Skip links

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

   

સાચા સેવકને સેવા કરતાં જે આનંદ મળે છે તે ખરું જોતાં પ્રેમાનંદ હોય છે. સાચા શિક્ષકને ભણાવતાં જે સુખ થાય છે તે પણ પ્રેમાનંદ જ છે. કુદરત-ઘેલો જ્યારે કશા હેતુ વગર રખડે છે ત્યારે એને જે કલાત્મક આનંદ થાય છે તેની પાછળ પણ વિરાટ પ્રેમાનંદ જ હોય છે. જ્યારે હું ગુજરાતીમાં લખું છું ત્યારે મારા નાનામોટા વાચકો સાથે હું એક રીતે વાતો કરું છું એ ખ્યાલથી, અને એટલા પૂરતો બધા લોકો સાથે હું અભેદ અનુભવું છું એ રસથી મને આનંદ થાય છે. મેં જોયું છે કે આ ઓતરાતી દીવાલોએ મારે માટે અનેક ઘરનાં બારણાં ખુલ્લાં કર્યાં છે; અને અનેક હ્રદયમાં મને પ્રવેશ આપ્યો છે. 

આ લખાણમાં ઉપદેશ નથી, પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્વત્તા નથી; કેવળ અનુભવની, સુખદુ:ખની અને કલ્પનાની આપલે છે. અને વિશેષ તો ખુશમિજાજી છે. ખરેખર, દુનિયા મારાથી અકળાઈ હોય તો ભલે પણ હું દુનિયાથી અકળાયો નથી. દુનિયા ભલી છે, દુનિયાએ મને પ્રસન્ન રાખ્યો છે; મારું ભલું જ કર્યું છે; અને મને જીવવા પૂરતો અવકાશ આપ્યો છે. જેલમાં જ્યાં ગેરસમજ, ગેરઈન્સાફ અને હેરાનગત જ હોય છે ત્યાં પણ મારી દુનિયા મને પ્રિય જ લાગી છે.

                                                                                                       -કાકાસાહેબ કાલેલકર

જેલવાસના દીવસોને કાકાસાહેબે પ્રેમાનંદથી માણ્યા હતા. જેલની અંદરની મનુષ્ય સિવાયની સજીવ સૃષ્ટિની દિનચર્યાનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. કાગડો, કાબર, કબુતર, ચકલી, હોલા, સમડી, નીલકંઠ(ચાસ પક્ષી), સારસ, કીડી, મંકોડા, માકડ, વંદા, કાનકજૂરા, પતંગિયું, ગરોડી, દેડકો, બિલાડી, વાંદરા, ખિસકોલી, પીપડો, અરીઠાનું ઝાડ, તુલસીનો છોડ, બારમાસી, લીમડો, જાંબુડાનું ઝાડ.…વગેરેનું માત્ર અવલોકન ન કર્યું પણ તેની સાથે તાદાત્મ્યપન અનુભવ્યું. અને એ વિશે આ પુસ્તિકામાં ખૂબ જ સરળ શૈલીમાં આલેખન કર્યું છે. નાનકડી પણ વાંચવા ગમે એવી આ પુસ્તિકા છે.

કાકાસાહેબની કલમે આ પુસ્તિકામાંથી જ એક ઝલક મેળવીએ…

હું માનતો કે કોયલ પોતાનાં ઈંડાં કાગડા પાસે સેવાવે છે એ કેવળ કવિકલ્પના હશે. શાકુન્તલમાં જ્યારે વાંચ્યું अन्यैद्विजै: परभृत पोषयन्ति ત્યારે કાલિદાસે લોકવહેમનો ઉપયોગ કર્યો છે એમ જ મેં માનેલું. પણ જેલમાં જોયું કે કાગડા સાચે જ કોયલનાં બચ્ચાંને ઉછેરે છે. જ્યાં ત્યાંથી ખાવાનું આણીને બચ્ચાંને ખવડાવે અને તેમને લાડ લડાવે. પણ થોડા દિવસમાં સંસ્કૃતિનો ઝગડો શરૂ થયો. કાગડાને થયું કે બચ્ચાંને ખવડાવીએ તેટલું બસ નથી, આપણી સુધરેલી કેળવણી પણ તેને આપવી જોઈએ. એટલે ખાસ વખત કાઢી માળા પર બેસી કાગડો શિખવાડે, બોલ કા…. કા …. કા. પણ કોયલનું પેલું કૃતઘ્ન બચ્ચું જવાબ આપે, કુઊ…. કુઊ…. કુઊ. કાગડો ચિડાઈને ચાંચ મારે અને ફરી કેળવણી શરૂ કરે, કા…. કા …. કા. પણ આમ કોયલ કંઈ પોતાની સંસ્કૃતિનું અભિમાન છોડે? એણે તો પોતાનું કુઊ…. કુઊ જ રટવા માંડ્યું. કાગડાની ધીરજ ખૂટી ત્યાં સુધીમાં કોયલનું બચ્ચું પગભર-અથવા સાચું કહીએ તો પાંખભર-થયું હતું. કાગડાની બધી મહેનત છૂટી પડી. મને લાગે છે કે કાગડો હિંદુસ્તાની હોવાથી તેણે નિષ્કામ કર્મ કર્યાનું સમાધાન તો જરૂર મેળવ્યું હશે : यत्ने कृते यदि न सिध्यति कोत्र दोष:I 

 

એમ ન હોત તો કાગડો દર વર્ષે એ ને એ જ અખતરો ફરીફરીને શું કામ કરત? શામળભાઈ કહે, આ કોયલનાં બચ્ચાં જેટલી પણ અક્કલ આપણા અંગ્રેજી ભણેલાઓમાં હોત તો તેઓ ઘરમાં અંગ્રેજીમાં ન બોલત.   

 

ઓતરાતી દીવાલો-કાકાસાહેબ કાલેલકર

પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર

પૃષ્ઠ: ૯૯

કિંમત: રૂ. ૩૦.૦૦

Leave a comment

  1. હિનાબેન,
    મજાનો પરિચય.
    મેં સહુથી પહેલા કોઈ લેખકના દર્શન કર્યા હોય તો તે શ્રી કાકાસાહેબ.
    1966ની આસપાસની વાત છે. સાવરકુંડલા મુકામે વિદ્યાર્થી અવસ્થામાં દૂરથી જ સાંભળીને આનંદ લીધેલો.

  2. એમ ન હોત તો કાગડો દર વર્ષે એ ને એ જ અખતરો ફરીફરીને શું કામ કરત? શામળભાઈ કહે, ‘આ કોયલનાં બચ્ચાં જેટલી પણ અક્કલ આપણા અંગ્રેજી ભણેલાઓમાં હોત તો તેઓ ઘરમાં અંગ્રેજીમાં ન બોલત’. “ = આમાં બધુ જ આવી ગયું..પણ જો આપણામાં અક્કલ હોય તો…

    1. ટિપ્પણમાં શામળભાઈ વિશે માહિતી આપવામાં આવી છે કે – “એક સમયના આર્યસમાજી કાર્યકર્તા. ખેડા જિલ્લાના મહાસભાના સેવક.”

  3. ‘આ કોયલનાં બચ્ચાં જેટલી પણ અક્કલ આપણા અંગ્રેજી ભણેલાઓમાં હોત તો તેઓ ઘરમાં અંગ્રેજીમાં ન બોલત’.

    સાચી વાત. સચોટ ઉદાહરણ.

  4. gr8…. I love d line…

    ‘આ કોયલનાં બચ્ચાં જેટલી પણ અક્કલ આપણા અંગ્રેજી ભણેલાઓમાં હોત તો તેઓ ઘરમાં અંગ્રેજીમાં ન બોલત’.

  5. ‘આ કોયલનાં બચ્ચાં જેટલી પણ અક્કલ આપણા અંગ્રેજી ભણેલાઓમાં હોત તો તેઓ ઘરમાં અંગ્રેજીમાં ન બોલત’

  6. કોયલના બચ્ચા જેટલી અક્કલ !!! આ નૈસર્ગિક આત્મમૂલક સમજ આજનો માનવ ખોઈ બેઠો છે અક્કલમાં તેને નકલ ખપે છે અને પોતાનું જે કઈ છે તેમાં નાનમ લાગે છે તેથી જ પોતાનો ગુર્જરી ટહૂકો ગુમાવતો જાય છે….ખુબ સુંદર વાત હિનાબેન તમે આ પુસ્તક દ્વારા દર્શાવી માટે આપનો ખુબ ખુબ આભાર.

  7. Post comment

    જિનદત્ત શાહ says:

    આપણા અંગ્રેજી પ્રેમી ગુજરાતીઓ પણ બચ્ચાંઓને પરદેશી માળાઓમાં સમૃધ્ધ કરવાની ઘેલછામાં માતૃભાષાની અવહેલના જ કરી રહ્યા છે ને?

  8. hu guj maa type kari shakto nathi, tethi aa rite…. guj bhaashaa maate ni sabhaantaa maate sars FEED … khud kaka kalelkar mule maraathi chhataa SAVAYAA GUJ BANYAA. EVI RITE FATHER WALLACE…. CHALO APNE GUJ NI BARI MAATGI DUNIYAA JOEYE !!

  9. મર્મવેધી લખાણ છે. વિનયભાઈની ટિપ્પણી સાથે સંમત. પણ ગુજરાતી સાહિત્યકારોથી માંડીને પત્રકારો અને કટારલેખકો પોતે જ અંગ્રેજી શબ્દ જે ચલણી ન હોય તેને વાપરીને લેખવૈભવ સર્જવાનો પ્રયાસ કરે છે અને તે રીતે એ શબ્દોને લોકપ્રિય અને ચલણી બનાવે છે. એટલે પછી તે લોકબોલી અને તે રીતે ભાષામાં પણ રૂઢ થતા જાય છે. પણ ભલું થજો આ ઇન્ટરનેટ, બ્લોગ અને યુનિકોડ બનાવનારાનું જેના લીધે ગુજરાતી ભાષાને નવો પ્રાણવાયુ મળ્યો છે.

  10. Nice Book Review !
    Revisted after some time…
    DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com
    Heenaben Not seen you on Chandrapukar…inviting you to read a Post on VIjay Shah & other Posts Hope to see you soon !

  11. ==

    કાગડી કે કાગડો બચ્ચાને કાં કાં કાં શીખડાવે છે એમ આપણી ભણેલી માતા આપણને શું શીખડાવે છે?

    ટુંકમાં આ ભણેલી માતા કાં કાં કાં ન શીખડાવે એતો અંગ્રેજીમાં જ ક્રો, ક્રો, ક્રો શીખડાવે.