નબળી ક્ષણોમાં વધુમાં વધુ શું કરી શકાય ?
બહુ બહુ તો આંખો પટપટાવી શકાય;
અથવા
કોઈ ગહન વિચારમાં જાત ડૂબી ગઈ હોય
તેવી
મુખમુદ્રા ધારણ કરી શકાય;
અથવા
કોઈ પ્લેટફોર્મના બાંકડે બેઠાં બેઠાં
માઈક પરથી થતી કોઈ Announcement
સાંભળી શકાય.
એ પણ ખરું; નબળી ક્ષણોમાં થોડીક
નબળાઈ છોડી શકાય !
-ક્યારેક કોઈક હાઈ-વે પર બેસીને;
ટ્રક-બસ-કાર સહિતના વાહનોની
અવરજવર નિહાળીને ક્યારેક વિચારી
શકાય કે ક્યારેક ક્યારેક
આપણી અંદર પણ આવી જ અવરજવર
ચાલતી હતી વિચારોની !
.
વિચારોનાં વાહનો
એકમેકને Overtake કરતાં અકસ્માતો પણ કરી બેસતાં
હતાં ક્યારેક ક્યારેક !
વિચારોની ટક્કરમાં ઘાયલ થઈને,
પાટાપીંડી કરવાની મજા પણ કૈંક ઔર હોય છે !
આવું બધું કરતાં રહેવાથી;
ક્યારેક આનંદની લાગણી પણ થઈ આવે ખરી !
આનંદ આવ્યો એટલે
જાણે કે થયો, શક્તિનો સંચાર !
આવી શક્તિથી હું મારી થોડીક
નબળાઈઓ
છુપાવી શક્યો છું !
નબળી ક્ષણોમાં બીજું તો વધારે શું થઈ શકે ?
આ પીડાને
ભોગવ્યે જ છુટકો !
.
( પ્રફુલ્લ પંડ્યા )
સુંદર વાત લાવ્યા છે પફુલ્લભાઇ…
વિચારોની ટક્કર અને એને વળી પાટાપીંડી કરવાની વાત સ્પર્શી ગઈ….વાહ!
LikeLike
સુંદર વાત લાવ્યા છે પફુલ્લભાઇ…
વિચારોની ટક્કર અને એને વળી પાટાપીંડી કરવાની વાત સ્પર્શી ગઈ….વાહ!
LikeLike