સમજીને-આબિદ ભટ્ટ

માણ, ક્ષણને, હજાર સમજીને,
જિંદગીને તુષાર સમજીને !

આકરી પાનખર, સકળ કાજે,
હું તો જીવ્યો બહાર સમજીને !

ભીંત છે તો જરૂર પડવાની,
કર મરામત દરાર સમજીને !

પ્રેમ પામ્યો વસંત ક્યારે ના,
તેં કર્યો વ્યવહાર સમજીને !

કર સહન વાયદા ખિલાફીને,
જુલ્મનો છે પ્રકાર સમજીને !

દર્દા મેં કેટલાંક પાળ્યાં છે,
દિલને મળશે કરાર સમજીને !

( આબિદ ભટ્ટ )

હિંડોળો-પ્રીતમ લખલાણી

૧.
એકાંતે ઝુકાવતો મને
હિંડોળો આપે છે
ખુદ અને ખુદાથી
વાત કરવાનો અવકાશ !

૨.
દોસ્તો ! નિરાંતે ક્યારેક
કાન દઈને સાંભળજો
હિંડોળાની કિચૂડ કિચૂડ વ્યથા
બસ, એ જ ઘડીએ
સમજાઈ જશે હિંડોળા જેવી
નારીજીવનની કથા !

૩.
સોપારી વેતરતો,
ડેલી, ફળિયું અને ઓસરીને
નીરખતો હિંડોળો,
સૂંઘતો હોય છે છીંકણીની જેમ
હર ક્ષણને.

૪.
સાચું કહું તો કોણ માનશે ?
આ હિંડોળા થકી જ
સાહિત્ય-સર્જનને મળે છે
સર્જક-કાફલો !

( પ્રીતમ લખલાણી )

કીડી-પ્રીતમ લખલાણી

૧.
રાતી
કીડીનું
પગેરું શોધવા
કાળી કીડી
ભટકે
સફેદ ખાંડની
ઢગલીમાં.

૨.
શબ્દને
શ્વેત કાગળ પર
શિસ્તબદ્ધ
હારમાં ઊભેલ જોઈ,
સાકરના કણને
રેઢો મૂકી
કીડી
એક શબ્દને છેવાડે
આશ્ચર્યચિહ્ન સમી
ઊભી રહી ગઈ !


બારાખડીના
અક્ષરે
કીડીને
કાનમાં
એવું તે શું કહ્યું હશે
કે
દેશી હિસાબમાં
ફેરફુદરડી ફરવાનું
ભૂલીને
તે
ચટકા ભરતી થઈ ગઈ !

૪.
કીડી
એટલે
ચૂપચાપ
ખોવાઈ ગયેલ
ક્ષણનું
એક પગલું !

( પ્રીતમ લખલાણી )

ચાર રચનાઓ-ચિનુ મોદી

૧.
અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચંદ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા
મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.

૨.
નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જા
દરિયા જેવો દરિયો લાગે આ બ્હીઘેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.

૩.
પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા
મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા.

૪.
બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા
જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા.

( ચિનુ મોદી )

ઝાંઝર-ચિનુ મોદી

હું
રણકાવું ત્યારે રણકવાનું
ઝણકાવું ત્યારે ઝણકવાનું
આમ
જાતે જાતે રણઝણવાનું નહીં
સમજ, સમજ; તું ઝાંઝર છે.
હું કહું :
“બસ, બહુ થયું.”
એટલે મંત્રમુગ્ધ કરતા
તારા ઝંકાર
તારે સમેટી લેવાના, શું ?
હું
રિસાઈને કોપભવનમાં હોઉં
કે
ભરી ભીડથી છૂટવા
એકદંડિયા મ્હેલમાં હોઉં
ત્યારે, જાતે જાતે ઝણકીને, મને
ખલેલ પહોંચાડવાની નહીં-
અબે, તું ઝાંઝર છે
પગમાં પહેરેલું રહે, માથે ચડી ના બેસ.

( ચિનુ મોદી )

સ્પર્શ-મનીષા જોષી

આ હું બેઠી છું એ લાકડાની બેન્ચ
આજે જાણે નવેસરથી અનુભવાય છે.
લાકડામાં પડેલી તિરાડો પરથી હટીને
નજર સ્થિર થાય છે,
મારા હાથ પરની કરચલીઓ પર.
કથ્થાઈ રંગના મારા હાથ
ફરી વળે છે,
લાકડાની તિરાડોમાં.
ન સામ્ય, ન વિરોધ.
ઘેટાના મુલાયમ શરીરની ગરમ રુંવાટી પર હાથ ફેરવું
કે પ્રાચીન સ્થાપત્યની ઠંડીગાર ભીંતને હાથ અડાડું,
સંવેદનમાં કોઈ ઝાઝો ફરક હોય એવું નથી લાગતું.
અને છતાં મગજમાં હજી પણ પડી રહ્યા છે,
વિવિધ સંવેદનનાં ચોકઠાં કે વિવિધ સ્પર્શની સ્મૃતિઓ.
ક્યારેક વરસાદમાં ભીંજાઈ રહેલી આ બેન્ચને,
હું દૂરથી જોઉં તો પણ,
મારા હાથ જાણે અનુભવે છે,
ભીના લાકડાના સ્પર્શને.
પલળેલા લાકડાની પહોળી થયેલી તિરાડો,
અને એમાંથી છૂટી પડી રહેલી લાકડાની નાનકડી ફાંસો.
લાકડું દૂર ભીંજાતું રહે છે અલિપ્ત
પણ મારા હાથમાં વાગે છે
એ ઝીણી ઝીણી ફાંસો.
ક્યારેક વંટોળભરી સાંજે,
ધૂળની એક ડમરી
ફરી વળે છે આ લાકડાની બેન્ચ પર.
મારા બેસવાની જગ્યા પરની એ ધૂળ
હું મારા હાથે સાફ કરું છું
અને પછી ત્યાં બેસી રહું છું,
કલાકો સુધી,
હાથ પરની ધૂળ ખંખેર્યા વિના.
દૂર દૂરની શેરીઓમાંથી ઊડીને આવેલી ધૂળ,
મારા હાથ પર જામી છે.
આજે ઘણા વખતે,
મારા હાથ મને ઓળખીતા લાગે છે.

( મનીષા જોષી )

મારી જાતને-પન્ના નાયક

હું મારી જાતને રોકી શકતી નથી :
મનુષ્યોને ચાહતાં
વ્યથામાં સહાનુભૂતિ દર્શાવતાં
ખાનગી વાત છાની રાખતાં
દરિયાકિનારે રેતી પર ટહેલતાં
મોજાંઓનો ઘુઘવાટ કાનમાં સંઘરતાં
પાર્કમાં વૃક્ષોનાં પાંદડાં ગણતાં
ઝરણાં સાથે ગોષ્ઠી કરતાં
વરસાદમાં તરબોળ થતાં
ઘાસ પર ખુલ્લે પગે ચાલતાં
સાડીઓમાં સજ્જ થતાં
ભેટસોગાદો આપતાં
ઘર સજાવતાં
ફૂલો ગોઠવતાં
પકવાન પકાવતાં
પુસ્તકો વસાવતાં
કાવ્યો માણતાં
સંગીત સાંભળતાં
વિનોદ વહેંચતાં
અને
આ બધાની વચ્ચે
કવિતા ન લખ્યાનો
વસવસો અનુભવતાં..

( પન્ના નાયક )

અમે !-કરસનદાસ લુહાર

લો, અલખના ઓટલે બેસી ચલમ પીધી અમે,
ને પળોને ઘેનથી ઘેઘૂર-ઘટ્ટ કીધી અમે.

કે, વળાંકો કેટલા આવ્યા હતા વચ્ચે; નકર-
ચાલવાને કેડી પકડી’તી સરળ-સીધી અમે.

કે, ન’તું મંજૂર જેને ખુશ થવું ક્યારેય પણ;
વેદના સઘળીય એની આંચકી લીધી અમે.

સ્પષ્ટ ને સહેલાઈની એવી પળોજણમાં પડ્યા;
ને સરળતાથી કરી દીધી જટિલ વિધિ અમે.

શ્વાસ કરતાંયે વધારે એમની નિકટ ગયા;
તોય ના પામ્યા અરેરે સહેજ સન્નિધિ અમે !

( કરસનદાસ લુહાર )

વકરેલો ઘાવ-હરકિસન જોષી

લયબદ્ધતા હૃદયની તપાસી લ્યો વૈદ્યજી !
શ્વાસોની ઊંડી ઊંડી તલાસી લ્યો વૈદ્યજી !

ખોટી જગાએ દ્વાર જો ઊઘડી ગયા દિશે;
જલદીથી જડી પાટિયાં વાસી લ્યો વૈદ્યજી !

કથળેલું સ્વાસ્થ્ય હોય છે આપણ બધા કને;
બેસીને મારા ખાટલે ખાંસી લ્યો વૈદ્યજી !

આગળ ગળાથી કાંઈ ઊતરતું નથી હવે,
નસ્તરથી કંઠ થોડો તરાસી લ્યો વૈદ્યજી !

નાડી ન હાથ આવે ને ફરકે ન પાંપણો,
ઢાંકીને શ્વેત વસ્ત્ર ઉદાસી લ્યો વૈદ્યજી !

( હરકિસન જોષી )

વકરેલો ઘાવ-હરકિસન જોષી

ઔષધથી રોગ ઊલટાનો વિફર્યો છે વૈદ્યજી !
મરહમ લાગડ્યો ઘાવ તો વકર્યો છે વૈદ્યજી !

જ્વર શોધવાને રોજ શું નાડી તપાસો છો !
નખ શિખ પૂરા દેહમાં પ્રસર્યો છે વૈદ્યજી !

અંગોને શેકવાની સલાહ દઈ રહ્યા છો પણ;
ભીતરનો મર્જ જન્મથી તરસ્યો છે વૈદ્યજી !

એ પાનખર વસંત શરદ થઈ રહ્યો હવે;
આષાઢી મેઘ થઈને ગરજ્યો છે વૈદ્યજી !

વણસ્પર્શ્યો રહી બેઠો હતો અંત:કરણમાં,
વીજળીની જેમ આજ વરસ્યો છે વૈદ્યજી !

( હરકિસન જોષી )