અગિયાર લઘુકાવ્યો

(૧)

પ્હાડ પર

ઊગ્યા છે ઝાડ

કુહાડી

કટકા કરે છે

છાંયડાના.

 .

( કિશોર શાહ )

 .

(૨)

મેં જેને આખું ને આખું આકાશ આપ્યું

એણે મારી પાંખોને કાપી નાખી.

ચલો, હવે મિત્રને છોડીને

દુશ્મનના શરણે જઈએ.

મેં જેને આખો ને આખો સમુદ્ર આપ્યો

એણે મારી હોડીને હડધૂત કરી.

ચલો, હવે….

 .

( સુરેશ દલાલ )

 .

(૩)

મરી ગયેલા

પતંગિયાનું

પોસ્ટમોર્ટમ

કરવાનું જાણી

પુષ્પો રડી પડ્યાં.

 .

( ધનસુખલાલ પારેખ )

 .

(૪)

વર્તમાન

પોતાનો ચહેરો

અરીસામાં જુએ તે પહેલાં

અરીસાએ પોતાની પીઠ ફેરવી લીધી.

 .

( જગદીશ ઉપાધ્યાય )

 .

(૫)

તારામાં અને મારામાં

ફરક માત્ર આટલો જ:

તું જેને સ્મૃતિ કહે છે

હું એને જખમ કહું છું

 .

( સુરેશ દલાલ )

 .

(૬)

આંખમાં સંતાડેલા વાદળ

આમ

છડેચોક

ખુલ્લા તડકામાં

વરસી પડશે

એની

મને પણ

ક્યાં ખબર હતી ?

 .

( પન્ના નાયક )

 .

(૭)

મોરના

કેકારવનો

પડઘો અર્થાત

ઈન્દ્રધનુ !

.

(રમેશ પટેલ )

 .

(૮)

કોઈના

ટાઈમટેબલના ખાનામાં

ગોઠવાઈ જવાના

પ્રયત્નમાં જ

હું

ફેંકાઈ ગઈ છું

ટાઈમટેબલની બહાર…

 .

( પન્ના નાયક )

 .

(૯)

કઠિયારાને

ખૂબ ગમે છે વૃક્ષો

એની કુહાડીના

હાથા કરતાં પણ…

 .

( કિશોર શાહ )

 .

(૧૦)

તારી

પ્રેમ કરવાની રીત

મને ગમે છે.

મારી રાતને

અજંપો આપીને

મારા દિવસને

તટસ્થ કરવાનું

સૂઝે છે તને….

 .

( પન્ના નાયક )

 .

(૧૧)

એક વિરાટ રંગમંચ પર

ઘેરાયેલો ઊભો છું હું

પ્રતીક્ષા કરતો:

ક્યારે પડદો ઊપડે ?

એક રંગમંચ પર

એકલો ઊભો છું હું

પ્રતીક્ષા કરતો

ક્યારે પડદો પડે ?

 .

( કિશોર શાહ )

અજંપો – તુરાબ ‘હમદમ’

.

નથી એ ચપટી નગરનો અજંપો,

મને રોજ પીડે છે ઘરનો અજંપો.

 .

રડે નહીં કદી આમ ઝાકળના રૂપે

હશે રાતને રાતભરનો અજંપો.

 .

નથી જંપ હોતો કદી ઓસરીને

સતત કોરી ખાએ ઉંબરનો અજંપો.

 .

લીલોછમ્મ લાગું ભલે બહારથી હું,

મને રોજ ડંખે ભીતરનો અજંપો.

 .

પીળા એટલે થઈ ગયા પાન લીલા

ઝળૂંબે સતત પાનખરનો અજંપો.

 .

( તુરાબ ‘હમદમ’ )

હું ગૌતમ નથી – ખ્યાલીલુર રહેમાન આઝમી

.

હું ગૌતમ નથી

પણ જ્યારે હું મારા ઘરની બહાર નીકળ્યો

ત્યારે મને હતું

કે હું મારો પોતાનો તાગ લઈશ-

હું પણ વૃક્ષની છાયામાં બેસીશ

મારા પર પણ પ્રબુદ્ધત્વનો ઉદય થશે

 .

પણ મારી સાથે

શરીરની આગ સળગતી હતી

ઘરની બહાર પવન સખત ફૂંકાતો હતો

જ્વાળાઓ વધુ ને વધુ તેજ થતી હતો

અને પ્રત્યેક વૃક્ષ બળી બળીને ખાખ થઈ ગયું

હવે હું વનમાં એકલો

માત્ર મારા પડછાયા સાથે

અને પડછાયાના પણ પડછાયા સાથે ભમું છું

ચારેબાજુ નરી શૂન્યતા છવાઈ ગઈ છે

 .

( ખ્યાલીલુર રહેમાન આઝમી, અનુ. સુરેશ દલાલ )

 .

મૂળ રચના : ઉર્દૂ

સાંભરણ તે ક્યાં ગયા – જગદીશ ઉપાધ્યાય

.

વૃક્ષ લીલું, હીંચકો ને બાળપણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

ધૂળવંતા રાજવી ને રાજવણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

કોઈ વેળા બાગમાં જઈ સાવ અમથું એક લીલું પાંદડું તોડી અને

ફૂલને છંછેડવાના ગાંડપણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

હું થતો માયુસ જ્યારે, થૈ જતા પંખી સહુ સૂનાં તમારા બાગમાં

નીર જેવા પારદર્શક આવરણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

સાદ સામે ઓટલેથી કોઈ દેતું, ‘કેમ દેખાતો નથી ? દિવસો થયા’

એ ટહુકો, એ રસમ, એ સાંભરણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

ના વળે અંધાર ઘેરી દીપ તેથી એક જલતો રાખવા કાજે સતત

ગામ, શેરીમાં થતા જે જાગરણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

( જગદીશ ઉપાધ્યાય )

પસંદગી – ઉદયન ઠક્કર

.

એક તરફ સૂરજ, બીજી તરફ વીજળી.

 .

સૂરજ એટલે કેલેન્ડરનો ડટ્ટો

સવારે ઊગે, સાંજે ફડાઈ જાય

ક્યાં હશે, ક્યારે હશે-

બધું જ નક્કી

‘વર્ક ટુ રુલ’નું જાણે રોજિંદુ આંદોલન.

 .

સૂરજ

ઝાકળમાં મોં ધોતાં ધોતાં મોડો પડ્યો

કે તડાક કોચલે બહાર નીકળતા

અબાબિલના બચ્ચાને જોવા રોકાઈ ગયો

એવું સાંભળ્યું છે કદી ?

 .

ગ્રહણ તો ગોઠવાય

પણ છૂટવાની પૂર્વશરતે,

પીળકેસરું જાદુ ફેલાવીને અલોપ તો થવાય

પણ છાપેલા સમયે.

 .

શું હશે આ વીજળી ?

વાદળોનું હસ્તધૂનન ?

ફાવે ત્યારે થાય

ન ફાવે ત્યારે પણ.

એના થવાથી બળ્યો શો ફાયદો ?

ક્યારેક ભીંજવી દે, ક્યારેક ભૂંજી દે.

ચીરી નાખે આકાશને ચૂપચાપ

પછી જ બોલે.

ગમે.

પણ બે ઘડી બાંધીને સાથે ન રખાય.

 .

…કહો, તમે નાતે કેવા ? સૂરજિયા કે વીજળિયા ?

 .

( ઉદયન ઠક્કર )

મને વધુ અપમાનિત ન કરો – સંતોક સિંહ ‘ધીર’

.

યુરોપમાં પૂછવામાં આવ્યું

તમે કેવા છો ?

મેં જવાબ આપ્યો-‘એશિયન’

એશિયામાં પૂછવામાં આવ્યું

મેં કહ્યું-‘ભારતીય’.’

ભારતમાં પ્રશ્ન પૂછાયો

મેં કહ્યું-‘પંજાબી.’

પંજાબમાં તું કેવો છે ?

મેં કહ્યું ‘માલવી’

પછી જિલ્લો પૂછવામાં આવ્યો

મેં કહ્યું-‘લુધિયાણા’,

હાલ ફતેહગઢ સાહેબ.

પછી તાલુકો પુછાયો

પછી કસ્બો

પછી ગામ

મેં એ બધું જ જણાવ્યું

ફરી વધુ પુછાયું-

ગામમાં તમે કેવા છો-

જાટ કે અછૂત ?

મેં ‘અછૂત’ કહ્યું.

ફરી સવાલ કરાયો-

અછૂતોમાં કેવા છો ?

મેં હાથ જોડીને કહ્યું-

બસ કરો, હવે વધુ ન પૂછો,

મને વધુ અપમાનિત ન કરો.

.

( સંતોક સિંહ ‘ધીર’, અનુ. કિશોર શાહ )

 .

મૂળ રચના: પંજાબી

લખજે – મણીલાલ હ. પટેલ

.

અંદરના અજવાળે લખજે

સંત કબીરની સાળે લખજે

 .

ઊભી વાટે આડા ડુંગર

દાવાનળની ફાળે લખજે

.

મેઘ અષાઢી ઘાસ શરદનાં

ટેકરીઓના ઢાળે લખજે

 .

સોળ વર્ષની વાત લખે તો

ગુલમોરોની ડાળે લખજે

 .

સ્મિત ઝિલાયાં છીપ વચાળે

યાદોનાં પરવાળે લખજે

 .

કંકુચોખા ગોરજ વેળા

ફૂલેલા ગરમાળે લખજે

 .

તાપ તરસ ને આગ લોહીમાં

કોણ રોજ આ બાળે લખજે

 .

ટળવળતી ઈચ્છાની વાતો

પંખીઓના માળે લખજે

.

ભૂખ્યો પોપટ તરસ્યો પોપટ

ભર્યાં સરોવર પાળે લખજે

 .

મૂલ્ય વગરના મોજ કરે છે

કળિકાળના કાળે લખજે

 .

( મણીલાલ હ. પટેલ )

ખોતર – કૃષ્ણ દવે

.

ખોતર

હજી વધારે ખોતર

બે આંખે ધસમસતું જે કંઈ ઊંડે ઊંડે છેક જ ઊંડે-

મળશે એનું ગોતર

….ખોતર-

 .

આ માથે ઘનઘોર ઘટાને હજી ખેડવું બાકી ?

એક પછીથી એક બધા સંબંધો ઊભા થાકી ?

કોની રાહ જુએ છે ? જોતર સ્વયમ જાતને જોતર

….ખોતર-

 .

તો જ પુષ્પની પાંદડીઓનોરંગ શ્વાસમાં ચડશે.

પર્વતને પણ છેક મૂળમાં જઈ ઓગળવું પડશે.

તારામાંથી તું જ મળેના એમ તને તું કોતર

….ખોતર-

 .

ભીતર કંઈક વહે તો એને પથ્થર પણ પ્રગટાવે

આ તો અવસર છે કુંપળનો કહે કોણ ના આવે ?

દૂર દૂરના આ વૃક્ષોને જઈ સાગમટે નોતર

….ખોતર-

 .

( કૃષ્ણ દવે )

ફાઈવ સ્ટાર હોટલની સાંજ – મોના કાણકિયા

.

કોઈ એક ફાઈવ સ્ટાર હોટલના

સ્વીમિંગ પૂલની છેડે

બેસી નિરાંતે દમ ભરીને

પીધેલા બિયરની એ ઘૂંટની સાથે

અંદર ભરાયેલા, વિખરાયેલા ને

ઊમટેલા

લાગણીના કાટમાળને

બહાર કાઢવાનો

ને પછી

એના પર કોઈ એક

કાવ્ય લખી

એક મનુષ્ય તરીકેની ઈમેજ ઉપસાવવાની

અને પાછા,

વધુ એક બિયરના ઘૂંટ સાથે

સૂર્યાસ્ત થતો જોઈ

એના રંગોમાં વિલીન થઈ જવાનું

ક્યાંય સુધી !!

ને પછી,

દરિયાની એ મોજમસ્તી

સાથે મસ્ત થઈ

મનુષ્ય સમા આ દેહને

ક્યાંય સુધી

રમાડ્યા રાખવાનું !!!!

 .

( મોના કાણકિયા )

ઝીલી લે – દિનેશ ડોંગરે “નાદાન”

.

આગિયાની જાત છું અંધાર ઝીલી લે,

જિંદગી પડકાર છે પડકાર ઝીલી લે.

 .

તું અડગ યોદ્ધા સમો આ યુદ્ધભૂમિમાં,

શસ્ત્ર હાથોમાં ઉઠાવી વાર ઝીલી લે.

 .

પોતપોતાના ગજાની વાત છે સઘળી,

છે કૃપાઓ એની અનરાધાર ઝીલી લે.

 .

બાગમાં હરએકને ફૂલો નથી મળતાં,

ભાગ્યમાં જો ખાર છે તો ખાર ઝીલી લે.

 .

આયખાનો એ પછી ઉદ્ધાર છે “નાદાન”,

ભીતરેથી આવતો અણસાર ઝીલી લે.

 .

( દિનેશ ડોંગરે “નાદાન” )