શિયાળાની સવાર – મુકેશ જોષી

.

આંખ જરા મોડી ખૂલી

પણ

જોયું તો નાહી-ધોઈને…

લલાટમાં કંકુ તિલક કરીને

હમણાં જ

મંદિરેથી આવ્યું હોય એવું આકાશ

નીલું સ્મિત ફરકાવતું

આરતી કરતા ઘંટડી વગાડવા મળે

અને રાજી થતાં બાળકો જેવી

રમતિયાળ બે ચાર વાદળીઓ ધીમું ધીમું હસે

જુઓ તમે બધા રહી જ રહેજો.

નીચે ઝાકળથી નાહીને નાની કૂંપળો અને

પાંદડીઓ ટાઢમાં થરથરતી હશે. હું જલદી

જઈને લૂછી કાઢું નહીં તો માંદી પડશે

કહીને ચાલવા માંડેલા સૂરજદાદા

‘એક મિનિટ દાદા’ હુંય આવું છું કહીને

સાથે ચાલી નીકળેલો અને ધીમું ધીમું ગાતો

પવન… ને….

બંને પોતાની મોજમાં હસે

પંખીઓએ સમૂહ સ્વરમાં

જૂની મદનમોહનની તરજમાં છેડેલું

કબીર કે મીરાંનું પદ

ને ઝાડવાંઓના હોઠ પર મંદ મંદ હાસ્ય

સામેના ઘરમાં કોલેજમાં જવાનું હોય છતાં

ફાઇવસ્ટાર પાર્ટીમાં જવાનું હોય એમ

તૈયાર થતી સેવન-સ્ટાર રૂપાળી છોકરી

જે કોલેજમાં જતાં પહેલાં

મમ્મીને હસીને બાય કહેતી નીકળે

ને આ તરફ…

માએ પાણિયારે દીવો મૂકી

મને હસતાં હસતાં જગાડ્યો… ત્યારે

ખબર પડી

શિયાળાની સવાર પાસે કેટલું

મધુર હાસ્ય હોય છે

બિલકુલ

ઈશ્વરના ચહેરા ઉપર હોય એવું.

 .

( મુકેશ જોષી )

7 thoughts on “શિયાળાની સવાર – મુકેશ જોષી

Leave a reply to અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી Cancel reply