જગતમાં મહેરબાની હું ખુદાની લઈને આવ્યો છું,
વ્યથાઓ એટલે તો હદ વિનાની લઈને આવ્યો છું.
હવે તો દૂર થઈ જાશે તમારા દિલની શંકાઓ,
લૂટાવા આજ મહેફિલમાં જવાની લઈને આવ્યો છું.
કયા આધાર પર બાંધુ જગત હું મિત્રતા તુજથી,
અહીં જ્યારે હું ફાની જિંદગાની લઈને આવ્યો છું.
થયું સર્જન ઈબાદત માટે સર્જનહારની મારું,
બની બંદો પયામે બંદગાની લઈને આવ્યો છું.
વફાનો પાઠ દેવાને તને ઓ બેવફા આજે,
હું દીપક ને પતંગાની કહાની લઈને આવ્યો છું.
કરું ને ના કરું શું ચાર દિનની જિંદગાનીમાં,
જીવન ટૂંકું ઉમીદો હદ વિનાની લઈને આવ્યો છું.
કવિ છું ‘નાઝ’ હું ઊડતો રહું છું કલ્પના-પાંખે,
જગતપટ પર વિચારો આસમાની લઈને આવ્યો છું.
( “નાઝ” માંગરોળી )
