Skip links

નમસ્તસ્યૈ નમો નમ: (૩)

3

.

હે, મા! અમારી આંખો અને કાન ખૂલ્લાં છે છતાંય અમને દેખાતું કે સંભળાતું કેમ નથી ? અમે જોવાનો અને સાંભળવાનો ડોળ તો જરૂરથી કરીએ છીએ પણ જે ખરેખર જોવાનું અને સાંભળવાનું છે એ તો અમે જોતાં કે સાંભળતાં જ નથી.

.

સવારે ઉઠીએ ત્યારે ઉષાને નિહાળવાનું તો ચૂકી જ જવાય છે. સૂર્યોદય એ રોજની ઘટના હોઈ અમારી આંખો રોમાંચથી છલકાઈ નથી જતી. સૂર્યાસ્ત સમયે અમે એવાં અટવાયેલાં હોઈએ છીએ કે અમારે મન આથમતા એ સૂરજની કોઈ કિંમત જ નથી. મા ! કલકલ વહેતા ઝરણાને, સાગરની લહેરોને, ખીલતાં પુષોને, ડોલતાં વૃક્ષોને, પાંગરતી લતાઓને, કલરવ કરતાં પક્ષીઓને, પ્રકાશ અને હવાને અને તારા તેમજ ચંદ્રને અમે ક્યાં જોઈએ કે સાંભળીએ છીએ ?

.

મા ! અમને ભૂખ યાદ આવે છે પણ પાચનની પ્રક્રિયાને ભૂલી જઈએ છીએ. નોકરી અને ધંધાની હાયવોયમાં તારી હાજરીને વિસરી જઈએ છીએ. રૂપિયા કમાવવાની લાલચમાં લક્ષ્મીનું સાચું સ્વરૂપ પણ અમને યાદ રહેતું નથી.

.

અમારી દિનચર્યા પણ અમને વિસ્મય પમાડે તેવી છે. સવારથી મોડી રાત સુધી દોડધામ કરીને થાકી જઈએ ત્યારે પથારીમાં ઢગલો થઈ જઈએ અને સવારે ઉઠીએ ત્યારે આળસ મરડવાની સાથે અહંકારને લઈને પથારી છોડતાં અમે કોણે સૂવાડ્યા અને કોણે જગાડ્યાં એનો વિચાર કરતાં નથી.

.

સ્વભાવવશ અમે અમારા સંબંધોને કેવા સ્વાર્થી બનાવી દીધા છે ! અમે દરેક સંબંધોને કોઈને કોઈ નામ તો જરૂર આપીએ છીએ પણ એમાંના ભાવને ભૂલી જઈએ છીએ.

.

મા ! તારી પાસે આ છે અમારી ઓળખાણ ! બજારમાંથી નાળિયેર ખરીદીને સીધું ખાવામાં અને એ જ નાળિયેર તારા ચરણોમાં ધરાવી પ્રસાદરૂપે આરોગવામાં આખી મીઠાશ બદલાઈ જાય છે તેમ અમે સાંભળ્યું છે કે શરીરની વિવિધ ઈન્દ્રિયો દ્વારા થતાં કાર્યો જો તારે કાજ કરવામાં આવે તો એ કાર્યોનું પરિણામ પણ બદલાઈ શકે છે. જીવન આખું સુવાસિત બની જાય છે.

.

દેવતાઓ તારું સ્મરણ કરતાં બોલે છે :

.

कल्याण्यै प्रणतां वृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नम:

नैऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै ते नमो नम:

.

શરણાગતોનું કલ્યાણ કરનારી સિદ્ધિરૂપા દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. રાક્ષસોની લક્ષ્મી નૈઋતી, રાજાઓની લક્ષ્મી તથા શિવપત્ની શર્વાણી સ્વરૂપા જગદંબા તને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમારી સર્વે ઈન્દ્રિયોની શક્તિ તારે કાજ વહે એવી અમને બુદ્ધિ બક્ષજે કે જેથી કુબુદ્ધિ, કુમતિ અને કુકાર્યોથી દૂર રહેવાની અમારી સમજણ ખીલે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

Leave a comment