તડકો ભલે ને – સાહિલ

શિર ઉપર તડકો ભલે ને ધોમ છે

ફૂલથી લથબથ ભીતરની ભોમ છે.

.

કોઈ પણ વાતે નથી એ માનતી

કામનાની શું હઠીલી કોમ છે.

.

આહુતિ સુખની સતત માંગ્યા કરે

આપણો અવતાર છે કે હોમ છે.

.

એટલે તો હોઉં છું મદહોશ હું

છે હવા સાકી ને શ્વાસો સોમ છે.

.

તોય ઈર્ષા બેઉ જગ કરતાં રહ્યાં

સાહ્યબીમાં તો અમારે ઓમ છે.

.

પાર એનો પામશું કેવી રીતે !

આંખમાં આખ્ખુંય ‘સાહિલ’ વ્યોમ છે.

.

( સાહિલ )

3 thoughts on “તડકો ભલે ને – સાહિલ

  1. આહુતિ સુખની સતત માગ્યા કરે
    આપણો અવતાર છે કે હોમ છે.
    બહુ સરસ

  2. કવિશ્રી સાહિલની સુંદર ગઝલ લાવ્યા તમે….-અભિનંદન.
    સુખની આહુતિવાળો શેર વધારે ગમ્યો.
    જોકે આપણો અવતાર છે કે હોમ છે પછી પ્રશ્નાર્થચિહ્ન મૂકવું જોઇએ,મને એવું લાગે છે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.