પાછી જાય છે – ખલીલ ધનતેજવી

રોજ એક મોસમ નવી આવીને પાછી જાય છે,

કાલ મળશું, એમ સમજાવીને પાછી જાય છે !

.

જાગતી આંખે કર્યા સ્વપ્નાના વાવેતર અમે,

વાદળી આવે છે, તરસાવીને પાછી જાય છે !

 .

હું અજાણી યાદનો પીછો કરું તો શી રીતે,

એ મને મારાથી છોડાવીને પાછી જાય છે !

 .

એક ખુશ્બૂ રોજ આંસુ લૂછવા આવે છે પણ,

ફુલના સોગંદ ખવડાવીને પાછી જાય છે !

 .

એમની સાથે ઘણી વાતો કરું છું તે છતાં

ખાસ વાતો હોઠ પર આવીને પાછી જાય છે !

 .

સાંજ પડતાં એ સુગંધિત લે’રખી આવે છે પણ,

એમનો સંદેશ સંભળાવીને પાછી જાય છે !

 .

પણ ખલીલ એનો ઈરાદો શું છે પૂછો તો ખરા,

રોજ રાજું ફૂલ પકડાવીને પાછી જાય છે !

 .

( ખલીલ ધનતેજવી )

એનો પીછો ક્યાંથી કરવો ? – ઉર્વીશ વસાવડા

જે કાયમ રહેતો દર્પણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

અને લુપ્ત થઈ જાતો ક્ષણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

આમ જુઓ તો સાચું છે ને આમ જુઓ તો આભાસી

મૃગજળ થઈને રહેતો રણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

એ ગમતીલી પરીકથાઓ વાંચે એવી આંખો ક્યાં રહી ?

જે ખોવાયું છે બચપણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

આજ લગી ભાગ્યો જેનાથી, એ મારો પડછાયો નીકળ્યો,

હું રહેતો તો એ મુંઝવણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

હોઠમાં ઉપર આવ્યાં જે ગીતો એ આખી દુનિયા જાણે છે,

જે અટવાયાં છે લેખપમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

ગુપ્ત ગણીને શોધો ત્યારે પ્રગટ થવાનો એ પળભરમાં

જે સંતાયો છે કણકણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

( ઉર્વીશ વસાવડા )

શું પૂછવું છે – ખલીલ ધનતેજવી

નદીને પૂછો, ગગનને પૂછો, ધરાને પૂછો શું પૂછવું છે,

હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે.

 .

નથી અમે કંઈ અમારા ઘરમાં ઉછીનું અજવાળું લઈને બેઠા,

અમારા દીવા સળગતા રહેશે હવાને પૂછો શું પૂછવું છે.

 .

અમારી નેકી-બદીનો આખો હિસાબ મોઢે કરી લીધો છે,

ઉઠો ફરીશ્તા, તમે તમારા ખુદાને પૂછો શું પૂછવું છે.

 .

અમારા જખ્મો, અમારી પીડા, અમારી બીમારી ત્યાંની ત્યાં છે,

તબીબ પાસે જવાબ માગો, દવાને પૂછો શું પૂછવું છે.

 .

સફર છે લાંબી ને રસ્તો ટૂંકો, છે રાત થોડી ને વેશ ઝાઝા,

કરી આ કોણે દશા અમારી દિશાને પૂછો શું પૂછવું છે.

 .

દરેક વાતે કશુંક ખૂટે, વિચાર ટાંકો ને ટેભાં તૂટે,

યુગોથી બેઠી છે આ પનોતી, દશાને પૂછો શું પૂછવું છે.

 .

ખલીલ, સૌમાં રહ્યો છે માણસ ને માણસાઈ મરી ચૂકી છે,

હયાતી પાસે જવાબ ક્યાં છે, ફનાને પૂછો શું પૂછવું છે.

 .

( ખલીલ ધનતેજવી )

અધૂરું બુદ્ધત્વ – માલા કાપડિયા

દરેક પુરુષમાં છૂપાયેલો હોય છે

એક સિદ્ધાર્થ…

સંસારની જટિલતાથી

બહાર નીકળીને

ફક્ત પોતા માટે જીવવા ઈચ્છતો

સિદ્ધાર્થ !

કેટલું સહેલું છે

અર્ધરાત્રિના અંધકારની આડમાં

પોતાની કાયરતાને

મહાભિનિષ્ક્રમણ માની લેવું !

જાણે છે,

મેં પણ જોયો છે

તારી આંખોમાં

કેટલીય વાર એ સિદ્ધાર્થને !

કદાચ આથી જ

સૂઈ નથી શકતી

નિશ્ચિંત થઈ

તારા સુદ્રઢ ખભા પર

જ્યારેય પળ બે પળ

ટેકવું છું માથું

તો એ જ ક્ષણે

ભીતરથી ઊઠે છે ચીસ

નહીં યશોધરા,

અસત્ય છે આ આશ્વાસન !

તારે સજગ સચિંત રહેવાનું છે

હર પળ, હર દિન

ક્યારેય આશ્વસ્ત નથી થવાનું

આ આલિંગનની સુરક્ષા

ભ્રમ સિવાય કશું નથી

અને પછી

ખુદ કરી લઉં છું

સમજૂતી

નિયતિના ષડયંત્ર સાથે.

મારા સિદ્ધાર્થ

શું તું જાણે છે

મારી ભિક્ષા વિના

અધૂરું છે તારું બુદ્ધત્વ ?

 .

( માલા કાપડિયા )

શોધ…!! – એષા દાદાવાળા વ્યાસ

હું કવિતાની શોધમાં હતી

એટલે મેં કાગળ પર આડા ઊભા લીટા ચીતર્યા

જીંદગી જેવા..

પણ જીંદગી એટલે કવિતા નહિ

આવું તો ક્યારનું સમજાઈ ગયેલું

એટલે કાગળ પર ચીતરાયેલી જીંદગીને ડૂચો વાળી બારી બહાર ફેંકી દીધી

ફરી પાછું કોરું કાગળ લઈ કવિતા ચીતરવા બેઠી

કવિતા વિશે હું સ્પષ્ટ હતી, જીંદગીની જેમ જ..

એક પછી એક ઘણા વિષ્યો આવ્યા મનમાં

પણ કવિતા સર્જાઈ નહિ

અચાનક આંખ સામે તારો ચહેરો તરવરી ઊઠ્યો

આંખો ભીની થઈ ગઈ

તું આંખોમાંથી કાગળ પર આવી ગયો

અને મને કવિતા જડી ગઈ

પણ ત્યારથી આંખો થી ગઈ સાવ ખાલીખમ..શુષ્ક

કવિતા તો જડી ગઈ

પણ કવિતા અને જીંદગી બેઉ જુદા જુદા

અને એટલે જ હવે હું જીંદગીની શોધમાં છું…!!

 .

( એષા દાદાવાળા વ્યાસ )

આવ તું – સંદીપ ભાટિયા

રૂનાં પૂમડાંનું દીધું આયખું

અત્તર થઈને કે પાણી થઈને કે

તણખો થઈને તને આવવું હોય એમ આવ તું

.

મારે તાંતણે તાંતણે તેં સીંચી તરસ

હવે ચૈતરનો તડકો થઈને ના વરસ

.

સદીઓથી મૌન મારી ઝંખનામાં ભળ,

મને ભેટ, આમ આઘે આઘેથી ન બોલાવ તું

.

મને પીંજ, મને કાંત મને તારતર કર

મારા જીંડવાપણાનો સ્વામી સ્વીકાર કર

.

ચકલીની જેમ મને ચાંચમાં તું લે, તારા

માળામાં ગોઠવ, ન વાયરાની સંગે વહાવ તું

>

( સંદીપ ભાટિયા )

 

માંજવાનું હોય છે – તુરાબ ‘હમદમ’

જે થવાનું હોય છે એ તો થવાનું હોય છે

સંકેતમાં સમજી જવાનું હોય છે.

 .

આપણી દ્રષ્ટિની ખામી હોય છે

નામ કેવળ ઝાંઝવાનું હોય છે.

 .

અંજળ-પાણી આપણાં ખૂટી ગયાં

મોત તો કેવળ બહાનું હોય છે.

 .

સાફસૂથરું લાગશે જીવન પછી

મનને થોડું માંજવાનું હોય છે.

 .

ભેદ ઉપરથી નથી મળતો કદિ

તળિયે જઈને તાગવાનું હોય છે.

 .

દોડો, સફળતા હાથવેંતમાં હશે

જે તરફ આ રૂખ હવાનું હોય છે.

 .

‘હમદમ’ કવિતા જો કદિ રૂઠે જરા

રાત આખી જાગવાનું હોય છે.

 .

( તુરાબ ‘હમદમ’ )

બે-ત્રણ ડગલાં – ધ્રુવ ભટ્ટ

.

કારણ વિના હાથ તમારો ધરી હાથમાં ભીની ભીની રેતી ઉપર બે-ત્રણ ડગલાં ચાલ્યા તે દિ

સરકાવી લઇ હથેળીઓની રેખા કાંઠે વેરી દઇને તમે અમારા આવ્યા દરિયા ખાળ્યા તે દિ

.

થઇ શકતી’તી વાત કે જેમાં સૂરજને અવઢવ જાગે કે ડૂબી જાઉં કે ઊભો રહી જઉં

પળ થોભીને જોઉં જરા કે આ બે જણમાં ક્યાંક જરી અવકાશ મળે કે હેય ઠરીને સૂતો થઈ જઉં ત્યાં

જન્મેલા સઘળા શબ્દો તમે અમારા અવકાશોમાં ફંગોળી દઇ વગર બોલતાં ચાલ્યા તે દિ

 સરકાવી લઇ હથેળીઓની રેખા કાંઠે વેરી દઇને તમે અમારા આવ્યા દરિયા ખાળ્યા તે દિ

 .

કોઈ ગ્રંથને ખબર નથી કે સામે સૂરજ અને આભની નીચે સમદર રેત આપણે બેય એટલે શું

ને એમાં તું આંખ વચાળે જરાતરા વંચાય સુધીમાં ભૂંસી નાખતી પાંપણ ઢાળી બેસ એટલે શું

બોલ હવે શીખવાડ કે એવા કેમ ચિતરવા કેમ પાડવા દરિયાના તળ જેવા આપણ પાડ્યા તે દિ

સરકાવી લઇ હથેળીઓની રેખા કાંઠે વેરી દઇને તમે અમારા આવ્યા દરિયા ખાળ્યા તે દિ

 .

( ધ્રુવ ભટ્ટ )