તમે પહેલા વરસાદથી લથબથ તળાવ
અમે સુક્કી ધરતીની તિરાડ
તમે રાજમાર્ગ જેવા સીધા ને સરળ
અમે મારગમાં મૂકેલી આડ.
અમે ગીતનો અધૂરો ઉપાડ.
તમે નાનકડા સસલાનું ભોળું આકાશ
અમે ટહુકા પર તાકેલું તીર,
તમે પગલાંમાં પહોંચો દૂર દૂર દેશ
અમે પગમાં બાંધેલી જંજીર.
તમે દરિયાની સામે ઊઘડતી બારી
અમે ભવભવથી ભીડ્યાં કમાડ.
તમે લીલાછમ ઘાસ પર આછો સંચાર
અમે વાંસળીનો તરડાતો સૂર,
તમે કરુણાના સાગરની શીતળ લહેર
અમે પગથી તે મસ્તક લગ ક્રૂર.
તમે છોડ પર ઊગેલું પહેલું ગુલાબ
અમે કાંટાળા થોરની વાડ.
તમે વાદળ બનીને બધે વિસ્તરતા જાઓ
અમે બેઉ પગે લંગડાતા માણસ,
તમે ઝળહળતા દીવાઓ સોનલ અજવાસ
અમે તૂટી ગયેલું કોઈ ફાનસ.
તમે બળબળ ઉનાળાનો રાતો ગુલમોર
અમે ચિતામાં ખડકેલું ઝાડ,
અમે ગીતનો અધૂરો ઉપાડ.
( હિતેન આનંદપરા )
KHUB SHURSH VARSHD NU VRAN. ANE AM KOE ADBHUT MAHAK CHA DHARTI NI.