મિત્રો,
જાન્યુઆરી ૫ થી જાન્યુઆરી ૧૦ સુધી હું બહારગામ હતી. આમ તો રોજ એક કવિતા મારા બ્લોગ પર મૂકવામાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી નિયમિત રહેવાની મારી ઈચ્છા. અને જ્યારથી કાર્તિકભાઈએ (http://kartikm.wordpress.com) Schedule Post વિશે માહિતી આપી ત્યારથી મને તો દોડવું હતું ને ઢાળ મળ્યો જેવું થયું. આખો દિવસ તો સમય ન મળે એટલે રોજ રાત્રે એક કવિતા ટાઈપ કરું અને બીજા દિવસની સવારનો સમય આપી પોસ્ટ કરવા માટે મૂકું. આ મારો રોજનો નિયમ.
બહારગામ જવાનું ઘણાં સમયથી નક્કી હતું. એટલે મેં વિચાર્યું હતું કે એટલા દિવસ માટે આગળથી કવિતાઓ ટાઈપ કરીને Schedule Postમાં મૂકી જઈશ. પણ ઓફિસ અને ઘરમાં સતત વ્યસ્તતા અને USAથી સ્વજનો આવેલા હોવાથી હું એક અઠવાડિયા માટેની કવિતાઓ ટાઈપ ન કરી શકી. ૫મીના રોજ સવારે નીકળવાનું હતું. બધી તૈયારી કરવામાં થાકીને લોથપોથ થઈ ગઈ હતી. રાત્રે ૧ વાગ્યે બધું પેકિંગ પતાવીને પથારીમાં પડી. પણ ઉંઘ ન આવે. મનમાં થયા કરે કે કવિતા તો રોજ બ્લોગ પર પોસ્ટ થવી જ જોઈએ. પથારી છોડીને કોમ્પ્યુટર સામે ગોઠવાઈ ગઈ. અને એટલા દિવસ માટે લઘુકાવ્યો પસંદ કરીને ફટાફટ ટાઈપ કર્યું. બધું પૂર્ણ કરીને ફરી પથારી ભેગી થઈ. એ વહેલી પડજો સવાર…
( કાલથી મારી ૬ દિવસની સફર વિશે વાત કરીશ )
હિના પારેખ