શીરીં નથી-ચીનુ મોદી

શીરીં નથી ને ક્યાંય તે ફેરફાર પણ નથી,
સાકી નથી, સુરા નથી, ‘ઈર્શાદ’ પણ નથી.

પંખીની આંખો ખૂલી, આકાશ ના દીઠું,
પાંખોને તે વાતની ફરિયાદ પણ નથી.

આંસુનાં પૂર આવતાં એ નદી નથી,
કોણે કહ્યું કે દેશમાં વરસાદ પણ નથી.

મારા ઘરેથી તારા ઘરે આવતા લગી,
નડતર હતાં કે ન હતાં, યાદ પણ નથી.

હાથે પગે બેડી છે ને શ્વાસ પર સાંકળ,
ફાંસીની સજા છે અને જલ્લાદ પણ નથી.

( ચીનુ મોદી )

પ્રશ્ન સાચો છે-એસ. એસ. રાહી

સૂરજ ઊગ્યા પછી શાને ઢળે છે ? પ્રશ્ન સાચો છે,
ને શાને ચાંદને કેવળ મળે છે ? પ્રશ્ન સાચો છે.

તું બારીમાં ચણાવે ભીંત તો લોકો મને પૂછે,
‘કયા હેતુથી તમને સાંકળે છે ?’ પ્રશ્ન સાચો છે.

હૃદયના શંખનાદો તું નથી જો સાંભળી શકતી,
તો મારું મૌન ક્યાંથી સાંભળે છે ? પ્રશ્ન સાચો છે.

સરોવરની સપાટી પર નીરવતા ગાય છે ગીતો,
ને તળિયું છીછરું કાં ખળભળે છે ? પ્રશ્ન સાચો છે.

દીવાઓ પણ નથી બળતા ને અજવાળું થયું છે ગુમ,
ને આખી રાત કાં માચીસ બળે છે ? પ્રશ્ન સાચો છે.

( એસ. એસ. રાહી )

તો પછી શું કરો તમે ?-એસ. એસ. રાહી

ભીંતો જ ખળભળે તો પછી શું કરો તમે ?
બારીને કળ વળે તો પછી શું કરો તમે ?

અધમણ લઈને બાજરો બેઠા છો તમે પણ,
ઘંટીના પડ ગળે તો પછી શું કરો તમે ?

ચહેરો છુપાવવાના કરો યત્ન તમે પણ,
પરદાઓ ટળવળે તો પછી શું કરો તમે ?

શઢનો ને હલેસાનો ભરોસો કરો વધુ,
જો નાવ ઊછળે તો પછી શું કરો તમે ?

મંઝિલ નજીક હોય ને પહોંચાય તરત પણ,
રસ્તો જ ખુદ વળે તો પછી શું કરો તમે ?

( એસ. એસ. રાહી )

અંતિમ શ્વાસ-કૃષ્ણ દવે

ઘાયલોની મુલાકાતે અતિ ઉત્સાહભેર દોડી આવેલ તેઓશ્રીને
લેવાઈ રહેલા એક અંતિમ શ્વાસે કહ્યું, આપ થોડાક મોડા પધાર્યા હોત તો !!

મારે અંતિમ વખત ચૂમી લેવી હતી નાની નાની હથેળીઓને,
મારે છેલ્લી વખત જોઈ લેવો હતો સિંદુરના રંગમાં ઓગળી જતો એક ચહેરો,
મારે છેલ્લી વખત સ્પર્શી લેવી હતી ભાંગી પડેલી એ લાકડીને,
મારે મારો અંતિમ શ્વાસ લેવોહતો એ જ હુંફાળા ખોળામાં.

અફસોસ ! મારા અંતિમ સમયે જ મારા પરિવારના
ડૂસકાં ધકેલાઈ ગયા ખાખી દીવાલોની પેલે પાર !!

હું સમજી શકું છું મારા મૃત્યુ કરતાં આપશ્રીની સુરક્ષા વધારે કીમતી છે.

પરંતુ આપ થોડાક મોડા પધાર્યા હોત તો !!

( કૃષ્ણ દવે )

તારા મનમાં આવું-ચીનુ મોદી

‘હા’ કહે તો આજ તારા મનમાં આવું,
હું રજેરજની કથાઓ કહી બતાવું.

ખૂબ છેટું આપણી વચ્ચે પડ્યું છે,
છો ને ગાઢું ધુમ્મસ છે, એને હટાવું ?

તું હવાની પાતળી છે ભીંત નક્કર,
એક નાની અમથી ત્યાં બારી મુકાવું ?

ચંદ્ર આવ્યો ને કિનારા ના ભીંજાયા,
હું ઉછાળા મારતાં પાણી કરાવું ?

આપનો ‘ઈર્શાદ’ કાયમનો ઋણી છે,
પાનખરમાં પાંદડું ડાળે લગાવું ?

( ચીનુ મોદી )

શું છે ?-એસ. એસ. રાહી

ભીંતો જ ચોતરફ હો તો આરપાર શું છે ?
ખડકી પૂછે ગલીને કે બારોબાર શું છે ?

અત્તરનાં ફૂલ જ્યારે ડાળી ઉપર ઝૂકે તો,
પૂછે પવન તરત કે ખુશબોનો ભાર શું છે ?

નફરત કરે છે તેને પજવે છે પ્રશ્ન એક જ,
મજનૂની વારતામાં આ પ્યારબ્યાર શું છે ?

હું પ્રેમની પછેડી વણતો રહું નિરંતર,
પણ ફરફરે પવનમાં એ તારતાર શું છે ?

તું કોઈ પણ પ્રહરમાં ગાજે ઉલટથી ગીતો,
મહોલ નહિ પૂછે કે દીપક-મલ્હાર શું છે ?

હું તો અગમનિગમની વાતોને કેમ સમજું,
આ પાર તું નથી તો પેલે પાર શું છે ?

શેખે કહ્યું નહીં તો દરવેશને પૂછી લ્યો,
જીવનનો મંત્ર શું છે ? મૃત્યુનો સાર શું છે ?

વીંઝાય તેની પહેલાં બે વાર એ વિચારે,
તલવારને ખબર છે લોહીની ધાર શું છે ?

ગ્રંથોમાં ‘રાહી’ સાચા ઉત્તર કદી મળ્યા નહિ,
શ્રદ્ધા કે આસ્થા કે આ ઐતેબાર શું છે ?

( એસ. એસ. રાહી )

પંખીપણું-કૃષ્ણ દવે

એક પણ વળગણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું,
સહેજ પણ સમજણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એ જરૂરી છે જ નહીં કે
રોજ એની એ જ ડાળી પર ફરી પાછા જવું, ને આમ મારે-
કોઈ એક જ ઘર અને આંગણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એક ભીનો આવકારો આંખમાં રોપી
લીલીછમ રાહ જોતા વૃક્ષની પાસે જવાના-
આવવાના કોઈ પણ કારણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

પંથ આખો છે હવાનો એટલે હળવા થવાનો,
ને જુઓ આ પંથ માટે-
કોઈ નિયમો કોઈ બંધારણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

આ ગણતરીના લબાચાને અહીં નીચે મૂકી ને
પાંખ બે વિશ્વાસની પહેરી જરા ઊડી જુએ ને તો જ-
સમજાશે તને કે ક્યાંય પંખીપણામાં એક બે કે ત્રણ નથી ને?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

( કૃષ્ણ દવે )

જેવો જ છે એવો જ-ચીનુ મોદી

જેવો જ છે, એવો જ તું દેખાય છે,
હું અરીસો છું, તને સમજાય છે ?

સાત ઓટે આવતી અચ્છી ગઝલ,
જેના તેના હાથમાં સોંપાય છે ?

તાળીઓ માંગે ભિખારી બઝ્મમાં,
‘આલજોમા-બાપ’ બહુ પડઘાય છે.

હાથ લંબાવ્યો ટકોરા મારવા,
આપમેળે દ્વાર ઊઘડી જાય છે.

દેહમાં સંચારબંધીનો અમલ,
ભીંત પર ‘ઈર્શાદજી’ ટીંગાય છે.

( ચીનુ મોદી )

પાછો ફર-પ્રીતમ લખલાણી

શિખર પરથી
પાછળ વળીને જોયું,
અંધકારની
રજાઈ ઓઢીને
ઘસઘસાટ ઢોલિયે પોઢેલ
મારા ગામના
પાદરમાં
ઝાંખાપાંખા ટમટમતા
દીવા વચ્ચે
તાપણું કરીને બેઠેલા
બે-ચાર પાળિયા
સાદ પાડીને
મને બરકી રહ્યાં’તાં
કે,
દીકરા પાછો ફર….

( પ્રીતમ લખલાણી )

બેઠી છું-આરતી શેઠ

સવાલ-જવાબની વચ્ચે મૌન પાળીને બેઠી છું,
માયા સંકેલી, શબ્દોનું પોટલું, વાળીને બેઠી છું.

સ્પર્શનો ગરમાવો હાંફીહાંફી ઠીકરું થતો ગયો,
અંગારો ફૂંકવા એમાં, ખુદને બાળીને બેઠી છું.

અરીસો અખંડ હોય કે તિરાડવાળો શું ફરક પડે છે ?
સપાટીથી તળિયા સુધી તને ભાળીને બેઠી છું.

જે ઘટનાઓ બદલવાનું હવે મારું ગજું નથી,
મારી કલ્પનાના બીબાંમાં એને ઢાળીને બેઠી છું.

નથી જોઈતા ખુલાસાઓ, નહિ ભરું અદાલત હવે,
વીંધાઈશ નહીં ધારણાઓથી એમ ધારીને બેઠી છું.

( આરતી શેઠ )