પછી ત્યાં સહી કરી દેજે-પ્રજ્ઞા વશી

સમી જાયે બધી અટકળ, પછી ત્યાં સહી કરી દેજે
જીવે નિરાંતની બે પળ, પછી ત્યાં સહી કરી દેજે

ઉધામા શ્વાસનાં ફોગટ લઈ દોડે જીવનભર પણ
રહે છે કેમ તું પાછળ, પછી ત્યાં સહી કરી દેજે

નથી સમજી શકાતું મૌન, એનો આ મૂંઝારો છે
અરે ! મન વાંચ પળ બે પળ, પછી ત્યાં સહી કરી દેજે

અલગ છે પ્રેમની ભાષા ચતુરાઈ ન ચાલે ત્યાં
ઠગે તારું જ તુજને છળ, પછી ત્યાં સહી કરી દેજે

સદીની ઊપજે અહીંયા મળ્યાં છે શ્વાસ થીજેલાં
મળે સંવેદનાની કળ, પછી ત્યાં સહી કરી દેજે

અગર છે ડૂબવાની વાત તો કિનાર શા માટે
મળે મઝધારનું જો તળ, પછી ત્યાં સહી કરી દેજે

( પ્રજ્ઞા વશી )

જીવને કાંઠે-એસ. એસ. રાહી

જીવને કાંઠે મને લાવી દીધો,
સાવ છેલ્લા શ્વાસે તડપાવી દીધો

આંસુઓને ઠામ-ઠેકાણું મળ્યું
રિક્ત કૂવો તુર્ત છલકાવી દીધો

તે પછી તો શાંત થઈ ગઈ એ નદી
જ્યાં કળશ મૃગજળનો પધરાવી દીધો

સાંભળી જો મેં કથા એકલવ્યની
ધૂળમાં મેં અંગૂઠો વાવી દીધો

રાતભર પીવડાવી હેતલ ચાંદની
એક માણસને મેં બહેકાવી દીધો.

ભર અષાઢે રાખતી’તી દૂર તું
આ ઉનાળે પ્રેમ વરસાવી દીધો ?

હું નિવાસી કોલસાની ખાણનો
કેમ ‘રાહી’ને તેં ચમકાવી દીધો ?

( એસ. એસ. રાહી )

નથી પૂરા થતા-મનીષ પરમાર

રાતના પાના નથી પૂરા થતા,
આંસુઓ છાના નથી પૂરા થતા.

એ શમા બળતી રહી છે રાતભર,
તોય પરવાના નથી પૂરા થતા.

કેટલા જન્મોથી ચાલ્યા આવતા,
દર્દ એ ઘાના નથી પૂરા થતા.

છેક છેલ્લા શ્વાસ લગ છોડે નહીં,
પ્રેમ દીવાના નથી પૂરા થતા.

વારતા ચાલ્યો અધૂરી મૂકીને,
મર્મ હોવાના નથી પૂરા થતા.

( મનીષ પરમાર )

કોણ છે તું ?-હનીફ સાહિલ

રોજ બારીમાં ઊભે, કોણ છે તું ?
રાહ કોની જુએ છે, કોણ છે તું ?

મારો પડછાયો બનીને ચાલે,
મારી સાથે જ રહે, કોણ છે તું ?

શ્વાસમાં આવજાવની ઘટના
તું જ રગરગમાં વહે, કોણ છે તું ?

તું જ ચાહત છે તું જરૂરી છે
તું જ વગર કંઈ ન ગમે, કોણ છે તું ?

સત્ય તું, શિવ તું ને સુંદર તું
તું જ કણકણમાં વસે, કોણ છે તું ?

તું જ શબ્દોનું કરે આયોજન
ને પછી રૂપ ધરે. કોણ છે તું ?

તું કહે એમ કરે છે સાહિલ
તું લખાવે તે લખે, કોણ છે તું ?

( હનીફ સાહિલ )

એક કોરો કાગળ-મનીષા જોષી

સિલ્કના એક સુંદર સ્કાર્ફમાં
મેં છૂપાવી રાખી છે, એક કવિતા.
આમ તો જોકે,
આ એક કોરો કાગળ જ છે.
મારા ગયા પછી,
એ સ્કાર્ફ જેના હાથમાં આવશે,
એ જોશે એક કોરો કાગળ.
મારા વાળનું તેલ,
સ્કાર્ફમાંથી થઈને એ કાગળ પર ઊતર્યું હશે.
એ કાગળ પર થોડા તેલના ધાબા ઉપસ્યા હશે.
પછી એ કાગળ કોઈ ફેંકી દેશે પસ્તીમાં,
અને સ્કાર્ફ પણ ધોવાઈ જશે.
ખુલ્લી હવામાં ફરફરી રહેલા સ્કાર્ફ પર ચિતરેલા
ચકલી ને પતંગિયાં ઊડાઊડ કરી મૂકશે
ને મોર નૃત્ય કરશે ત્યારે
તેલના ધાબાવાળો એક કાગળ
વેચાશે કશેક નજીવા દામમાં.
એ કાગળ ભળી જશે, બીજા કાગળોના પલ્પમાં.
અને બની જશે ફરી, એક નવોનકોર કાગળ.
એ બનશે કોઈ સુંદર પ્રેમપત્ર
કે એના પર લખાશે કોઈ કાનૂની દસ્તાવેજ,
એ બનશે કોઈની આજીવન કેદનો હુકમ
કે એના પર લાગશે કીમતી સ્થાવર મિલકતની સ્ટેમ્પ.
કોઈ બાળક એની હોડી બનાવશે
કે કોઈ વેપારી એ કાગળમાં અગરબત્તી બાંધીને વેચશે.
જે હોય તે.
મારા ગયા પછી,
હું મૂકી જઈશ, એક કોરો કાગળ.
પણ, અત્યારે તો,
અગરબત્તીની તીવ્ર સુગંધ નથી સહન થતી મારાથી.
એ સુગંધમાં રહેલી પવિત્રતા અકળાવી રહી છે મને.
અત્યારે તો, મને સૂંઘવા દો.
રિસાઈકલ થઈ રહેલા કાગળમાં ભળી રહેલા
કૃત્રિમ રસાયણોની સુગંધ.

( મનીષા જોષી )

કબીરની વાત-શૈલેશ ટેવાણી

કબીરની વાત કરે ને છતાં કબીર ન હો,
ઘણું યે કાંતવાનું હો છતાં મલીર ન હો.

શબદ કહે કહે ને મૌનની સમજ ન પડે,
અરથ કહે, ગઝલ કહે છતાં યે મીર ન હો.

ન હો નાનક, ન હો નરસિંહ ન તુકારામ મીરાં,
ગહન ન પીડ તો સ્થવીર કે ફકીર ન હો.

ઘૂંટે નહિ, શ્વસે નહિ, રૂદનમાં થિર નહિ,
ન સીતા દ્વૌપદી કે ઉત્તરાની ધીર ન હો.

સવાલ એટલો જ હોય શબદ મૌન વિશે,
શું હો સૂરણ શું વિસ્તરણ કી અધીર ન હો.

( શૈલેશ ટેવાણી )

કાંઠે-યોગેશ જોષી

કાંઠે
ઊભો ઊભો જોઉં છું-
વહાણ તો
હલેસાય છે
આ વિરાટ સરોવરમાં
પાણીય છે ભરપૂર
હિલોળા લેતું…
સઢ પણ છે નવો નક્કોર,
ફરફરતા આકાશ જેવો
ને
વેગીલો પવન પણ છે
અનુકૂળ દિશામાં…
ધ્રુવના તારા જેવી નજરથી
નાવિક મીટ માંડી રહ્યો છે
મારા ભણી…
પણ
કોઈ જ ઈચ્છા
ક્યાં છે હવે ?!
બસ,
ઊભો છું
કાંઠે…

( યોગેશ જોષી )

આંગળીના ટેરવે-રન્નાદે

આંગળીના ટેરવે ક્યાંથી મળે જળનું ટીપું ?
સ્પર્શ ભીનો ઝળહળે છે, ઝળહળે જળનું ટીપું.

છીપ પણ અકબંધ રાખી સાચવે શમણું હજી
ખોલશો ના તોડશો ના-ટળવળે જળનું ટીપું.

આંખની બારે ઉઘાડી કોણ આ ઊડી ગયું ?
ઝૂરતા એકાંતને ક્યાં સાંકળે જળનું ટીપું ?

ડાળથી છૂટાં પડેલા પાંદડાંઓ ક્યાં ગયાં ?
પીળચટ્ટી ધૂળમાં આ ટળવળે જળનું ટીપું.

સાવ સૂના ઓરડાને સાચવી ઘર ઊંઘતું
આંગણે આકાશ ઊભું-નેવલે જળનું ટીપું.

( રન્નાદે શાહ )

જવાના દિવસ છે-અદી મિર્ઝા

હવે જવાના દિવસ છે, જવા દે યાર મને
બની શકે તો હવે દૂરથી પોકાર મને

મને ન લાગશે દુનિયાના કોઈ રંગ હવે
હવે તો તારા કોઈ રંગે તું ચિતાર મને !

ન આવી મારા સુધી એના ફૂલની ખુશબો
નકામી છેડીને ચાલી ગઈ બહાર મને

ધરમ કરમની બધી વાત ભૂલી બેઠો છું
જરીક આપ તારી આસ્થા ઉધાર મને

હું કંઈ નથી તો ઢંકેલી દે હાંસિયામાં હવે
હું કંઈક છું તો ગઝલોમાં નિખાર મને

( અદી મિર્ઝા )

આજે એ-કુલદીપ કારિયા

આજે એ હાથ બારણું ખખડાવશે નહીં
પણ અર્થ એનો એ નથી, એ આવશે નહીં

આબોહવા આ દેશની અત્યંત શુષ્ક છે
લીલા સમયને શ્વાસ લેવું ફાવશે નહીં

ઘડિયાળ તૂટે તો સમય તૂટે નહીં, શું કામ ?
એવું તને કદી કોઈ સમજાવશે નહીં

કાપ્યા કરું છું હું અહમ વધેલા નખની જેમ
હદથી વધીશ તો કોઈ બોલાવશે નહીં

પંખો બની વિચાર સૌ માથા ઉપર ભમે
ઊંઘ આવશે નહીં, જો તું સુવડાવશે નહીં

( કુલદીપ કારિયા )