મંઝિલ (ત્રણ કાવ્યો)-જયંત દેસાઈ Dec31 (૧) મ્હારાં બધાં બારીબારણાં ખુલ્લાં રાખીને, મનોરમ હેંગરો પરથી રસ્તાઓને આકર્ષક રીતે લટકાવીને હું ટાંપીને બેસી જ રહું છું. કોઈ બિચારી, ભલી-ભોળી મંઝિલ, લલચાઈને ડોકાવે એટલી જ વાર… . (૨) હાં, દોસ્ત!! મને ય તારી જેમ જ મંઝિલોના ‘કલેક્શન’નો શોખ છે. અદલાબદલી કરવાનું મન પણ ઘણું થાય છે, પણ શું કરું ? કમ-સે-કમ કોઈ પણ બે તો સરખી નીકળવી જોઈએ, ને ?!!! . (૩) જ્યારે જ્યારે, હું જેવું પગલું માંડું, ને રસ્તો ઝાડની બખોલમાં ભરાઈ જાય… ત્યારે ત્યારે મને થઈ આવે છે : ‘મારી મંઝિલોનો ઉદ્ધાર કદી થઈ શકવાનો નથી કદાપિ નહીં…’ . (જયંત દેસાઈ)