
એક કલાકથી એ બસની લાઈનમાં ઉભો હતો. બસ આવતી અને ભરાઈને ચાલી જતી. ને છતાં લાઈન તો એટલી ને એટલી જ હતી. સદનસીબે એક ખાલી બસ આવી. પાછળથી એને ધક્કો વાગ્યો અને એ ધકેલાઈને બસમાં ચઢી ગયો. બારી પાસે જગ્યા ખાલી હતી. ત્યાં જઈને એ બેઠો. બારીની બહાર નિહાળવું તો ક્યારેક આંખો બંધ કરીને વિચારવું એ એની જૂની આદત હતી.
.
શહેરના રસ્તા પર બસ સરતી હતી..એની નજર બારી બહારના દ્રશ્યો પર ફરતી હતી. અને એની વૃદ્ધ માના શબ્દો યાદ આવ્યા. ગયા વર્ષે માએ કહ્યું હતું…”દીકરા અભિજિત, વધુ એક દિવાળી આવી રહી છે. શું આ વર્ષે પણ આપણું ઘર વહુના હાથે દીવા મૂકાયા વિનાનું જ રહેશે ?” અને ખરેખર માના શબ્દો સાચા પડ્યા હતા. એ વહુને લાવે તે પહેલાં જ માને હાર્ટએટેક આવ્યો અને ઘર દીવા મૂકાયા વિનાનું જ રહ્યું.
.
આ વર્ષે ફરી દિવાળી આવી રહી હતી. અને એ માના શબ્દો ભૂલી શક્યો જ ન્હોતો. પણ સગાસંબંધી વિનાનો, એકલો અટૂલો એ….એને કોણ કન્યા આપે ? ને એટલે જ કદાચ આજે એ “સપ્તપદી મેરેજબ્યુરો” નામની સંસ્થામાં જઈ રહ્યો હતો. નિયત સ્થળે બસ અટકી અને એ ઉતર્યો. મેરેજબ્યુરોના પગથિયાં ચઢતાં જ રોમાબેને એને આવકાર્યો. એણે એની કથનિ કહી સંભળાવી. રોમાબેને એક આલ્બમ જોવા આપ્યું. નામ-સરનામા વિનાના વિવિધ ચહેરાઓનો એમાં સમાવેશ હતો. એ જોવા લાગ્યો.
.
અચાનક એક ચહેરો જોઈને એ આલ્બમના પાના ફેરવતાં અટકી ગયો. સપ્રમાણ દેહાકૃતિ, ખીલેલા ફૂલ જેવું હાસ્ય, મોં પરનું ઓજસ, નિર્દોષ-શર્મિલો ચહેરો – બધું જ એને ગમી ગયું. એણે એ ફોટો રોમાબેનને બતાવીને કહ્યું : “હું આની સાથે લગ્ન કરવા ઈચ્છું છું”. ફોટો જોઈને રોમાબેન આશ્ચર્યથી બોલ્યા : “ તમે આની સાથે લગ્ન કરશો ? આ તો પૌલોમી છે. અને પૌલોમી જન્મથી અંધ છે”. એક ક્ષણએ અટક્યો, આંખો બંધ કરીને વિચાર્યું અને પછી બોલ્યો : “એ અંધ છે તેથી શું થયું? હું એની સાથે જ લગ્ન કરીશ”.
.
ને થોડા દિવસો રહીને દિવાળી આવી. દિવાળીની ઢળતી સંધ્યાએ પૌલોમીનો હાથ પકડીને એ પોતાના ઘરે લઈ આવ્યો. અને કહ્યું : “આ આપણું ઘર છે અને આ રહ્યો માનો ફોટો. ચાલ આપણે માની તસ્વીર સામે દીવો પ્રગટાવીએ”. દીવો પ્રગટાવવામાં એણે પૌલોમીની મદદ કરી. દીવો પ્રજ્વલિત થયો. અંધકારભર્યા રૂમમાં પ્રકાશ ફેલાયો. માની તસ્વીર, પૌલોમીની આંખો એ પ્રકાશમાં ચમકી ઊઠી. અને એણે માને મનોમન કહ્યું : “મા, આજે મેં બે દીપ પ્રગટાવ્યા. એક આપણા ઘરમાં અને એક પૌલોમીના જીવનમાં. તું ખુશ છે ને મા ?”
.
તસ્વીર બની ગયેલી માનું મોં બે દીપના ઉજાસમાં હસી રહ્યું.
.
( હિના પારેખ “મનમૌજી” )