એમાં શું ?-ઉષા ઉપાધ્યાય

એક ‘દિ પેલાં ઝાડને જોઈ
એમ થયું કે લાવને હું યે
ઘેનઘેઘુરી ઝાડવું બની જઉં…

મનમાં મારાં એમ કે એમાં શું ?
મૂળ નાખીને ડાળ ફેલાવી,
પાંદડે-પાંદડું ફરકાવીને
એ..યને હળવે સૂર રેલાવી,
તડકો ઝીલતું નીલ-સોનેરી પંખી બની જઉં,
આભ આવીને રાતવાસો રહે એવડી છાયા દઉં.
પણ જરા જ્યાં મૂળ નાખ્યાં ત્યાં
સહેજ હવા નહીં, કંકર-પથ્થર,
ધરતી અરે આટલી કઠણ !
ટગલી ડાળે સિંચવાનું જળ આટલું અદ્ધર ઝટ દેતાં લઉં પગ ખેંચી, થૈ કામ
આ મારું, જાય ઊડી એ પહેલાં અસલ અંચળો ઓઢી લઉં.

( ઉષા ઉપાધ્યાય )

જે સરનામું છે-અદી મિર્ઝા

એના હાથોમાં જે સરનામું છે,
એ ઠેકાણું તો મારા ઘરનું છે !

એક સુરાલય છે આપણું મિત્રો,
બાકી આખું જગત તો એનું છે !

તારે શું કહેવું છે હું જાણું છું,
તને મારે પણ એ જ કહેવું છે !

એનું મળવું ન મળવા જેવું હતું,
એનું જોવુંય જોવા જેવું છે !

પહેલા આ વાતનો ખુલાસો કર,
તારે દિલ દેવું છે કે લેવું છે ?

એ ખુદા છે તો એના ઘરનો હશે,
એને ક્યાં મારા ઘરમાં રહેવું છે !

તું સહજ મનની આંખ ખોલ ને જો,
તારી સામે જ કોઈ બેઠું છે !

આ ગઝલ તો તમારી છે, ‘ઓ અદી’
એમાં જે દર્દ છે એ કોનું છે ?

( અદી મિર્ઝા )

ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

નથી કશો પણ ભય, માધવને પ્રેમ ફરી કરવાથી !
ડરી જાય શું ઉદ્ધવ,મત્સ્યો પાણીમાં તરવાથી ?!

અમે પ્રેમને પંથ પડ્યા,તો હતા જાણતા અંત;
ઊભાં છીએ દ્રઢ, પ્રભુ પામવા જેમ ઊભે છે સંત !
આપોઆપ જ લાભ અમોને થયો, શ્યામ જો ગયા;
વિરહ-ઉત્સવો ઊજવવાની કલા જાણતા થયા !

મોર લગીરે નથી પામ્તો દુ:ખ, પીંછું ખરવાથી !
જે જે ગોકુળ નથી વસ્યાં, એ અમને ભાસે શૂન્ય !
માધવનાં પદરવ સાંભળતાં, બારી-બારણાં ખૂલે;
મઘમઘતુંઘર આખ્ખું, એમાં કોઈ અ-ગોચર ઝૂલે !

થાય છલોછલ ઘડો, શ્યામનું મોહક સ્મિત ભરવાથી !
નથી કશો પણ ભય, માધવને પ્રેમ ફરી કરવાથી !
ડરી જાય શું ઉદ્ધવ,મત્સ્યો પાણીમાં તરવાથી ?!

( વીરુ પુરોહિત )

ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

જાવ સખી, ઝટ જઈ પૂજાની શણગારી લ્યો થાળી;
પછી, પલક માર્યા વીણ જોતાં રહી જાશું વનમાળી !
રાસ રમ્યાં તે વસ્ત્રાભૂષણ કહાનાને બહુ છાજે;
વૃંદા, તું માધવને મનગમતું પેલું ગીત ગાજે !

ગુલાલ છાંટી, મારગ પર પ્રગટાવી દ્યો દીપમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

પણે જઈ માખણ-મિસરીના શત શત કુંડ ભરાવો;
તમે બેઉં, રાધાને આલંબન આપી લઈ આવો !
નંદ-જશોદાને કહેજો કે જાય નહીં એ ક્યાંયે;
લઈ આવશું કહાનો; જોતાં-રમતાં બહું ધરાયે !

આજ ફરીથી શુષ્ક અમારા ઓષ્ઠ થશે પરવાળાં !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

( વીરુ પુરોહિત )

બાકી છે-હર્ષદ ચંદારાણા

વળોટ્યા છે સમંદર પાંચ, બે આસાન બાકી છે
રમત છે, બાવડામાં જોર દે… જુવાન બાકી છે

વદન પર ઝુલ્ફની લટ જેમ શોભે છે, તું ઝરણાંથી
તું પર વારી ગયો ઓ ટેકરી ! બસ…જાન બાકી છે

તળે ડૂબાડતા ધસમસ પ્રવાહો, છટકવા ના દે
ઉગારે કોણ ? એવો આવવો બળવાન બાકી છે

વિચારોનો સમંદર ખૂબ ઊંડો, હર-વખત મોતી
તું લૂંટ્યે રાખ, તળને ખોટ ના, ધનવાન બાકી છે

તટે તું દૂર ઊભેલી, મને લાગી દીવાદાંડી
તરત ત્યાં વ્હાણ ફંટાવ્યું, થવી પીછાન બાકી છે

તટે મસ્તીથી રેતીમાં સૂતેલું વ્હાણ શું જાણે ?
વમળ છે રાહ જોતાં, મધ્યમાં તોફાન બાકી છે

( હર્ષદ ચંદારાણા )

ઘટના-રશીદ મીર

હવાની પીઠ પર ખુશ્બુ સવાર થઈ ગઈ છે
ન જાણે રાત પણ ક્યારે પસાર થઈ ગઈ છે

તમામ રાત તિખારા સમી હતી ઘટના
અને એ વહેલી સવારે તુષાર થઈ ગઈ છે

અમેય દર્દની મર્યાદા જાળવી છે, મગર
પડી ના ચીસ તો એની પુકાર થઈ ગઈ છે

બધાય ઝખ્મ અમે એમ દૂઝતા રાખ્યા
ખબર પડી જ નહીં સારવાર થઈ ગઈ છે

મળે તો ‘મીર’ મળે ક્યાંથી કાફલાના સગડ
ચરણની છાપ હવામાં ગુબાર થઈ ગઈ છે

( રશીદ મીર )

ખબર જ છે-ભાવેશ ભટ્ટ

મળવાની છે ચોમેરથી નફરત ખબર જ છે
શ્વાસોય મળે છે મને ઉદ્ધત, ખબર જ છે

અફસોસ નથી, થાય જો અપમાન અહિંયા
મારી હતી ત્યાં કેટલી ઈજ્જત ખબર જ છે !

એ રોજ કહે છે કે ‘હું સિદ્ધાંત ન તોડું’
ને રોજ કરાવે છે મરમ્મત, ખબર જ છે !

નાદાન હશે એનાથી અંજાઈ જવાના
આપણને તો અજવાશની આદત ખબર જ છે !

કોઈએ જગત નામે કરેલી છે મજાક આ
આ તો ફક્ત બે ઘડી ગમ્મત, ખબર જ છે !

( ભાવેશ ભટ્ટ )

સમજીને-આબિદ ભટ્ટ

સ્મિત વેર્યું ટહેલ સમજીને,
છે તમારી પહેલ સમજીને!

શ્વાસથી રોજ ભીંતને લીંપું,
ઝૂંપડીને મહેલ સમજીને !

ક્ષોભ, સંકોચ વિણ હૃદય ખોલ્યું,
આપ જણ છો ઠરેલ સમજીને !

વિસ્તર્યો હું ને હાથ ફેલાવ્યો,
શ્વાસ શાશ્વત ટકેલ સમજીને !

પ્રશ્ન જંજાળ, મોહ મુક્તિનો,
હોય તો દે ઉકેલ સમજીને !

શબ્દને એટલે મળ્યો ટેકો,
ભીતરેથી ઉઠેલ સમજીને !

( આબિદ ભટ્ટ )

સંવેદના-અશ્વિની બાપટ

હલકા હાથે પસવારો
કે
હળવેથી ખોતરો
કવિતા નીકળી આવે
એવી
સંવેદનશીલતાને
કવચમાં બીડીને
થોડી જ રાખી શકાય ?
રીઢી થઈ જાય
એટલી ઘસાઈ જશે
કે
કવિતા ડઘાઈને
અંધારે પુરાઈ જશે
એવા ડરથી
કોરાં પાનાં વચ્ચે
અર્થ સંભાવનાવાળા શબ્દો જોડે
સંવેદનશીલતાને દબાવી
થોડી સાચવી શકાય ?
પ્રેમમાં તણાઈને
તિરસ્કારથી પીંખાઈને
અવગણનાથી ગૂંગળાઈને
સહસ્ત્રમુખે ખીલે છે
સંવેદનશીલતા
દંગલોમાં કપાઈ મરશે
અત્યાચારમાં બળી જશે
સંઘર્ષમાં વહી જશે
કે
ઘરના કજિયાથી માંડીને
સાહિત્યના રાજકારણ સુધી
ફેલાયેલા
અટપટા લોકો વચ્ચે
અટવાઈ જશે-ના ડરથી
બુઠ્ઠી આંખે
નદી-પર્વત કે જંગલોમાં
કે
ધરાશયી પ્રેમના
સૂમસામ રસ્તાઓ પર
હવાફેર કરાવી
કવિતાને થોડી જ
જીવંત રાખી શકાય ?

( અશ્વિની બાપટ )

મિત્રો !-ગુલામ અબ્બાસ “નાશાદ”

એક છું, શ્રી સવા નથી મિત્રો !
માનવી છું, ખુદા નથી મિત્રો !

ભાગ્ય બદલી શકું ના કોઈનું,
લાગણી છું, દુઆ નથી મિત્રો !

પાપ સંતો જ ધોઈ જાણે છે,
વ્હેમ છે, આસ્થા નથી મિત્રો !

હડસેલી કોઈને જવું આગળ,
આવડત છે, કલા નથી મિત્રો !

આંખમાં જે મને સતત ખટકે,
આંસુ છે, ઝાંઝવા નથી મિત્રો !

લોકટોળામાં હોય જો દુશ્મન,
એક બે છે બધા નથી, મિત્રો !

ઘરને ફૂંકી તમાશો જોનારા,
એ કોઈ પારકા નથી મિત્રો !

હાસ્ય હોઠે પ્રણાલિકા કેવળ,
જિંદગી ખુશનુમા નથી મિત્રો !

બારણે એટલે ઊભો “નાશાદ”,
ક્યાંયે ઘરમાં જગા નથી મિત્રો !

( ગુલામ અબ્બાસ “નાશાદ” )