આવ
આ આછા ઘેરા ઉજાસમાં
ચીતરીએ એક પદ્મ.
માંહ્ય પાથરીએ
લોહીની મરમાળુ છાંય
પછી તો..,
શ્વાસ-શ્વાસનું સારસ જોડું રેલશે ટહુકા
ટહુકો તારી આંખનું અંજન
ટહુકો મારી પાંખનું સ્વજન.
ચાલ ટહુકો ઓઢીને…
આ અવાવરું એકાન્તની અંદર
ઓગળી જઈ,
ગૂંથી લઈએ અતલસી આકાશ
આકાશને અડતાં તો…
ઝગમગ ઝગમગ તાસકિયો ખીલશે ચાંદ
ચાંદ તો ટોડલે ઝૂલશે લોલ !
ચાંદ તો ગોખલે ખૂલશે લોલ !
ચાલ, ઝૂલતાં ખૂલતાં…
ચાલ, ખૂલતાં ઝૂલતાં…
આ શૂન્યતાનું બરછટ રણ ચીતરીને
અંદર ભરીએ વાદળ
વાદળ ભરતાં તો,
ફણગાતા ઊગી આવશે લીલુડા મોર
મોરને બારણે મેલશું લોલ !
મોરને પારણે મેલશું લોલ !
બારણું પારણું એક બનાવી
પારણું બારણું એક બનાવી,
આ સૂનકારમાં ડૂબી ગયેલા ઘરમાં
આજે રૂપ થઈને ભળી જઈએ
ઢળી જઈએ તો,
એક ઝમઝમિયું જાગશે તળાવ
તળાવને ખોળિયે પાળશું લોલ !
તળાવને ઢોલિયે ઢાળશું લોલ !
તળાવમાં રોજ તરતાં તરતાં…
તળાવમાં રો સરતાં સરતાં…
આવને હવે
જીવનો ઝીણો તાંતણો બાંધતાં જઈએ
સાત ભવના ધોડા થેકવા
આપણે આપણું આયખું સાંધતાં જઈએ
આવ,
આ આછા ઘેરા ઉજાસમાં…
.
( રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’ )
હિનાબેન, રચના સ્પર્શી ગઇ.ખુબ ખુબ ખુબ ગમી.કેટલી ભાવુક્તા અને કેટલી તાદાત્મ્યતા..વાહ..
આપણાં એકબીજા સાથે જોડાઈ ગયેલા આયખાને આછા ઘેરા ઉજાસમાં સાંધવાની જરૂર નથી બસ સાથે ચાલતાં જઈએ…જીવનપથ આમ જ ટૂંકો થતો જશે…અને જીંદગી આમ જ ભરપુર જીવાતી જશે…