પ્યાલો પીધો ઘટક ઘટક

મીરાંએ પ્યાલો પીધો ઘટક ઘટક
પળમાં મીરાં ઢળી જશે ને
પ્રાણ વહી જાશે અટક અટક
મીરાંએ પ્યાલો પીધો ઘટક ઘટક.

પ્યાલો પીને હસતી મીરાં
ઠાકોર મંદિર ચાલી,
સાધુ-સંત-ભક્તની સાથે
હરિકીર્તનમાં મહાલી.
પાય ઘૂંઘરું બાંધી મીરાં
નાચી રે ભાઈ લટક લટક.
મીરાંએ પ્યાલો પીધો ઘટક ઘટક.

મંદિરની લહેરાતી ધજામાં
લોકલાજ ફરકાવી !
આતમદીપનાં અજવાળામાં
સંસાર દીધો સળગાવી.
કામ-ક્રોધ-મદ-લોભ-મોહને
માર્યા મીરાંએ પટક પટક !
મીરાંએ પ્યાલો પીધો ઘટક ઘટક.

મીરાં વિણ મેવાડ-મારગે
સૂનાં ઝાડવાં ઝૂરે,
ગઢનાં કાંગરા, મહેલ અટારી,
છાનાં છાનાં ઘૂરે !
રાત પડે રાણાની આંખે
મીરાં ખટકે ખટક ખટક !
મીરાંએ પ્યાલો પીધો ઘટક ઘટક.

( કલાધર વૈષ્ણવ )

3 thoughts on “પ્યાલો પીધો ઘટક ઘટક

  1. અરે વાહ! કાલે સવારે ઘરે ભજનો ની એક સીડી સાંભળતો હતો એમાં આ જ પ્રાસમાં આવતું (કે પછી આ જ ) ભજન માં મજા આવી ગઈ હતી, આય મ નોટ શ્યોર બટ શાયદ નીરંજન પંડયાનો અવાજ છે, કાલે ફરીથી સાંભળીને કન્ફર્મ કરીશ કે આ જ શબ્દો હતા કે અલગ.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.