રોકાણ થાતું જાય છે – ‘વિવશ’ પરમાર

 

.

જેમ તારી યાદનું નિર્માણ થાતું જાય છે,

આંસુઓથી આંખનું ધોવાણ થાતું જાય છે.

 .

રોજ મારી ભીતરે રમખાણ થાતું જાય છે;

કોણ છે ? જેના તરફ ખેચાણ થાતું જાય છે ?

 .

કંઠમાં થંભી ગયું છે એક ડૂસકું જ્યારથી;

આ હૃદયમાં ત્યારથી પોલાણ થાતું જાય છે.

 .

તાગ મેળવવા મથામણ જ્યાં કરું છું એમ કૈં;

જખ્મનું મારા વધુ ઊંડાણ થાતું જાય છે.

 .

સ્વપ્ન છે કે છે હકીકત કૈં ખબર પડતી નથી;

આંખ ખોલું કે તરત બીડાણ થાતું જાય છે.

 .

કોઈ ગેબી સાદનો ગિરનાર પર પડઘો પડે;

દત્ત ને દાતારનું જોડાણ થાતું જાય છે.

.

કુંડ દામો ને તળેટીમાં કોઈ અંજળ હશે;

ગોદમાં ગિરનારની રોકાણ થાતું જાય છે.

 .

( ‘વિવશ’ પરમાર )

Share this

8 replies on “રોકાણ થાતું જાય છે – ‘વિવશ’ પરમાર”

Leave a Reply to અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.