું છે !

પહેલા આ વાતનો ખુલાસો કર,
તારે દિલ દેવું છે કે લેવું છે ?

એ ખુદા છે તો એના ઘરનો હશે,
એને ક્યાં મારા ઘરમાં રહેવું છે !

તું સહજ મનની આંખ ખોલ ને જો,
તારી સામે જ કોઈ બેઠું છે !

આ ગઝલ તો તમારી છે, ‘ઓ અદી’
એમાં જે દર્દ છે એ કોનું છે ?

( અદી મિર્ઝા )

ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

નથી કશો પણ ભય, માધવને પ્રેમ ફરી કરવાથી !
ડરી જાય શું ઉદ્ધવ,મત્સ્યો પાણીમાં તરવાથી ?!

અમે પ્રેમને પંથ પડ્યા,તો હતા જાણતા અંત;
ઊભાં છીએ દ્રઢ, પ્રભુ પામવા જેમ ઊભે છે સંત !
આપોઆપ જ લાભ અમોને થયો, શ્યામ જો ગયા;
વિરહ-ઉત્સવો ઊજવવાની કલા જાણતા થયા !

મોર લગીરે નથી પામ્તો દુ:ખ, પીંછું ખરવાથી !
જે જે ગોકુળ નથી વસ્યાં, એ અમને ભાસે શૂન્ય !
માધવનાં પદરવ સાંભળતાં, બારી-બારણાં ખૂલે;
મઘમઘતુંઘર આખ્ખું, એમાં કોઈ અ-ગોચર ઝૂલે !

થાય છલોછલ ઘડો, શ્યામનું મોહક સ્મિત ભરવાથી !
નથી કશો પણ ભય, માધવને પ્રેમ ફરી કરવાથી !
ડરી જાય શું ઉદ્ધવ,મત્સ્યો પાણીમાં તરવાથી ?!

( વીરુ પુરોહિત )

ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

જાવ સખી, ઝટ જઈ પૂજાની શણગારી લ્યો થાળી;
પછી, પલક માર્યા વીણ જોતાં રહી જાશું વનમાળી !
રાસ રમ્યાં તે વસ્ત્રાભૂષણ કહાનાને બહુ છાજે;
વૃંદા, તું માધવને મનગમતું પેલું ગીત ગાજે !

ગુલાલ છાંટી, મારગ પર પ્રગટાવી દ્યો દીપમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

પણે જઈ માખણ-મિસરીના શત શત કુંડ ભરાવો;
તમે બેઉં, રાધાને આલંબન આપી લઈ આવો !
નંદ-જશોદાને કહેજો કે જાય નહીં એ ક્યાંયે;
લઈ આવશું કહાનો; જોતાં-રમતાં બહું ધરાયે !

આજ ફરીથી શુષ્ક અમારા ઓષ્ઠ થશે પરવાળાં !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

( વીરુ પુરોહિત )

બાકી છે-હર્ષદ ચંદારાણા

વળોટ્યા છે સમંદર પાંચ, બે આસાન બાકી છે
રમત છે, બાવડામાં જોર દે… જુવાન બાકી છે

વદન પર ઝુલ્ફની લટ જેમ શોભે છે, તું ઝરણાંથી
તું પર વારી ગયો ઓ ટેકરી ! બસ…જાન બાકી છે

તળે ડૂબાડતા ધસમસ પ્રવાહો, છટકવા ના દે
ઉગારે કોણ ? એવો આવવો બળવાન બાકી છે

વિચારોનો સમંદર ખૂબ ઊંડો, હર-વખત મોતી
તું લૂંટ્યે રાખ, તળને ખોટ ના, ધનવાન બાકી છે

તટે તું દૂર ઊભેલી, મને લાગી દીવાદાંડી
તરત ત્યાં વ્હાણ ફંટાવ્યું, થવી પીછાન બાકી છે

તટે મસ્તીથી રેતીમાં સૂતેલું વ્હાણ શું જાણે ?
વમળ છે રાહ જોતાં, મધ્યમાં તોફાન બાકી છે

( હર્ષદ ચંદારાણા )

પ્રેમ માટે ભય-કાબેરી રાય

તમે કહો,
તમને ફૂલ બહુ ગમે
પણ જ્યારે ફૂલ ખીલે છે
તમે ફૂલ તોડી નાખો છો.

તમે કહો,
તમને વરસાદ બહુ ગમે-
દિવસને અંતે જ્યારે વરસાદ પડે
તમે એનાથી જાત બચાવો છો.

તમે કહો,
દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે
પણ જ્યારે મોટી ડમરી ચઢે
બારી એકદમ બંધ રાખો છો.

હું ભય પામી જાઉં છું ત્યારે
જ્યારે તમે કહો છો,
તમે મને ચાહો છો.

( કાબેરી રાય )