એક આવરણ
અંદર અંદર લાગ્યા કરતું
આજે હું જે પહેરું છું એ ગયા જનમનું પહેરણ !
.
એક સમસ્યા
જેને માટે જીવન જીવીએ
એને પળભરમાં ત્યાગી દેવાની પ્રગટે ઈચ્છા !
.
એક સમાધિ
ડૂબકી મારે અંતરિયાળે
ઉજ્જડ મારી આંખો જુએ લીલીછમ વનરાજી !
.
એક ઉદાસી
ફણગાવેલું મૌન ધરીને
દરિયાનાં મોજાંઓ શોધે ફેરા લખચોરાસી !
.
એક રમકડું
શો-કેસમાંથી નીકળી આવે
મને વીનવે રમવા ને હું ધ્રુસકે ધ્રુસકે રડું !
.
એક સવારે
આથમતો ચાંદો અવઢવમાં
મને બચાવો, મને બચાવો એવું કંઈ પોકારે !
.
એક ઘસરકો
લોહી સામટું હાંફળફાંફળ
ત્વચા ઉપર આ છાનોમાનો કોણે મૂક્યો છરકો ?
.
એક આવરણ
– વિસ્તરતું રણ…
.
( હિતેન આનંદપરા )
ના ગયા જનમ નું પહેરણ છે હવે, ના ફણગાવેલું મૌન, ના તૂટેલું રમકડું, ના અવઢવ માં ડૂબતો ચંદ, હવે બસ કઈ છે તો એ ‘તું’ અને ‘હું’ – આપણે.
એક કલમ
અંતરને અડકી બાંધે
તોરણ પાંપણની પાળે
સ્તબ્ધ..અશબ્દ..
હિનાબેન,ખુબ સરસ રચના લઇ આવ્યા આજે.મઝા આવી ગઇ.