કૃપા બસ એટલી – ખલીલ ધનતેજવી

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,

તું મારા ઘરને મારું ઘર થવા દે.

 .

નવો કંઈ ખેલ જાદૂગર થવા દે,

સઘન અંધકાર છૂમંતર થવા દે.

 .

પવન, આ જ્યોતની ઉંમર થવા દે,

જરા અજવાસ પણ પગભર થવા દે.

 .

દુવા માંગુ કે મારા કદ પ્રમાણે,

કદી તો માપસર ચાદર થવા દે.

 .

બધાં સુખદુ:ખ મને મંજૂર છે પણ,

બધું સરખું ને માફકસર થવા દે.

 .

ઘણી મહેનત કરી છે જિન્દગીભર,

હવે પરસેવાને અત્તર થવા દે.

 .

મને પણ પૂજશે લોકો યકીનન,

મને પણ પીર કે પથ્થર થવા દે.

 .

મને ડર છે કોઈ તફડાવી જાશે,

ગઝલ પર મારા હસ્તાક્ષર થવા દે.

 .

ખલીલ ઈચ્છાઓ ગાંડીતૂર થઈ છે,

કઈ રીતે કોઈ સરભર થવા દે.

 .

( ખલીલ ધનતેજવી )

Share this

6 replies on “કૃપા બસ એટલી – ખલીલ ધનતેજવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.