યાદ છે ?-તેજસ દવે

પાંપણ પર ઝૂલતા’તા શમણાં એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે ?

યાદ છે એ સાંજ ? તું બોલ્યા વિના જ મને
તગતગતી આંખથી વઢેલી !
એ ઘટના તો ત્યાં જ હજી બર્ફ જેમ થીજીને
ઈભી છે સાંજ ને અઢેલી
આથમતા સૂરજના કેસરી એ રંગોમાં
ઓગળતા આપણે એ યાદ છે ?
પાંપણ પર ઝૂલતા’તા શમણાં એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે ?

વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ
દિવસોને ચોરી ફરાર થઈ
એમ ઊભતાંતેજસ દવે રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ
દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યા ને
છાંયડાઓ શોધ્યા’તા યાદ છે ?
પાંપણ પર ઝૂલતા’તા શમણાં એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે ?

( તેજસ દવે )

આવે છે-ભાવિન ગોપાણી

હવે બજારની છેલ્લી દુકાન આવે છે;
ખભેથી ભાર ઉતારો સ્મશાન આવે છે.

લડાઈ રોજ હું કરતો રહ્યો છું, કારણ કે,
સ્વભાવ છે જ જટાયુ, વિમાન આવે છે.

તું જ્યારે મારી ખબર કોઈને પૂછી લે છે,
મનેય મારી ઉપર ત્યારે માન આવે છે.

ઘરે રહું તો સતાવે સફરનો શોખ અને,
સફરમાં યાદ સતત ખાનદાન આવે છે.

મદદનું એક વખત પાટિયું લગાવ્યું’તું,
શિખામણોનું લાગતાર દાન આવે છે.

ચિરાગ એટલે આવી શક્યા ન બહાર કદી,
ગલીના નાકે હવાનું મકાન આવે છે.

( ભાવિન ગોપાણી )

ઘેર આવવાનું-આહમદ મકરાણી

આખું જગત ભમીને પણ ઘેર આવવાનું,
રમતો ઘણી રમીને પણ ઘેર આવવાનું.

મોતીની શોધમાં તું છો ડુબકી લગાવે,
દરિયો ધમી ધમીને પણ ઘેર આવવાનું.

નીકળી પડું છું કોની આ શોધમાં ઘરેથી!
સૌ લાગણી દમીને પણ ઘેર આવવાનું.

આ શબ્દની બજારે થોડુંઘણું ફરીને-
શું મૌનને ગમીને પણ ઘેર આવવાનું.

આગ્રહ મહીં રહેલી સચ્ચાઈ જોઈ જાણી,
થોડું ઘણું જમીને પણ ઘેર આવવાનું.

( આહમદ મકરાણી )

લાગે છે-જગદીપ ઉપાધ્યાય

અમથું અમથું વહાલ વરસતું ઝરમર લાગે છે,
શ્યામ ભલે હો મેઘ છતાં એ મનહર લાગે છે.

શિલા બદલે ડાળે લેખ લખેલો કોનો છે ?
ફૂલો જોતા થાય; હરિના અક્ષર લાગે છે.

સુંદર; ઝરણાં, પંખી, ફૂલો, વૃક્ષો, ઈશ્વર પણ,
કમાલ છે, આ સૌથીયે મા સુંદર લાગે છે.

જૂઈ, મોગરા, ચંદન કરતા સુગંધ છે નિરાળી,
ધરતી પર ફોરાએ છાંટ્યું અત્તર લાગે છે.

ગાય કોયલો; પીળા જામા વૃક્ષોએ પહેર્યા,
આજ ઘરે ફાગણના કોઈ અવસર લાગે છે.

( જગદીપ ઉપાધ્યાય )

ફાગણનો ઘૂંઘટ-ચેતન શુક્લ ‘ચેનમ’

હળવેથી ફાગણનો ઘૂંઘટ ખોલો તારણહારા,
શ્વેત રંગની અંદર બેઠા જાનીવાલીપીનારા.

ગુલાલની મુઠ્ઠીમાં છલકે સ્પર્શ કાજની આશા,
કોણ ત્વચા પર રંગો ઘૂંટી ઉકેલશે એ ભાષા,
આખી મોસમ તારી આંખે કેફ કસુંબલ પીનારા.

કેસૂડાંની ખિસકોલી ત્યાં બેઠી મહુડો ફોલે,
વાસંતી વૈભવને કાંઠે કલરવ ટહુકા ડોલે,
ગુલમ્હોરી ગીતોમાં પંખી કેમ કરે સિસકારા.

કોણ ઋતુમાં રંગ ભરે ને કોણ ભરે પિચકારી,
ગરમાળાના ઝુમ્મર નીચે કોણ કરે ચિચિયારી,
કુદરત પાસે અરજી લઈને આવ્યા છે રંગારા.

( ચેતન શુક્લ ‘ચેનમ’ )

વોટ્સએપ કુળને-શૈલેશ ટેવાણી

તમે કેમ આ દુ:ખને સિમ્પલિફાઈ કરો છો ?
કે રહી રહીને એને ગ્લોરિફાઈ કરો છો ?

આંસુથી ધોઈ આંખને ફરી ફરી જુઓ,
શું એ રીતે વિષાદને પ્યોરિફાઈ કરો છો ?

તમામ રાત શાને જખ્મોને દો હવા ?
શું એ રીતે પીડાને આઈડેન્ટિફાઈ કરો છો ?

સુખ એમ નહિ ઊતરે કાગળ ઉપર કદાચ,
દુ:ખને ઘૂંટી ઘૂંટીને મોડીફાઈ કરો છો ?

અલ્લાહ છે જુએ છે, ઈશ્વર જેવો છે સાક્ષી,
તમે જ છો કે તમને મેગ્નીફાઈ કરો છો.

( શૈલેશ ટેવાણી )

સંગાથે…-ધર્મેશ ભટ્ટ

તું જ્યારે અચેતન અવસ્થામાં
નહોતી ત્યારે
કોની સાથે વાતો કરતી હતી,
કહે ને !
વાત વાતમાં વચ્ચે વચ્ચે હસતી હતી !
વળી હકારમાં માથું ધુણાવતી
કોને જવાબો આપતી હતી ?
હું નજીક હોવા છતાંયે
પીઠ ફેરવીને તેં વાસી દીધા કમાડ !
તું મારી સાથે જ વાત કરવાની હોય તો
હું ઊભો છું, તારી સાવ પાસે.
વચ્ચેનો ડુંગર ઓળંગીને આવ,
જેમ ચંદ્ર આકાશમાં ઊગે છે તેમ !
જરા પરિચયની નજરે મને જો,
તો જીવમાં જીવ આવે !
અને એ નજરની આંગળી ઝાલીને
હું તારી સંગાથે ચાલતો રહીશ, ચાલતો રહીશ !

( ધર્મેશ ભટ્ટ )

નીકળે…-દિવ્યા સોની “દિવ્યતા”

સુકાયેલા એ પર્ણની વાતો, લીલીછમ નીકળે;
પાનખરની યાદોમાં આખેઆખી વસંત નીકળે !

ધનીઓને લૂંટી, એ ગરીબોમાં સાંજનું જમણ વહેંચે,
ગામનો પાક્કો વાણિયો પણ ક્યારેક મહંત નીકળે !

આપીશ તને દીકરો, કે જોઈએ છે નાર ગમતી તને?
ઈશે આપેલું ના ગમે તો, લાભ લેવા લેભાગુ સંત નીકળે !

અહીં એકલાનું શું છે ? ભલે રાજ્ય આખું તું જીતે,
એ વિજયયાત્રા પાછળ પણ પોતીકાનો ખંત નીકળે !

જીવનમાં વાત સૌની સાંભળ, જ્ઞાન ચારે દિશાઓ આપે,
મનની ગડમથલ સુલઝાવતો ઘરનો બાળ,સુમંત નીકળે.

( દિવ્યા સોની “દિવ્યતા” )

દરવાજો-પારુલ કંદર્પ દેસાઈ

દરવાજો
અંદર લઈ જાય
બહાર પણ.
***
સહેજ ધક્કો મારું ને
ખૂલી જાય દરવાજો.
સહેજ ખેંચું ને
બંધ થઈ જાય દરવાજો.
ખોલબંધ કરવાની આ રમત
હું રમ્યા કરું સતત, અવિરત.
***
એક પછી એક
દરવાજા ખૂલતા જાય છે સરળતાથી
તોયે
કેમ ક્યાંય પહોંચાતું નથી ?
***
દરવાજો
કર્યો છે બંધ ચસોચસ.
કોઈ પ્રવેશી નહીં શકે હવે ?
***
દરવાજો
ખુલ્લો રાખ્યો છે
રાતદિવસ દિવસરાત
તોય કોઈ કેમ આવતું નથી ?
***

બંધ દરવાજાની
બહાર છે તે હું છું ?
કે પછી
અંદર-બહાર ક્યાંય હું નથી ?
***
દરવાજો ખુલ્લો રાખું ને
એ આવી જાય તો ?
દરવાજો બંધ રાખું ને
એ પાછો વળી જાય તો ?
***
દરવાજા વચ્ચે અટવાયેલી હું
ક્યાંથી પ્રવેશું તારા સુધી પહોંચવા ?
***
દરવાજો છે એટલે
કાં તો રહેવાનું છે અંદર
અથવા તો
જવાનું છે બહાર.
જો
દરવાજો જ ન હોય તો ?
***
દરવાજો ખૂલી જાય તો ?
ધોધમાર અજવાળું ભીંજવે
દરવાજો બંધ થઈ જાય તો
ભીતર ઝળાંહળાં.

( પારુલ કંદર્પ દેસાઈ )

મુલાકાત કર-હિના પારેખ “મનમૌજી” અને દિવ્યા સોની “દિવ્યતા”

[ કોઈ શુભઘડીએ એક પંક્તિ લખાઈ. તરત મેં દિવ્યાને વાંચવા મોકલી. અમારી વચ્ચે કવિતાનું આદાનપ્રદાન સતત થતું હોય છે. એણે વાંચીને પ્રતિભાવ આપ્યો અને એ સાથે મને સૂઝ્યું કે આ કવિતા આપણે સાથે મળીને પૂરી કરીએ તો કેવું રહેશે ? દિવ્યાનો જવાબ આવ્યો કે ‘સારું માસી આપણે ટ્રાય કરીએ.’ પ્રથમ પંક્તિ મારી છે તો બીજી એની. એમ એ ટ્રાયના ફળ સ્વરૂપ આ કવિતા લખાઈ છે. ]