સિયામિઝ ટ્વિન્સ

એક સિયામિઝ છે મારો જોડિયો

મારી સાથે જોડાયેલો

મારી સાથે જડાયેલો

 

ચીપકી ગયેલો બરોબર

મારી કરોડ સાથે.

 

બે પગ છે અમારે

બે હાથ છે અમારે

 

મારે ખાવી છે ખીચડી

તો તેને ખાવી છે સ્પેગેટી,

મારે લટાર મારવી છે

તો તેને પડ્યા રહેવું છે.

 

મારે સૂવું છે

તો તેને જાગવું

મારે જીવવું છે

તો તેને મરવું.

 

રાતે જ્યારે એ ઘોરે છે

ઘોર નગારાં જેવાં વાગે છે નસકોરાં

ને હું જાગતો રહું છું નિષ્પલક

થાય છે કે દાબી દઉં ગળું

 

હું તેને ચાહી શકતો નથી

નથી ધિક્કારી

મારું જીવવું છે દુષ્કર

તેના સહિત

તેના રહિત

 

એક સિયામિઝ છે મારો જોડિયો

ઘટ સાથે રે ઘડિયો

મારી સાથે જોડાયેલો

મારી સાથે જડાયેલો.”

 

( યજ્ઞેશ દવે )

કહે છે કે …

કહે છે કે

પગ મારા

ફૂલની પાંખડી નથી

ગુલાબી એ કોમળ નથી

ખરે જ, મને એવી કશી ખબર નથી.

કઠીન રસ્તે

ડગ્યા વગર

થાક્યા વગર

પોતાની કેડી ચાતરીને ચાલનારા

મક્ક્મ તો એ એવાં!!!

આંખ મારી નીલી નથી

સમુદ્ર શી ગહરી નથી

મીન શી કમનીય નથી

અરે રહો! મને એવી કશી ખબર નથી.

સ્વાભિમાનથી ચમકતી એ,

બુધ્ધિ-પ્રજ્ઞાએ આંજેલી,

માપ્યા કરે આખું જગત,

શરમ કેવી?

ઝુક્યા વગર-

અન્યાય પર તો ત્રાટકે એવી-

રંગ મારો ગુલાબી નથી

સંગેમરમર શો ચમકતો નથી

શરમને શેરડે રંગાયેલ નથી

શું કહો? મને એવી કશી જરૂર નથી

કાર્યરત શા મારા દિન

પરસેવાની મ્હેંકથી તો સુગંધાતો એ

સખત મહેનતને તડકે સૂકવેલો

એ તો પાકો-

શરીર મારું

નમણું નથી

લજામણી નથી

વસ્ત્રાલંકારોથી સુશોભિત નથી

સ્વનિર્મિત વ્યક્તિત્વની આભાએ સીંચાયેલું

આત્મવિશ્વાસે રંગાયેલું

સ્વભાન, સ્વમાનથી સોહાવેલું

ધનુષ્યની પણછ જેવું

દ્રઢ એ તો એવું-!!

હવે કહો!

અરે! સ્ત્રી હોવાનો તો ગર્વ મને-

( એષા )

સ્વબોધ-સુરેશ દલાલ

“આપણે આપણી રીતે રહેવું:

ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

        ફૂલની જેમ ખૂલવું

                અને ડાળની ઉપર ઝૂલવું

        ભમરાનું ગીત કાનમાં આંજી

                કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું

ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

        પગલાં ભૂંસી ચાલતા થવું

                પંથની ઉપર મ્હાલતા જવું

        આનંદ આનંદ વેરતાં વેરતાં

                આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું

ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!”

( સુરેશ દલાલ )

 

પ્રતીક્ષા-પ્રીતિ સેનગુપ્તા

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું

મારા બોલાવ્યાથી જ

પંખી આવી નથી જતું.

એ આવે છે એની જ મરજીથી.

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?

મન થશે ત્યારે જ

ફરફરતું

પતંગિયું આવશે.

રસ્તામાંનાં

ખાબોચિયામાં

છબછબિયાં કરવાનું

મન નથી થતું હવે.

ભેજના શેવાળથી

છવાયેલા કાચ પર

નામ લખી દેવાનું

તોફાન નથી સૂઝતું હવે.

અવરજવર તો રહી,

ને ધૂળિયાં પગલાંયે ઘણાં પડ્યાં,

પણ કોઈનાયે પદક્ષેપથી

શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.

જાણું છું

જે પંખી ના આવે તેને માટે

ચણ નાખીને બેસી રહેવું

જે પતંગિયું ભમ્યા કેરે તેને માટે

ફૂલોએ સાજ સજવા,

જેનો સ્પશૅ થવાનો નથી

તે સુવર્ણમણિની આશામાં તપોમગ્ન

રહેવું

તે તો છે

અપાત્રને કરેલું પ્રેમનું દાન.

( પ્રીતિ સેનગુપ્તા )

હવે પહેલો વરસાદ…-ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!

હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં!

 

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયા,

સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો ઝળઝળિયાં!

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ; એવું કાંઈ નહીં!

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!

 

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;

મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં,

આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઈને આવે ઉન્માદ એવું કાંઈ નહીં;

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!

 

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;

કોઈ ભીની હવાથી શ્વાસ ઘુંટીને સાનભાન ખોતું નથી;

કોઈના પાલવની ઝૂલ, ભીનીભીની થાય ભૂલ, રોમેરોમે સંવાદ એવું કાંઈ નહીં!

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!

 

( ભગવતીકુમાર શર્મા )

 

અર્થશાસ્ત્ર-વિપિન પરીખ

કોઈએ મને પૂછ્યું: આ જીવનનો અર્થ શો છે

મેં કહ્યું: મને ખબર નથી

 

મને ખબર નથી આ સૂરજમુખીનું ફૂલ

રોજ સવારે શી રીતે હસી શકતું હશે

અને કોયલ શી રીતે લાલ કરી મૂકતી હશે વસંતને

પોતાના ટહુકાથી વરસે વરસે?

 

મને ખબર નથી વારે વારે પડી જવા છતાં

શિશુ શા માટે આટલો બધો આગ્રહ રાખે છે

પોતાનાં પગલાં પાડવાનો?

 

ને કદમ્બના વ્રુક્ષ નીચે બેઠેલા પ્રેમીઓની હથેળીને

મધુર વાચા શી રીતે ફુટતી હશે? 

-મને ખબર નથી.

 

પણ

જ્યારે

ફૂલો શહેરમાં વસવા આવશે કાયમ માટે

ને કોકિલા જ્યારે બેન્કમાં દસથી છ

સર્વિસ કરશે અને

આકાશ જ્યારે નીચે નમી નમીને

૨૬મા માળની અગાશીને પ્રેમ કરશે

ત્યારે હું પણ પૂછીશ: 

આ બધાંનો અર્થ શો છે?”

 

( વિપિન પરીખ )

તમે કોઈ દિવસ…-મુકેશ જોશી

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? 

        એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા

                આખીય જિંદગી બળ્યા છો? 

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઈના

        મારગથી કાંટાઓ શોધ્યા

તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના

        તડકાઓ અંગ ઉપર ઓઢ્યા

તમે એકવાર એનામાં ખોવાયા બાદ

        કદી પોતાની જાતને જડ્યા છો?

તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી

        ખુદમાં વરસાદ થતો જોયો

તમે કોઈના આભને મેઘધનુષ આપવા

        પોતાના સૂરજને ખોયો

તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં

        માથું મૂકીને રડ્યા છો?

( મુકેશ જોશી )

વરસાદમાં…-રવિન્દ્ર પારેખ

“લે તને કાગળ લખું વરસાદમાં

એ વિના શું ચીતરું વરસાદમાં

આપણું મળવું હવે મુશ્કેલ છે

શહેર જાણે કે તર્યું વરસાદમાં

ફોન ગાડી ને બધું યે બંધ છે

હું નહીં આવી શકું વરસાદમાં

રાહ જોતી આંખમાં વાદળ થશે

બેવડી પલળીશ તું વરસાદમાં

તું ન હો ને હોય જો વરસાદ તો

એમ લાગે રણ મળ્યું વરસાદમાં

હોઈએ સાથે અને વરસાદ હો

રણ બને તોરણ લીલું વરસાદમાં

પત્રને બદલે તને હું મન બીડું

ખુદ બન્યો પરબીડિયું વરસાદમાં

મન મૂકીને મન મને છોડી ગયું

એ તને ક્યાંથી જડ્યું વરસાદમાં

હું અહીં છું ને હવે તારી કને પણ

બેવડું આ જીવવું વરસાદમાં

મન વગર હું બેવડો એકાંતવશ

જીવવું મરવું થયું વરસાદમાં

તું ય તારું મન મને મોકલ હવે

ક્યાં સુધી ઝુયૉ કરું વરસાદમાં

એટલો પલળી ગયો છું યાદથી

ના પલળવાનું રહ્યું વરસાદમાં”

(  રવિન્દ્ર પારેખ )