ફેલાઈ ગઈ’તી રાત, પણ દીવો થયો નહીં;
મેં આદરી’તી વાત, પણ દીવો થયો નહીં.
.
નભ-માંડવેથી કોઈ સમેટી રહ્યું હતું
તારાઓની બિછાત, પણ દીવો થયો નહીં.
.
વેળા થઈ’તી મંગળા દેવારતીની લ્યો !
મ્હોર્યુંતું પારિજાત, પણ દીવો થયો નહીં.
.
અજવાળું વાટ જોતું હતું ઘરની આડશે;
ધાર્યું કરી શકાત, પણ દીવો થયો નહીં.
.
મનમાં તો ભાવ, શબ્દ અને લયનો હણહણાટ;
નક્કી ગઝલ લખાત, પણ દીવો થયો નહીં.
.
( ભગવતીકુમાર શર્મા )
સુંદર ગઝલ અને રદિફ પણ નવો જણાયો…
ચોથા શેરમાં મને લાગે છે ટાઇપિંગ એરર છે,આડાશ ને બદલે આડશ હોવું જોઇએ.