વ્હેલી સવારે – મિતુલ મહેતા

વ્હેલી સવારે સાદ સાંભળું

પછી જ આંખ આ ખૂલે

મારું મન હવામાં ઝૂલે

 .

ગઈ રાતનાં સપનાંઓ તો

એક પલકમાં ભૂલે !

મારું મન ઝલકમાં ઝૂલે

 ,

હૃદય એક નાની અમથી છાબ

એમાં સુગંધઝૂર્યાં ફૂલ

તારા બાગનાં વૃક્ષો :

એમાં મન મારું મશગૂલ

તારો એક અણસાર :

ને મારું મન તો બધું કબૂલે

 ,

પૂર્વજનમની કઈ લીલા છે ?

કાયા-માયાના કયા કબીલા ?

પતંગિયાને ચૂંથવાના

કોઈ નહીં પાડશો ચીલા –

સાવ કુંવારી લાગણીઓને

નહીં રગદોળો ધૂળે.

 ,

( મિતુલ મહેતા )

આજની રાત – રૂમી

.

૧.

આજની રાત હું ખુશખુશાલ છું

મારા મિત્ર સાથે હું યુક્ત

વિરહની વેદનાથીમુક્ત.

નર્તન કરું છું

હું મારા પ્રિય-તમ સાથે

મારા હૃદયને કહું છું : હવે ચિંતા છોડી દે

સવારની ચાવી મેં ક્યારનીયે ફેંકી દીધી છે.

 .

૨.

એક જ આશા, અને કેવળ એક જ આશા;

તારો પ્રેમ,

એક જ શક્તિ, અને કેવળ એક જ શક્તિ;

તારો પ્રેમ.

જ્યાં સુધી મારા અણુએ અણુ તને

વણથંભ્યું આહ્વાન ન દે.

ત્યાં સુધી સમગ્ર વિશ્વ માત્ર એક ભ્રમણામાંથી

બીજી ભ્રમણામાં ચકરાયા કરે છે.

 .

૩.

જ્યારે મારા હૃદયમાં પ્રેમની વીજળી ચમકે છે

ત્યારે હું જાણું છું કે એના હૃદયમાં પણ એ

ચમકે છે, કડાકા થાય છે

અને જ્યારે ઉન્મત્ત આનંદમાં હું એનું નામ બોલું છું

ત્યારે હું જાણું છું એનો મદહોશ આવેશ

મારામાંથી જ ઊછળે છે.

 .

૪.

તને હૃદયમાં રાખી લઉં

તો કદાચ તું વિચારમાં રૂપાંતર પામે.

હું એવું તો નહીં જ કરું.

 .

તને આંખમાં ધારણ કરી લઉં

તો કદાચ તું કાંટો થઈ જાય.

હું એવું તો નહીં જ કરું.

 .

હું તો તને મારા શ્વાસમાં જ ઘૂંટીશ

જેથી તું મારી જિંદગી જ થઈ જાય.

 .

( રૂમી )

રોજ તારા નામનો – મુકેશ જોષી

રોજ તારા નામનો કક્કો ગોખું

તને મળવાનાં ગોખું પલાખાં

મૂળિયાંની જેમ જાય ઊડી ના કેમ

આ લાગણીની વિસ્તરેલી શાખા…

 .

મારી ભૂગોળના દરિયા તુજ આંખમાં ને વાંચતાં આ જાત ડૂબે ગઈ

સૂરજ ઊગે તે દિશા પૂરવ કહેવાય, તો તું ઊગે એ દિશા કઈ:

પડતા વરસાદના કારણમાં એટલું, સ્મરણોનાં ચોમાસાં આખ્ખાં…રોજ

 .

પાણીપત નહીં, પાણીદાર એવી આંખોથી જખ્મી થયાનો ઈતિહાસ

બે હૈયાંઓ વચ્ચેની ત્રિજ્યાઓ માપવામાં પડતો ભૂમિતિમાં ત્રાસ

રોજ તારી યાદનું હું લેશન કૌં ને તોય થાતા ન કોઈ વિષય પાકા…રોજ

 .

તારા ને મારા સરવાળાનો દાખલો, આવડે એક બસ ગણિતમાં

બાકીમાં એટલી તો ભૂલો પડે, હું શોધું જવાબ તારા સ્મિતમાં

મોનાલીસા જેવું મર્માળું સ્મિત, મને પડતાં ઉકેલવાનાં ફાંફાં…રોજ

 .

( મુકેશ જોષી )

નડે છે અમોને – મેઘબિન્દુ

તમારી શરાફત નડે છે અમોને

અમારી શરાફત નડે છે અમોને

 .

હતો ખ્યાલ એવો કે સંધાઈ જાશે

કરી જે મરામત નડે છે અમોને

સહ્યાં દ્વેષ ઈર્ષા ને અન્યાય પળેપળ

હવે તો અનાગત નડે છે અમોને

 .

અહીં પ્રેમ પૂજ્યો પ્રભુના સ્વરૂપે

છતાં જે લખ્યા ખત નડે છે અમોને

 .

અસ્મિતા અહમનો નથી ભેદ ઝાઝો

છતાંયે તફાવત નડે છે અમોને

 .

ધરમના જ નામે ચલાવી રહ્યા છો

તમારી બગાવત નડે છે અમોને

 .

( મેઘબિન્દુ )

मेरा संदेश – ओशो

मेरा संदेश छोटा सा है:

आनंद से जीओ

और जीवन के समस्त रंगो को जीओ,

सारे स्वरों को जीओ

कुछ भी निषेध नहीं करना है

जो भी परमात्मा का है, शुभ है

जो भी उसने दिया है, अर्थपूर्ण है

उसमें से किसी भी चीज का इनकार करना,

परमात्मा का ही इनकार है, नास्तिकता है

और तब एक अपूर्व क्रांति घटती है

जब तुम सबको स्वीकार कर लेते हो

और आनंद से जीने लगते हो तो

तुम्हारे भीतर रुपांतरण की प्रक्रिया शुरु होती है

तुम्हारे भीतर की रसायन बदलती है –

क्रोध करुणा बन जाता है;

काम राम बन जाता है

तुम्हारे भीतर कांटे फूलों की तरह खिलने लगते है

 .

( ओशो )

એ વાત – શૈલા પંડિત

૨૩.

હે ઈશ્વર,

એ વાત હું સારી પેઠે સમજ્યો છું કે

-એ જ મા

પોતાના વહાલસોયા બાળકને

કડવાં ઓસડ કચડીને પાય છે,

જેથી તેનું સંતાન તંદુરસ્ત ને ખુશખુશાલ રહે.

 .

-એ જ હળ

જમીન પર ઉઝરડા પાડે છે,

જેથી તેમાંથી દાણાદાર પાક ઊતરે.

 .

-એ જ સર્જન

પોતાના દરદીના પેટ પર

છરી ફેરવી તે ચીરે છે,

જેથી તે શારીરિક પીડાથી મુક્ત થઈ જાય.

 

-એ જ સ્થપતિ

પોતાનાં ટાંકણાં ને હથોડી વડે

પથ્થર પર ઘા પર ઘા કરતો રહે છે,

જેથી એક સોહામણી મૂર્તિ સર્જાય.

 .

-એ જ સોની

સોનાને અગ્નિમાં તાવે છે,

જેથી તેને મનોહર આભુષણનું રૂપ સાંપડે.

કદાચ,

એ બાળકને માનું સત્કૃત્ય દુષ્કૃત્ય ભાસે,

એ દરદીને સર્જનની છરી અરેરાટી ઉપજાવે,

પણ

ઉપલક નજરે અકારા લાગતાં કૃત્યો પાછળ

હેતુ તો ઉમદા જ રહેલો છે.

 .

તે જ પ્રમાણે

કનડતી મુશ્કેલીઓ પાછળ તારો હેતુ

મને સફળતા માટે

વધુ ને વધુ લાયક બનાવવાનો હોય.

તત્ક્ષણે હું ન સમજી શકું તોય,

તારો હેતુ પામી શકું

તેટલી મારામાં સૂઝ પ્રગટાવ.

જેથી હું,

મારા જીવનસાફલ્ય માટે

વિશેષ લાયકાત સિદ્ધ કરી શકું,

ને તે સારું સાચી રીતે,

ગર્વ અને ગૌરવ અનુભવવા સમો સમર્થ બનું.

 .

૨૪.

હે ઈશ્વર,

મારે મારી સાચી ઓળખાણ કરવી છે.

હું મારે વિષે કેટલાંક સત્યો જાણવા ઈચ્છું છું.

ભલે તે મને કડવાં લાગે તો પણ

એની કડવાશ જીરવી શકું

એ સારુ મને પૂરતું બળ આપજે.

 .

મને મારા દોષ સમજવામાં સહાય કર.

પણ એ ખોજ વેળા,

હું એ વૃત્તિના ભારથી દબાઈ ન જાઉં

એવી મારી પ્રાર્થના છે,

જેથી મારી હિંમત નાહિંમત ન થઈ જાય.

હું મારા દોષને પારખતાં પારખતાં

જાતને ચાબખા ન મારી બેસું

તે માટે મને મદદ કરતો રહેજે.

તે સારું, મને યાદ આપ્યા કરજે કે

મારામાં કેટલાક સદગુણો પણ છે જ.

 .

હે પ્રભુ,

મારા દોષ સમજવા મદદ કરે ત્યારે

તેને નિવારવા મને હિંમત આપતો રહેજે.

હું મારી મર્યાદા જાણું છું એટલે

બધા દોષોથી એક સાથે મુક્ત થઈ જવાનો

મને કોઈ લોભ નથી.

એક એક કરતાં હું તેમને વેગળા કરી શકું

તો મને સંતોષ છે.

હું મારા સૌથી કનિષ્ઠ દોષને

પડકારી શકું એ પ્રકારે

મને બળ અને હિંમત આપતો રહેજે.

મને મહાત કર્યા બાદ,

બીજાને, ત્રીજાને, ચોથાને

તેમ કરી શકું એ માટે

મને પૂરતી ધીરજ આપજે.

 .

મારા દોષ છતાં,

જાત સાથેની સહિષ્ણુતા ખોઈ ન બેસું,

એટલી સમજ આપતો રહેજે.

હું જાણું છું કે

દોષનિવારણનો પુરુષાર્થ મારે જ કરવાનો છે.

તે માટે મને

સતત શક્તિ ને બળ પૂરાં પાડતો રહે તો

મારે માટે તેટલું બસ છે.

 .

( શૈલા પંડિત )

વન્દે માતરમ અને વિનંતિ

.

]

.

वन्दे मातरम्।
सुजलां सुफलां मलय़जशीतलाम्,
शस्यश्यामलां मातरम्। वन्दे मातरम् ।।१।।
.
शुभ्रज्योत्स्ना पुलकितयामिनीम्,
फुल्लकुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुरभाषिणीम्,
सुखदां वरदां मातरम् । वन्दे मातरम् ।।२।।
.
सप्तकोटि कण्ठ कल-कल निनाद कराले,
द्विसप्तकोटि भुजैर्धृत खरकरवाले,
अबला केनो माँ एतो बॉले,
बहुबलधारिणीं नमामि तारिणीम्,
रिपुदलवारिणीं मातरम्। वन्दे मातरम् ।।३।।
.
तुमि विद्या तुमि धर्म,
तुमि हृदि तुमि मर्म,
त्वं हि प्राणाः शरीरे,
बाहुते तुमि माँ शक्ति,
हृदय़े तुमि माँ भक्ति,
तोमारेई प्रतिमा गड़ि मन्दिरे-मन्दिरे। वन्दे मातरम् ।।४।।
.
त्वं हि दुर्गा दशप्रहरणधारिणी,
कमला कमलदलविहारिणी,
वाणी विद्यादायिनी, नमामि त्वाम्,
नमामि कमलां अमलां अतुलाम्,
सुजलां सुफलां मातरम्। वन्दे मातरम् ।।५।।
.
श्यामलां सरलां सुस्मितां भूषिताम्,
धरणीं भरणीं मातरम्। वन्दे मातरम् ।।६।।

.

(बंकिमचंद्र )

.

વિનંતી

 .

ઓ, પ્રજાના રક્ષકો

ઘોંઘાટના આંધી તોફાનમાં

પોતાની ખુરસીને વળગી રહીને

દેશની સેવા કરનારાઓ

અમારી નમ્ર વિનંતી સાંભળો –

તમારા જરકસી જામા અને મ્હોરાં ઉતારો

અમને તમારા ખરા ચહેરા જોવા દો

અમે પ્રતિજ્ઞા લીધી છે

અમારાં બાળકોને

પુરાણોના

નરકાસુર, તારકાસુર અને બકાસુરના

સાચા રંગો

બતાવવાની.

 .

( બી. ટી. લલિતા નાયક, અનુ: ભાનુ શાહ)

( મૂળ કન્નડ )

.

“સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ

આજે મારું મન – શૈલા પંડિત

૨૧.

આજે મારું મન

કડવાશથી ભરાઈ ગયું છે, પ્રભુ !

મેં જે ધાર્યું હતું તે કરતાં

સાવ ઊલટું જ બનવા પામ્યું છે.

 .

મારી કલ્પનાય નહોતી તેવા લોકોએ

મને નિરાશ કર્યો છે, હતાશ કર્યો છે.

મારું મન દુભાયું છે.

તેથી કટુતાએ

મારા મનનો કબજો લઈ લીધો છે.

 .

એ આઘાત અને વ્યથા

જીરવવામાં મને સહાય કર.

આ અનુભવને નિમિત્તે

તારામાં અશ્રદ્ધા ન થઈ આવે તે સારુ

તારી પાસે ધૈર્યની માગણી કરું છું.

હું એટલું સમજું છું કે

લોકોએ કઈ રીતે વરતવું એ

તેઓ પોતે નક્કી કરે છે,

એમાં તારો કોઈ દોષ ન હોઈ શકે.

 .

તો, મારા મનમાં જન્મેલી

ધિક્કાર ને ઘૃણાભરી લાગણી મંદ પાડી દેવામાં

મને સહાય કર.

લોકોમાં મારો વિશ્વાસ ટકે કે ન ટકે

તારામાં રહેલી શ્રદ્ધા ખોઈ ન બેસું

એટલી એષણા પૂરી કર.

 .

૨૨.

હે ઈશ્વર,

જીવનના નિરીક્ષણમાંથી

મેં એક વાત સમજી લીધી છે.

કોઈ માણસ,

સતત ને સતત સફળ થતો જ રહે એવું પણ નથી.

તો કોઈ માણસ,

સતત નિષ્ફળતાને વર્યા કરે એવું પણ નથી.

સફળતા ને નિષ્ફળતા

ઘટનાચક્ર રૂપે સતત ફરતાં રહે છે.

 .

મેં એ પણ જોયું છે કે,

દરેક સફળ માણસ

સફળ થતાં પહેલાં

નિષ્ફળતાની કેટલીક પછડાટ ખાતો હોય છે.

એ પછડાટ જ

તેને સફળ થવા માટે

વિશેષ અનુભવ ને બળ ઊંઝતાં રહે છે.

તેથી નિષ્ફળતાને

મેં નવા દ્રષ્ટિકોણથી મૂલવવા માંડી છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ થતો નથી કે,

હું નિષ્ફળ સાબિત થયો છું.

તેનો અર્થ એ થાય છે કે,

હું હજી સફળતા લગી પહોંચ્યો નથી.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે,

મેં કશું સિદ્ધ કર્યુઁ નથી.

પણ એનો અર્થ એ થાય છે કે,

હું કેટલીક નવી નવી બાબતો શીખ્યો છું.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે,

હું બુદ્ધિમંદ છું.

તેનો અર્થ એ થાય છે કે,

સફળ નીવડવા માટે

મારે મારી બૌદ્ધિક શક્તિ

હજી સુપેરે લડાવવાની છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે,

તેથી મને કાળી ટીલી લાગી છે.

તેનો અર્થ એ થાય છે કે,

મારે હજી નવતર પ્રયોગોની અજમાયેશ કરવાની છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ નથી કે

મારે મારી યાત્રા અહીં ને અહીં થંભાવી દેવાની છે.

તેનો અર્થ એ થાય છે કે,

મારા પૂર્વ અનુભવોને આધારે

સાફલ્યપથની નવી કેડીઓ કંડારી કાઢવાની છે.

 .

નિષ્ફળતાનો અર્થ એ થતો નથી કે,

તેં મારો સાથ ત્યજી દીધો છે.

એનો અર્થ એ થાય છે કે,

તું મને નવે રસ્તે સફળતા અપાવવા ઈચ્છે છે.

.

( શૈલા પંડિત )

 

 

મને મારું – શૈલા પંડિત

૧૯.

હે ઈશ્વર,

મને મારું બાળપણ સાંભરે છે.

 .

ત્યારે હું કોઈ શરતમાં ઊતરતો નહોતો.

કારણ ? મારે હારવું નહોતું !

કોઈ હરિફાઈમાં દાખલ થતો નહોતો.

કારણ ? મારે જીતવાની મનોમન ખાતરી જોઈતી હતી.

 .

પણ એ મારી કેટલી મોટી ભૂલ હતી !

તે આજે હું સમજી શકું છું.

સાથોસાથ, મારી બીજીય સમજ ખીલી છે.

 .

હવે હું હરિફાઈમાં ઊતરીશ ખરો.

પણ

-મારા દોસ્ત સાથે નહિ

-મારા હરીફ સાથે નહિ

-મારા દુશ્મન સાથે નહિ

-મારાથી નાનકા સાથે નહિ

-મારાથી મોટેરા સાથે નહિ

હું જરૂર હરિફાઈમાં ઊતરીશ

મારી પોતાની સાથે.

હું ગયે વરસે હતો, તે કરતાં હવે

મારે વધારે શક્તિશાળી નીવડવું છે.

હું ગયે મહિને હતો, તે કરતાં હવે

મારે વધારે કાબેલ નીવડવું છે.

 .

હું મારી સાથે હરિફાઈમાં ઊતરું ત્યારે,

હારનો કદી પ્રશ્ન નડતો નથી.

હું મારી સાથે હરિફાઈમાં ઊતરું ત્યારે,

જીતની પરિસ્થિતિ હંમેશ નીવડી શકે છે.

હું મારી સાથે હરિફાઈમાં ઊતરું ત્યારે,

મારે કોઈ ડર અનુભવવાનો નથી.

હું મારી સાથે શરતમાં ઊતરું ત્યારે,

મારે કોઈ નાહિંમત થવાનું રહેતું નથી.

 .

હે ઈશ્વર,

મારી હરેક ગઈકાલ સાથે

હું પ્રતિદિન હરિફાઈમાં ઊતરતો રહું,

આજનો દહાડો વિશેષ રૂડો ગાળું

એટલું સામર્થ્ય મને બક્ષજે.

 .

૨૦.

હે ઈશ્વર,

બાળક પાસેથી મળતો એક પાઠ

આત્મસાત કરવાની મને સૂઝ આપ.

 .

બાળક ચાલતાં શીખે છે ત્યારે

તે પડે છે,

તે આખડે છે,

તે પછડાય છે,

છતાં તે પોતાનો વિશ્વાસ ખોતો નથી.

તેના મનમાં એક ધ્યેય સ્થિર હોય છે :

‘મારે ચાલતાં શીખવું છે’.

અને, એ ધ્યેય સિદ્ધ કરીને જ તે જંપે છે.

કારણ કે,

તે હંમેશ

‘એક વધુ વાર’ પ્રયત્ન કરવા તૈયાર હોય છે.

 .

તે જ પ્રમાણે

કોઈક નવતર પ્રયોગ કરતી વેળા

અજાણી ભૂમિ પર ડગ માંડું ત્યારે,

મને એવું જ બળ આપજે,

એવી જ સૂઝ આપજે.

જેટલી વાર ભોંયસરસો હું પડું કે

ફરી એક વધુ વાર ઊભા થવાનું બળ આપજે.

એ પુરુષાર્થ સતત ચાલુ રાખવાની શક્તિ આપજે.

જેથી એમ ને એમ

ડગ ભરતાં રહીને

મારે નિશ્ચિત લક્ષ્યે પહોંચી જાઉં.

.

( શૈલા પંડિત )

મારી આત્મશ્રદ્ધા – શૈલા પંડિત

૧૭.

હે ઈશ્વર,

મારી આત્મશ્રદ્ધા ખીલવવામાં સહાય કર.

હું સમજું છું કે

આત્મશ્રદ્ધા

કોઈ બાબત પરત્વે અંધાપો નથી

પણ

નિશ્ચિત ને ઉચિત

જ્ઞાન પ્રત્યેનો પ્રકાશ છે.

આત્મશ્રદ્ધા

એ ગણ્યાગાંઠ્યા લોકોને નવાજાયેલી દેણ નથી.

પણ

અથાગ અને ગંભીર પ્રયાસો બાદ

સાંપડેલી આમદાની છે.

 .

હે પ્રભુ,

એવી પ્રકાશમય આત્મશ્રદ્ધા

મારામાં પ્રગટાવી શકે એવા લોકો તરફ વળવાનું

મને પ્રોત્સાહન આપતો રહેજે.

મારી આત્મશ્રદ્ધાને

વધુ સબળ ને સઘન બનાવે તેવા

સાહિત્યના વાચન તરફ હું વળતો રહું

તે દિશામાં દોરવણી આપજે.

 .

એવું પણ બનતું રહેશે કે,

મારી આત્મશ્રદ્ધાને ડગમગાવે એવી એવી,

મારા મનમાં ગૂંચ પેદા થાય

તો તે ઉકેલવાની મને સૂઝ આપજે,

જેથી મારામાં ખીલેલી આત્મશ્રદ્ધા

એના ઓછાયાથી મુક્ત રહે.

અને, મારું મન

પ્રફુલ્લતાના પ્રકાશથી ઝળહળી રહે.

 .

હું સમજું છું કે

આત્મશ્રદ્ધા એ જન્મદત્ત દેણગી નથી.

પણ એ તો,

માણસે પોતાની જાત માટે

કેળવી લેવાની સંપત્તિ છે.

તો એ સંપત્તિ હાંસલ કરવા

મને સદાયે પ્રેરણા આપતો રહેજે.

એ જ મારી તુજ પ્રત્યેની પ્રાર્થના છે.

 .

૧૮.

મેં એક સ્વપ્ન જોયું છે.

તેને સાકાર કરવાની મારી તમન્ના છે.

પણ, એ તમન્નાની આડે આવે છે :

કેટલીક શંકા-કુશંકાઓ.

સાચે જ, કોઈ પણ યોજનાના અમલનો

સૌથી કઠણ કાળ હોય તો

તે એનો આરંભ જ છે.

કારણ કે,

એના આરંભકાળે જ માણસનું મન

અનેક નકારાત્મક લાગણીઓના પ્રવાહથી

ઘેરાઈ જાય છે.

એની સફળતા અંગેની

દ્વિધા તેના મનને છલકાવી દે છે.

 .

પણ હું એટલું સમજી શક્યો છું કે

જે માણસ પ્રારંભ કરે છે તે

કદીયે પૂરેપૂરો નિષ્ફળ જઈ શકે નહિ.

કંઈ નહિ તો,

તેણે પોતાના મનની કેટલીક કુશંકા પર

વિજય તો મેળવ્યો જ છે.

તેણે પોતાના થોડાએક નકારાત્મક વિચારોને

નાથી જ લીધાં છે.

એ રીતે

હું મનની એક શૃંખલામાંથી

મુક્ત થઈ જાઉં છું કે જે

મારા આગળ વધવાને ખોરંભે પાડી દે છે.

તું મને એટલું બળ આપ કે જેથી,

હું મારા નવતર પ્રયોગ કરવાના ડરને નાથી શકું.

 .

અને,

મારો એ પ્રયોગ અસફળ નીવડે

તો તેની પુન: અજમાયેશ કરવાની

મને પ્રેરણા ને પ્રોત્સાહન આપજે.

મને સફળ નીવડવાની શ્રદ્ધા આપજે.

એવી શ્રદ્ધા કે જે,

મને નિષ્ફળતાની શંકાથી મુક્ત રાખે.

.

( શૈલા પંડિત )