વીર શહિદ કેપ્ટન નિલેશ સોની



જગતના સૌથી ઊંચા અને દુર્ગમ રણમેદાન સિઆચેન ખાતે ૩૦ વર્ષ પહેલા ગુજરાતી યુવાન કેપ્ટન નિલેશ સોનીએ શહિદી વહોરી હતી. આજે એટલે કે ૧૨મીએ ફેબ્રુઆરીએ તેમની શહાદતને બરાબર ૩૦ વર્ષ પૂર્ણ થયા. જો કે વતન માટે મરી ફીટવાની એ અદ્વિતિય અને અનોખી પરાક્રમગાથાથી ઘણા ખરા ગુજરાતીઓ અજાણ છે. સિઆચેન મોરચે લડત આપતા કેપ્ટન સોની ૧૯૮૭ની ૧૨મી ફેબ્રુઆરીએ ૨૦ હજાર ફીટ ઊંચા પહાડી રણમેદાનમાં શહિદ થયા હતા.
હિમાલયમાં ૨૧ હજાર ફીટ ઊંચે આવેલી સિઆચેન હિમનદી પર પાકિસ્તાન કબજો જમાવવા માંગતું હતું. તેને અટકાવવા ભારતીય લશ્કરે ૧૯૮૪માં ઓપરેશન મેઘદૂતનો આરંભ કર્યો હતો. ચારેક વર્ષ સુધી ચાલેલા એ જંગ દરમ્યાન કેપ્ટન નિલેશને ૧૯૮૬ના ડિસેમ્બરમાં સિઆચેન ચોકી પર પોસ્ટીંગ મળ્યું હતું. શિયાળામાં આપણે ત્યાં દસ-પંદર ડીગ્રી તાપમાન હોય એ વખતે સિઆચેન ખાતે માઈનસ ૫૫ ડીગ્રી સુધી તાપમાન પહોંચી જતું હોય છે. તાજેતરમાં જ સિઆચેન વિશે પ્રગટ થયેલા પુસ્તક “આ છે સિઆચેન”માં હર્ષલ પુષ્કર્ણાએ નોંધ્યું છે કે સિઆચેન સરહદ આખા જગતમાં સૌથી આકરી છે. ત્યાં નક્કર જમીન ન હોવાથી કોઈ કાયમી ચોકી બાંધી શકાતી નથી. સતત થતી બરફવર્ષા વચ્ચે જવાનોએ અહીં ૯૦ દિવસ સુધી રહેવાનું હોય છે. એ દરમિયાન તેમનું દસ-પંદર કિલોગ્રામ વજન ઘટી જાય એ નક્કી હોય છે. એવા વિષમ મોરચે કેપ્ટન સોનીને ઓપરેશન મેઘદૂત હેઠળ મોકલવામાં આવ્યા હતા.
સિઆચેન જતાં પહેલા કેપ્ટન સોનીએ ઘરે પત્ર લખ્યો હતો કે હવે હું વધારે દુર્ગમ સ્થળે જઈ રહ્યો છું. માટે મારા પત્રો તમને કદાચ મળશે નહીં. ઘરના સભ્યોને લખેલો એ પત્ર તેમનું છેલ્લું સંભારણું બની રહ્યું. કેમ કે પાકિસ્તાન દ્વારા નિયમિત રીતે થતા તોપમારામાં ૧૨મી ફેબ્રુઆરીના દિવસે કેપ્ટન સોની શહિદ થયા હતા. શહિદ થતાં પહેલાં કેપ્ટન સોની અને તેમના સાથીદારોએ પણ પાકિસ્તાન તરફ સંખ્યાબંધ પ્રહારો કર્યા હતા. પરંતુ પાકિસ્તાની તોપનો એક ગોળો શિખર પર ફાટ્યો હતો. એ સાથે જબરફ ફસકી પડતાં તેની નીચે કેપ્ટન સોની સહિતના સાથીદારો બરફ નીચે દટાઈ ગયા હતા. તેમની શહાદત માટે તેમને સિઆચેન ગ્લેશિયર મેડલ સહિતના સન્માનો આપવામાં આવ્યા હતા.
મૂળ વિરમગામના કેપ્ટન સોનીનો જન્મ ડેપ્યુટી કલેક્ટર હરજીવનદાસ ચત્રભુજ સોની અને કલાવતીબેન સોનીના ઘરે તા. ૧૯ જુલાઈ, ૧૯૬૨ના દિવસે અમદાવાદના પાલડી વિસ્તારમાં થયો હતો. તેઓ હરજીવનદાસના સોથી નાના સંતાન હતા. પાલડીની શીશુવિહાર બાલમંદિર સ્કુલ અને સી. એન. વિદ્યાલયમાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે બાલાચડી સૈનિક સ્કુલમાં અને એ પછી ખડકવાસલા ખાતે આવેલી નેશનલ ડિફેન્સ એકેડેમીમાં તાલિમ લીધી હતી. તે જમાનામાં પોતાના સંતાનને દૂર ભણવા મૂકવાની પણ માનસિકતા ન્હોતી અને તે પણ લશ્કરી સ્કુલમાં મૂકવાનું કેપ્ટન સોનીના માતા-પિતાએ આ હિંમતભર્યું પગલું લીધું હતું. ખુદ કેપ્ટન સોનીને પણ બાળપણથી લશ્કર તરફ એક લગાવ હતો.
૧૨મા સુધી અભ્યાસ પૂર્ણ કરી કેપ્ટન સોનીએ નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા પાસ કરી ખડકવાસલા ખાતે પોતાની તાલીમનો પ્રારંભ કર્યો. ૧૯૮૪માં રેગ્યુલર કમિશન્ડ ઓફિસર તરીકે ૬૨, ફિલ્ડ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે નિયુક્તિ મેળવી. કેપ્ટન સોનીએ પોતાના ફરજકાળ દરમ્યાન કાશ્મીર, શ્રીનગર અને લેહમાં પોતાની ફરજ બજાવી હતી.
બહુ ઓછા ગુજરાતી યુવાનો સૈન્યમાં ભરતી થાય છે. તેમાંથી બહુ ઓછાને સિઆચેન જેવા દુર્ગમ સ્થળે ફરજ બજાવવાનો લ્હાવો મળે છે. કેપ્ટન સોની તેમાંના એક હતા. શહિદી પછી તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ દેહને ત્રિરંગામાં વિંટાળીને અમદાવાદ લવાયો હતો. અહીં લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહીને લશ્કરી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી હતી.
કેપ્ટન સોનીની શહાદત પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેપ્ટન સોની જ્યાં રહેતા હતા તે માર્ગને કેપ્ટન નિલેશ સોની માર્ગ જાહેર કરવામાં આવ્યો. તેમના ઘરની નજીક પાલડી ભઠ્ઠા વિસ્તારમાં અંજલી બી.આર.ટી.એસ સામેજ કેપ્ટન સોનીનું સ્મારક આવેલું છે.
આભાર : કેપ્ટન સોની વિશેની માહિતી અને ફોટોગ્રાફ્સ કેપ્ટન સોનીના મોટાભાઈ શ્રી જગદીશભાઈ સોની થકી મેળવી શકી છું. કેપ્ટન સોની જેવી વ્યક્તિ વિશે “મોરપીંછ” પર પોસ્ટ મૂકવાની પરવાનગી આપવા બદલ હું તેમનો આભાર માનું છું.