Tag Archives: પ્રાર્થના

અવકાશ – રાજેન્દ્ર પટેલ

એ ફેલાયેલો હોય છે

મારી ચોફેર, શર્ટની જેમ

અને છતાં પકડાતો નથી બટનની માફક.

*

એક વાર એક ખરતું પાંદડું ઊડતું ઊડતું

મારી ઉપર બેઠું

એની પાછળ પાછળ જાણે ઊતરી આવેલો

આખેઆખો એ,

પળમાં કરતો માટી અને મને એકાકાર

*

આંખમાં જાણે દૂરબીન બની

દૂર દૂર એને માંડ દેખે

ત્યારે ઘણી વાર જોવા મળે એની લીલા

અને આખેઆખું આભ ઊતરી આવે ભીતર.

*

એ જાણે

મારી અંદર વહેતો હોય શ્વાસ બનીને

અને કોષેકોષમાં એ વિસ્તરે છે

મારી અંદર

એટલે જ કદાચ એ દેખાતો નથી

છતાં અનુભવાય છે સતત.

*

વરસતાં ફોરામાં

અગણિત આકાશ ઊતરી આવે છે

મારા નાના આંગણામાં,

એમ એ ઊતરી આવે છે દરેક ક્ષણે

મારા પંડમાં.

*

એ છે

મારી અંદર એટલો જ મારી બહાર

છતાં એના અસ્તિત્વ માટે

મારા અસ્તિત્વનો લોપ કરવા

જીવું છું.

*

બાપાજી હવે નથી

બા પણ નથી

કાલે કદાચ હું પણ નહીં હોઉં

છતાં એ હશે આકાશની જેમ

અમારી સાથે

સદા.

*

હાથ લંબાવું હું દર્પણ તરફ

એમ એ હાથ લંબાવી ઊભો છે

મારી તરફ.

બસ

લંબાવું હાથ સહેજ

અને બધું એક…

.

( રાજેન્દ્ર પટેલ )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

પ્રાર્થના,

જે પ્રાપ્ત, તેની પ્રસન્ન પહોંચ

એ જ પ્રાર્થના !

પ્રત્યેક પળમાં પરમની

પ્રગટ હાજરીનાં

અહેસાસનો શબ્દોચ્છવ

એ જ પ્રાર્થના.

એકત્વના આરાધનની

અખંડ આનંદધારા

એ જ પ્રાર્થના !

 .

તું વાદક, વાંસળી અમે !

 .

(૨)

ધર્મ,

વ્યવહારે ઉઠતી અને

વિશ્વે ફેલાતી વિવેક સુગંધ

એ જ ધર્મ.

શૂન્ય સ્વથી અસીમ સર્વેશ્વર

ભણીની ગતિનું યાત્રાગાન

એ જ ધર્મ

પ્રકૃતિ, પુરુષ, પદાર્થ

અને પ્રાણીમાં વિલસી રહેલ

પરમને પૂર્ણે પામવા

એ જ સ્નેહધર્મ !

 .

તું ધર્મધજા, દંડ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )