Skip links

બસસ્ટેન્ડ પર – વિપિન પરીખ

ગઈ કાલે મારી આંખમાં સહેજ આંસુ આવી ગયાં.

એક વૃદ્ધ મા મારી સાથે બસસ્ટેન્ડ પર ટોળામાં

ઊભાં હતાં.

એક ભળતી જ બસ આવી.

માજી ખોડંગાતા પગે દોડી બસ આગળ પહોંચી

કશું પૂછ્વા લાગ્યાં.

કન્ડક્ટર હાથ રોકીને ઊભો રહ્યો.

બસ થોભાવી નહિ.

કહે ‘લાઈનમાં ઊભા રહો,’

એને ખબર છે અહીં લાઈન નથી, ટોળું છે.

ઘંટડી વગાડે છે. બસ ચાલી જાય છે.

માજી કશું સમજ્યાં નહીં.

એ બસ એમને માટે નહોતી.

તો પણ અફસોસ કરે છે. થોડું બડબડે છે.

એક ટેક્સી જોઈ હાક મારે છે, વળી થોડુંક

ખોડંગાતું દોડે છે.

“ભાઈ, જરા….”

ટેક્સીવાળો ગરદન પણ ફેરવતો નથી.

ટેક્સી દોડાવી જાય છે.

જાણે કે એને આંખ-કાન નથી, માત્ર મીટર છે.

માજી ફરી બડબડ કરી ટોળામાં ઊભાં રહે છે.

કોઈ સાંભળતું નથી.

બધાના કાન થાકેલા છે.

શહેરમાં પુષ્કળ બસો છે અને ટેક્સીઓ પણ.

પણ

મારી પાસે એક કાવડ નથી,

એટલે જ….

 .

( વિપિન પરીખ )

Leave a comment

  1. કાવડ અને શ્રવણ….ઈતિહાસ બનીને રહી ગયા..
    અને આ બસ ? ઉભી રહેશે ત્યારે કદાચ “અલીડોસા”ની જૂની વાર્તા દોહરાશે.બરાબર ને ?

  2. કાવડ અને શ્રવણ….ઈતિહાસ બનીને રહી ગયા..
    અને આ બસ ? ઉભી રહેશે ત્યારે કદાચ “અલીડોસા”ની જૂની વાર્તા દોહરાશે.બરાબર ને ?