એનું સ્મરણ

સહેજ અમથું બહાનું ને આવી ચડે એનું સ્મરણ
એક ક્ષણ ખાલી, બીજી ક્ષણને અડે એનું સ્મરણ-

ભાર આખા ભવનો લઈને હું ભમું આ જગ વિશે
જ્યાં જઉં ત્યાં માર્ગમાં બસ આથડે એનું સ્મરણ-

મારી એકલતામાં એની એટલી વસ્તી સભર
સહેજ પણ જગ્યા થતામાં દડબડે એનું સ્મરણ-

જિંદગી સાથે જ ના-એ જીવ સાથે છે જડાયું
જીવ મૂંઝાતાં જરા આવી પડે એનું સ્મરણ-

કોઈ ઘટના, કોઈ વ્યક્તિ કે વળી વસ્તુ વિશે
ચિત્ત જ્યાં સંચાર કરતું ત્યાં જડે એનું સ્મરણ-

હું જ મારો સાથ છોડીને જઈશ ચાલ્યો કદી
ત્યાં સુધી તો જીવશે મારા વડે એનું સ્મરણ-

એ નથી-એના વિશેની વારતા પ્રસર્યા કરે
ને સતત આંતર ચિતા શું ભડભડે એનું સ્મરણ-

( હેમંત દેસાઈ )

3 thoughts on “એનું સ્મરણ

  1. દડબડવું અને દડદવું – આ બે શબ્દોના અર્થમાં સૂક્ષ્મ ફરક છે. કવિ શેરમાં જે કહેવા માંગે છે એમાં દડબડે કરતાં દડદડે વધારે અભિપ્રેત હોય એમ લાગે છે…

  2. sunder gazal.

    smaranoni vaat aave etle kahu.

    ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર,

    રૂપથી રૂપેરી નદી તારા જ સ્મરણો લાવશે…….સ્મરણો લાવશે
    Sapana

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.