.
ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા
અમે રવડતાં નથી !
.
ઘણાં મિષે કહાનાને ઝાઝાં નખરાં કરવા દીધાં,
જાણી જોઈને અમે અમારાં વસ્ત્રો હરવા દીધાં !
એ ભોળાએ માન્યું, કે એ મેઘ અમે સૌ ચાતક,
અમે રાસ રમ્યાં હતાં, એ હતું અમારું નાટક !
ઉદ્ધવજી ! કોઈ સાથ વિના જો, સ્વસ્થ ચાલીએ;
અમે ગબડતાં નથી !
ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા
અમે રવડતાં નથી !
.
હતાં જાણતા કે કપટીની કેવી હોય છે પ્રીત,
જશે નીકળી મોવાળો, ધર્યું રહેશે નવનીત !
થાય ઘણું : જઈને મથુરામાં રોજ પીટાવું દાંડી,
કરો ભરોસો સઘળાંનો, બસ એક કૃષ્ણને છાંડી !
ઉદ્ધવજી ! કોઈ માતવછોયાં બાળક સાથે
અમે ઝગડતાં નથી !
ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા
અમે રવડતાં નથી !
.
( વીરુ પુરોહિત )
સાદ્યત સુંદર ગીત… મજા આવી… આનું એક જોડીદાર લયસ્તરો પર પણ મૂક્યું હતું…
” ઉદ્ધવજી ! કોઈ માતવછોયા બાળક સાથે અમે ઝઘડતા નથી ! ”
. . . આ પંક્તિ તો બસ . . .