ગઝલ ગુચ્છ-૧૬ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

ભાંગશે ભવભવની ભાવઠ મોકલું છું,

શબ્દના લે તીર્થ અડસઠ મોકલું છું.

.

કૈંક રાતોએ સિતારાઓ મઢ્યા છે,

એ જ એકલતાનો બાજઠ મોકલું છું.

.

યાદના શ્લોકો ને સ્મરણોની ઋચાઓ,

એ અનાદિ કાળનો મઠ મોકલું છું.

.

પ્રાણને ઈચ્છા કદી ના થાય અમથી,

કોણ પાંચમની કરે છઠ મોકલું છું.

.

ગામ તો “મિસ્કીન” કરીને જાય હિજરત,

જાય ક્યાં કાંઠા સૂકાભઠ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

.

ગઝલ ગુચ્છની “મોકલું છું” રદીફ વાળી ૧૫ ગઝલો આપણે ક્રમશ: માણી. આ ગઝલ ગુચ્છ વિશે રાજેશભાઈ કહે છે છે કે..”આ ગઝલ ગુચ્છની ગઝલો એક સાથે જ આવેલી છે. ૭મી મેની એ રાત હતી જ્યારે પ્રથમ ગઝલ આવી. છેલ્લી ગઝલ લખાઈ ત્યારે મ્હોંસૂઝણું થવા આવ્યું હતું. આ  ગઝલોના કાફિયા ભિન્ન છે. કાફિયાઓથી લઈને સમગ્ર સર્જનપ્રક્રિયા મારે માટે તે રાતે આશ્ચર્યજનક રહી છે. આગ જે લાગી છે ઘટઘટ મોકલું છું. આગ જે લાગી છે નસનસ મોકલું છું. આ બે પંક્તિમાં પુનરુક્તિ દોષ ગણાય. મારી દ્રષ્ટિએ ગમતા દોષ ક્ષમ્ય દોષ છે. આથી રહેવા દીધા છે.”

2 thoughts on “ગઝલ ગુચ્છ-૧૬ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

  1. મિસ્કીનની ગઝલનો ગુલદસ્તો માણવાની ખુબજ મજા પડી. ગઇકાલેજ કવિને ફૉન કરીને વાકેફ કર્યાતો તેમણે પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.