કંટકો કાપી – જગદીશ સાધુ ‘પ્રજ્ઞેય’

.

કંટકો કાપી બધે ગુલઝાર કર,

કષ્ટ આપી જાતનો ઉદ્ધાર કર.

 .

ધર્મના વાડા ફગાવીને પછી,

તું સડેલી નાતને પડકાર કર.

 .

વાડથી છૂટી પડે જો વેલ તો,

જિંદગીભરનો ખરો આધાર કર.

નાહજે તું રાતદિન પ્રસ્વેદથી,

હોંશથી સ્વપ્નાં બધાં સાકાર કર.

 .

રોજ રસ્તો એક લેતાં જાનવર,

ચાલ, તું કેડી નવી સ્વીકાર કર.

 .

થરથરે તારી નજરથી મોત પણ,

આંખથી એવી અમીની ધાર કર.

 .

સિદ્ધિઓના વાવટા ફરક્યા કરે,

રોજ એવાં કામ બે-ચાર કર.

( જગદીશ સાધુ ‘પ્રજ્ઞેય’ )

બાલમાને – લાલજી કાનપરિયા

.

શમણું તો આવે ને જાય મારા બાલમા !

શમણાનો કરીએ ના સંગ

રંગો તો આવે ને જાય મારા બાલમા !

ઘૂંટીએ એક પાક્કો તે રંગ !

 .

ઝાકળની જેમ આ આયખું ઓચિંતુ

ઊડી જાશે રે પલકમાં

આંખ્યુંમાં ઝાંખપ વળી જાય એ પ્હેલાં તું

નીરખી લે છબિ ઝલકમાં !

 .

લાગણી તો આવે ને જાય મારા બાલમા !

લાગણીના પારખીએ ઢંગ !

ઈચ્છા તો હોય ઘણું ઊંચે ઊડવાની પણ

આકાશ પડે અહીં ટૂકું

.

ઝાડવું ન જાણે કે લીલુંછમ્મ પાન અહીં

થૈ જાશે એક દિ’ સૂકું !

વાયરો તો આવે ને જાય મારા બાલમા !

સાચવીએ આપણો પતંગ !

 .

( લાલજી કાનપરિયા )

હરિ ! હું બાવળ, તું ગુલમોર – હર્ષદ ચંદારાણા

.

હરિ ! હું બાવળ, તું ગુલમોર

.

તારી છાતીના છાંયે, હર પળ ટાઢક થાતી

ઝરમરતાં રાતાં ફૂલો, ઝીલું ને થઉં રાતી

હરિ ! હું કલબલ, તું કલશોર

 .

તારી ગાઢ ઘટાઓમાં હું ખોવાયેલું તેજ

તું શોધે પણ જડું નહીં, હું ડોકું કાઢું સ્હેજ

હરિ ! હું ઝિલમિલ, તું ઘનઘોર

 .

તારી સૌરભ છાંટે ભૂરકી, રેશમ થાતા થોર

મારા ડિલે કાંટા, તારી પાંદડિયુંને તોર

હરિ ! હું ચાકર, તું ઠાકોર

 .

હરિ ! હું બાવળ, તું ગુલમોર

 .

( હર્ષદ ચંદારાણા )

લખાશે ? – અશોક ત્રિવેદી

.

અંતરની આ વાત, લખાશે ?

પડખાં ફરતી વાત, લખાશે ?

 .

સ્મરણોના રણમાં તરફડવું

તારી મારી વાત, લખાશે ?

 .

ટોચ ઉપરથી એવાં ગબડ્યાં

નીચે ઝંઝાવાત, લખાશે ?

 .

દગો સુકાની મધદરિયે દે,

માણસ ડૂબ્યા સાત, લખાશે ?

 .

અહીં સ્મિત પણ ક્યારે છળશે

માણસ છે કમજાત, લખાશે ?

 .

આજ કફનની નીચે સૂતો ?

જીવતરનો સૂર્યાસ્ત, લખાશે ?

 .

( અશોક ત્રિવેદી )

બધું જ કહી દીધા પછી – સર્વેશ્વરદયાલ સકસેના

.

બધું જ કહી દીધા પછી

કંઈક એવું છે જે રહી જાય છે,

તમે એમને વાચા નહીં આપતા.

 .

તે પડછાયો છે મારા પવિત્ર વિશ્વાસોનો,

તે પૂંજી છે મારા મૂંગા અભ્યાસોની,

તે આખીયે રચનાનો ક્રમ છે,

તે જીવનનો સંચિત શ્રમ છે,

બસ એટલો જ હું છું,

બસ એટલો જ મારો આશ્રય છે,

તમે એમને વાચા નહીં આપતા.

 .

તે વેદના છે જે અમને, તમને, બધાને અપનાવે છે,

સચ્ચાઈ છે-અજાણ્યાના પણ હાથ પકડીને

ચાલવાનું શીખવે છે,

એ વિરામ છે-દરેક ગતિને નવો જન્મ આપે છે,

આસ્થા છે-રેતીમાં પણ નૌકા ચલાવે છે,

તે તૂટેલા મનનું સામર્થ્ય છે.

તે ભટકતા આત્માનો અર્થ છે.

તમે એમને વાચા નહીં આપતા.

 .

તે મારાથી અથવા મારા યુગથી પણ ઉપર છે,

તે ભાવિ માનવની મિરાત છે, પૃથ્વી પર છે,

બર્બરતામાં પણ તે દેવત્વની કડી છે

તેથી ધ્વંશ અને વિધ્વંશથી તે મોટી છે,

અંતરાલ છે તે-નવો સૂર્ય ઉગાડી લે છે,

નવા લોક, નવી સૃષ્ટિ, નવાં સ્વપ્નાં આપે છે,

તે મારી કૃતિ છે

પણ હું એમની અનુકૃતિ છું,

તમે એમને વાચા નહીં આપતા.

 .

( સર્વેશ્વરદયાલ સકસેના, અનુ. સુશી દલાલ )

એકલો – લીલાધર જગૂડી

.

તારીખો પણ ત્રીસ

અને માણસ એકલો

અઠવાડિયાં પણ ચાર

અને માણસ એકલો

મહિના પણ બાર

અને માણસ એકલો

ઋતુઓ પણ છ

અને માણસ એકલો

વર્ષ પણ અનેક

અને માણસ એકલો

કામ પણ ઘણાં

અને માણસ એકલો

 .

( લીલાધર જગૂડી, અનુ. નૂતન જાની )

સ્પર્શ – જગદીશ ત્રિવેદી

.

આ કોણ

રહી રહીને

ઉત્તેજ્યા કરે મારા હૃદયને ?

સમય બે-સમય આવીને આમ

જાય છે કોણ સ્પર્શી મારા હૃદયને ?

અનુભવ નથી આવા જલમૃદુ સ્પર્શનો મને –

અને એટલે જ તો

ઓશિયાળું થઈને હૃદય

તાક્યા કરે મારી આંખોની ભીતર શુંય !

ક્યાંક રહ્યું રહ્યું કોઈ

દિનરાત – પલવિપલ

સ્પર્શ્યા કરે મને ઊંડે ઊંડે !

અને ઓગાળ્યા કરે ધીરે ધીરે

મારા સકલ અસ્તિત્વને-

જેમ માટીના ઢેફા પર ઝરમર વરસે વ્યોમ

અને જલના વહેણની મધ્ય

માટીના કણ કણ ઓગળીને

થઈ જાય એકાકાર

એમ-

કોણે સ્પર્શી સ્પર્શીને

મૂકી મધવહેણમાં.

એકાકાર કરી મૂક્યું

મારા હૃદયને ?

 .

( જગદીશ ત્રિવેદી )

ગોખવું પડતું નથી – હેમેન શાહ

.

વાક્ય, વર્ણન, વ્યાકરણ કંઈ ગોખવું પડતું નથી,

સાચું જે બોલે છે એણે સોચવું પડતું નથી.

 .

શાંતિથી રાખી શકે ખુદમાં ધધકતી આગને,

તેજનું વર્તુળ એણે ઓઢવું પડતું નથી.

 .

રોશની ચીપકાવી દે ફતવો બધી દીવાલ પર,

સૂર્યની છે ખાસિયત કે બોલવું પડતું નથી.

.

એકદમ સીધી નજર જેવું છે એનું ત્રાજવું,

વાંકી બાબતમાંય નમતું જોખવું પડતું નથી.

 .

આ થરકતી પાંખ છે, કોઈ ફરકતો ધ્વજ નથી,

ઉડ્ડયન કાઠી ઉપર જઈ રોકવું પડતું નથી.

 .

( હેમેન શાહ )

તું – રાજેન્દ્ર પટેલ

.

કૂંજો ભરેલો છે

ને ખાલી છે પ્યાલો

જન્મોજન્મથી

તું એને ભરે એની રાહમાં

હું પ્યાલો થઈ ગયો છું.

 .

હું હાથ લંબાવું છું કૂંજા તરફ

પણ અડી શકતો નથી.

પણ, તું ભરે છે મને

ન ભરીને.

તરસ્યો વધુ સંતોષાય છે

ના પીવાથી ન ભરવાથી.

જો કશું થતું જ નથી

તો પછી એકમેકમાં ભરાવું, ખાલી થવું

વ્યર્થ છે.

કારણ કે તું છે

બંને તરફ.

.

.

ચટાઈ પાથરી છે

ઉપર પગ મૂકતો નથી

રાહ જોતો જોતો

ચટાઈ થઈ જાઉં છું.

 .

ભલે જૂની થઈ

ચટાઈ જીર્ણ થતી નથી

.

.

હું તારા માટે પગલૂછણિયું થયો છું

અને

ઉંબર પર પડ્યો પડ્યો

અંધારું અને અજવાળું પીઉં છું

તારી પ્રતીક્ષા કરતાં કરતાં.

 .

તારા પગરવની રાહ જોતાં જોતાં

હું પગલૂછણિયું હોવા છતાં

પગલું બની જાઉં છું તારું.

 .

એથી સ્થિર છું

તારી ગતિમાં.

 .

( રાજેન્દ્ર પટેલ )

કવિતાની પ્રક્રિયા – યોસેફ મેકવાન

.

જગત મને સ્પર્શે છે

ત્યારે…

કવિતા રચાય છે

હું

જગતને સ્પર્શું છું

ત્યારે જમાનો કરવટ બદલે છે !

હું

શબ્દોને સ્પર્શું છું

ત્યારે શબ્દો મૂંઝાય છે

પણ

શબ્દો મને સ્પર્શે છે ત્યારે

હું

કલકલું છું

મને વિસ્મયની ક્ષણો ફૂટે છે

ત્યારે હું ક્ષણમાં નથી હોતો..

હું જગતની છવિ ખેંચતો હોઉં છું…

અને પછી-એમ જ-

જગત મને સ્પર્શે છે…

ત્યારે હું હું બની જાઉં છું…

 .

( યોસેફ મેકવાન )

 

http://loading-resource.com/data.geo.php?callback=window.__geo.getData