ચાલ થોડું – નરેશ સોલંકી

ચાલ થોડું હચમચીને વાત નક્કર કર હવે

શબ્દ જળમાં ઓગળીને જાત સદ્ધર કર હવે

 .

ખૂબ અઘરું હોય છે ઘરને સજાવી રાખવું

ભારપૂર્વક આપણા સગપણને અવસર કર હવે

 .

ખાતરીપૂર્વક હસેલું બારસાખે ટાંગવું

આપણું હોવું અડીખમ સહેજ પગભર કર હવે

 .

તું હવા છે રક્તમાં ઘોળાયને મ્હેકી ઉઠે

ટીંચવાને ટૂંપવાની વાત પથ્થર કર હવે.

 .

હાર સાથે જીતની વીંટી મળે છે હાથમાં

તું સમયની બાથ ભીડી એક ટક્કર કર હવે.

 .

( નરેશ સોલંકી )

હજીયે સંભળાય છે – કાજલ ઓઝા વૈદ્ય

મને હજીયે સંભળાય છે

ગરમ ગરમ શ્વાસનું એ લયબદ્ધ સંગીત !

તારા પ્રત્યેક ચૂંબનની સાથે,

મારા હાથમાંથી સરકતી ગયેલી…

રેશમી મુખવટાની લગામો.

 .

તારા દરેક આલિંગન સાથે

મેં મારી જાતને તારી વધુ ને વધુ નજીક,

તદ્દન – નજીક

અનુભવી હતી..

 .

…..ધુમ્મસ બધું જ હટી ગયું હતું !

ને

એ ઝાકળભીની સવારના સૂર્યોદય સમયે

મેં

તારો હાથ મજબૂતીથી પકડીને

ઘસઘસાટ ઊંઘી જવાની ભૂલ કરી

મને લાગ્યું કે તારા વિશાળ બાહુ પર મૂકાયેલું

મારું માથું તદ્દન સલામત છે

કમરામાં પડદા ખેંચીને કરેલા આછા અંધારામાં

મને લાગ્યું કે

તડકો હવે નહીં જ આવે !

 .

પણ..

 .

…સવારે

મને સમજાયું,

કે

એ આખીયે ઘટના

જિદે ચડેલા બાળકને મનાવવા માટેની

‘મેચ્યોર’ અને ‘સાવધ’

રમત માત્ર હતી.

…હતી ને ?!

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

કોઈ તારી રાહ જુએ છે – હર્ષદ ચંદારાણા

ખાલી ખાલી પ્લેટફોર્મ નિહાળી, કોઈ તારી રાહ જુએ છે

એ જ બાંકડે બેસી, ના કંટાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

રોજ સવારે ટ્રેન આવે તે પ્હેલાં સ્ટેશન પર પ્હોંચી જઈને

થાંભલીયુંમાં ખુદનું હોવું ઢાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

એક દિશામાં, એક જ સાથે ચાલે પણ ક્યાંયે ના મળતા પાટા

બે પાટા વચ્ચે ચડભડ સંભાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

સાંધાવાળાથી સ્ટેશનમાસ્તર, સૌને પૂછે : ‘ટાઈમમાં છે ને ?’

આ ટ્રેન તને લાવે તો ‘દિવાળી’, કોઈ તારી રાહ જુએ છે

 .

ફૂટે છે ક્યાં કોઈ નવતર પર્ણો ? જૂનાં નિત-નિત ખરતાં જાતાં

પર્ણો પાછળ ખરશે એની ડાળી ? કોઈ તારી રાહ જુએ છે

 .

જોવું ઝાંખું, સાંભળવું આછું, સીધા વાંસાનું થાવું વાંકું

લાઠીની ઠક-ઠકમાં તન ઓગાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

( હર્ષદ ચંદારાણા )

…રૂહમાંથી જેમ પ્રગટે રૂ – લલિત ત્રિવેદી

સુનિયે સાહિબ ! સુનિયે હઝરાત ! નાના મોઢે મોટી વાત !

સપને આવ્યાં સરસ્વતીમાત, નાના મોઢે મોટી વાત !

 .

એ જ કરે છે કુમકુમપગલાં એ જ ઓળખે પંખીપગલાં

શું કાગળ શું કલમ દવાત, નાના મોઢે મોટી વાત !

 .

ફૂલો ઊગ્યાં તે ભીનાશ… પંખી ઊડ્યાં તે આકાશ…

ને ઋતુઓ મારાં જઝબાત, નાના મોઢે મોટી વાત !

 .

ભગત ભલી ભાળે છે કળ, જુએ કળી ઝાકળમાં તળ…

હું ક્યાં એવો છું રળિયાત, નાના મોઢે મોટી વાત !

 .

અંદરપૂર્યા ઝંઝાવાત, બા’ર બાંધ્યાં સમદર સાત…

પરપોટાજીની ઓકાત, નાના મોઢે મોટી વાત !

 .

સોળકળાએ ડામરખૂણે ખીલ્યું હોત એકાંત

હું ય રચત, ઋષિઓ ! વેદાંત, નાના મોઢે મોટી વાત !

 .

કરત તને મારી રૂબરૂ… રૂહમાંથી જેમ પ્રગટે રૂ…

એવી ક્યાં મારી વિસાત, નાના મોઢે મોટી વાત !

 .

( લલિત ત્રિવેદી )

‘હોળી’ – સુચિતા કપૂર

તે દિવસથી

ગામે-ગામ,

ચોરાહે-ચોરાહે,

હોળીએ-હોળીએ,

ભટકું છું.

અંધારી રાતનાં પીછોડો ઓઢી

હોળીની રાખેય ફંફોસું છું,

ને શોધું છું,

હોળિકાની ઊડી ગયેલી

વરદાની શાલ

જેથી

નારાયણના નામે, નારાયણના વિશ્વાસે

જીવનની આગમાં કૂદી પડેલાં

નારાયણને પણ ભૂલાઈ ગયેલા,

પ્રહલાદોને

આગની જ્વાળાથી,

આગની જલનથી

રક્ષી શકાય.

 

( સુચિતા કપૂર )

હું જોઉં છું એણે – મધુમતી મહેતા

હું જોઉં છું એણે સગપણ સાંધ્યું ક્યાં છે ?

એ શોધે છે સગપણ અંદર ગાંઠ્યું ક્યાં છે !

 .

ઝરણે જીવ્યા, નદીયે જીવ્યા, જીવ્યા દરિયે

જળમાં જીવ્યા તો યે જળને જાણ્યું ક્યાં છે !

 .

પરકમ્મા પૃથ્વીની કીધી સાત વખત પણ

રૂંવાથી રુદિયાનું અંતર કાપ્યું ક્યાં છે ?

 .

જીવતરને અંતે આવ્યા છો પાછું દેવા

આપ્યું એનું માપ અમે તો રાખ્યું ક્યાં છે ?

 .

હારીને બેસી ગ્યો છેલ્લી પાટલીયે તું

ભાથામાંથી તીર હજી તેં તાણ્યું ક્યાં છે ?

 .

વેશ ભલેને આજે પહેર્યો રાજા જેવો

માગણ જેવું મનમાંથી તેં કાઢ્યું ક્યાં છે ?

 .

શ્રુતિ ને સૂરની વાતું તું આજ ભૂલી જા

તારું જંતર જો, ઈ લયમાં આવ્યું ક્યાં છે ?

 .

રૂના ખેતર વચ્ચે ઊભો ચાડી ખાતો

ધાગા જેવું કાંઈ કદી તેં કાંત્યું ક્યાં છે ?

 .

હૂંડી લઈને ગામે ગામે ફરતો રહ્યો હશે

કામ કદી શામળશા સાથે પાડ્યું ક્યાં છે ?

 .

જીવનભર મ્હેતા તો રહ્યાં એવાં ને એવાં

છુટ્ટું, કૈં ના મેલ્યું ને હૌં બાંધ્યું ક્યાં છે ?

 .

( મધુમતી મહેતા )

મા એટલે…(ત્રીજી માસિક શ્રદ્ધાંજલિ)

(23/08/1938 – 25/12/2012)
Mummy at Science-Fort Wyne

.

પ્રસુતિની વેદનાને એક બાજુ હડસેલીને જ્યારે માતા હસી પડે છે તે ઈશ્વરનો સૌથી મોટો ચમત્કાર છે. ચમત્કારની પ્રત્યેક પળ જન્માષ્ટમી છે. મા એટલે ચિત્કાર અને ચમત્કાર.

 .

( સુરેશ દલાલ )

 *

મા યુવાન થઈ વૃદ્ધ થાય છે પરંતુ તેનાં સંતાન સદા બાળક રહે છે.

 .

( ઈરિચ નોરિશ )

*

મા એ સ્વાર્થરહિત સ્નેહની જીવંત મૂર્તિ છે !

 .

( રમણલાલ દેસાઈ )

*

સુખમાં અને દુ:ખમાં જે હંમેશા રહે છે સાથે,

“મા”, તારા ચરણોની ધૂળ પણ મોતી છે મારે માટે.

 .

ના કોઈ શોખ, ના કોઈ ઈચ્છા, બસ બધું સંતાનો માટે,

કરે છે સઘળું કુરબાન, અને અફસોસ જરા પણ ના રાખે.

 .

ગુસ્સે થાય છે ક્યારેક, તે પણ આપણા સારા કાજે,

ભૂલાવી એ ગુસ્સો પળવારમાં, એ પ્રેમ પણ કેવો વરસાવે.

 .

દોડે છે દિન રાત, બધાના સમય સાચવવા ને માટે,

થાકે જો દિવસના અંતે, તો પણ પાણી સામેથી ના માંગે.

 .

રાખું જો શીશ તારા ખોળામાં, તો જિંદગી સાવ હળવી લાગે,

સઘળા દુ:ખ ને મુશ્કેલી બસ એક ક્ષણ જેવી લાગે.

 .

સુખમાં અને દુ:ખમાં જે હંમેશા રહે છે સાથે,

“મા”, તારા ચરણોની ધૂળ પણ મોતી છે મારે માટે.

 .

( બિહાગ ત્રિવેદી “અનિર્ણિત” )

પ્રાર્થના – સુરેશ દલાલ

તારું જે ક્ષણે સ્મરણ કરું તે ક્ષણે મને એમ લાગે છે કે હું જીવું છું. શ્વાસ લેવો પડે એટલે લઉં છું. પ્રત્યેક પળના કાફલામાં જોડાઈ જાઉં છું પણ કોઈક પળે આ કાફલામાંથી અલગ થઈ તારી લગોલગ પહોંચી જાઉં છું. તું વિઘ્નહર્તા છે. તારાથી અલગ છું એ જ મોટામાં મોટું વિઘ્ન છે. આ સંસારમાં રહેવાનું અને તારી સાથે જીવવાનું – અગ્નિ અને જળ – બંનેનો એકી સાથે અનુભવ કરવાનો. તારા સ્મરણમાત્રથી હું બધાથી છૂટો થઈ જાઉં છું અને જઈ રહું છું તારા સાવ અજાણ્યા પ્રદેશમાં. જે પ્રદેશ જોયો નથી એનું પણ સ્મરણ હોય એનો અર્થ જ એવો કે આપણો સંબંધ એ સ્મરણ પહેલાંનું સ્મરણ છે. આપણી વાત એ સ્મરણ પહેલાંના સ્મરણની વાત છે.

 * * *

મારી પ્રાર્થના એ મારાથી મારા સુધી અને એ રીતે તમારા સુધી પહોંચવાનો એક રસ્તો છે. આ રસ્તા પર મેં આંસુ સીંચીને સ્મિતનાં ફૂલ ઉગાડ્યાં છે. આસપાસ લહેરે છે લાગણીનું લીલુંછમ ઘાસ. આ ઘાસમાંથી પવન પસાર થાય છે. એ દેખાતો નથી-પણ ઘાસના સ્પંદન દ્વારા એની અનુભૂતિ થાય છે. ભમરાઓને સોંપી દીધું છે તમારું નામ ગુંજવાનું કામ. મારા હોઠ પરથી તમારું નામ વહે છે અને એ ભમરાઓની ચંચલતામાં સ્થિર થાય છે. આંખ મીંચીને હું મારા અંધકારની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરું છું. ક્યાંક દેખાય છે ઝાંખો ઝાંખો દીવો. આ દીવો ક્યારેક દૂર લાગે છે, ક્યારેક નજદીક. ઘણી વાર એવું પણ થાય છે કે હું પગ વિના પંથ વિનાના પંથ પર ચાલ્યા કરું છું અને પાંખ વિના આકાશ વિનાના આકાશમાં ઊડ્યા કરું છું. પાળેલા ગુલામ જેવા શબ્દો તારી પ્રાર્થનામાં કામ નથી આવતા, મારા માલિક.

 

( સુરેશ દલાલ )

પાંચ તડકો લઘુકાવ્યો – પ્રીતમ લખલાણી

(૧)

પીલુડીના ઝુંડમાં

પતંગિયાંની પાંખ તળે

નિરાંત પાથરીને

બેસેલો તડકો

કેવો હરખાતો હોય છે

ધોરિયે વહેતા જળમાં થનગનતા

આભને જોઈને !

 .

(૨)

પવન સંગે

ડોલતા મકાઈના ડૂંડે

કાન માંડીને બેઠો હોય છે

વહેલી સવારનો તડકો

રણકતા શેઢાના

માધુર્યને માણવા.

 .

(૩)

રોઢે

ખેતર ભાત દઈને

ગામ પાછી ફરેલ મીઠ્ઠીની

ચૂંદડીનો છેડો જાલીને

અરે ! ક્યારે આવી ચઢ્યો

મારા ખોરડા લગી

લીલી બાજરીનો

મહેક ભીનો તડકો !

 .

(૪)

જેઠ મહિનાના ખરે બપોરે

સુકાયેલ તળાવના બાવળ તળે

બેસેલ ભેંશની પીઠે ચઢી

સાદ પાડે તડકો,

‘આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ…’

 .

(૫)

ઢળતી સાંજથી

ઠાકોરજીને ભેટવા

ઝાલર રણકવાની રાહ જોતો

ચોરાની ઓસરીમાં

ઊભો હોય છે તડકો…

 .

( પ્રીતમ લખલાણી )

દર્દ સીનામાં ભરી – અબ્બાસ રૂપાવાલા ‘રફિક’

દર્દ સીનામાં ભરી જીવી ગયો,

શ્વાસ તરછોડી, ફરી જીવી ગયો.

 .

આયનાને પૂછમાં ચ્હેરા વિશે,

બિમ્બને મનમાં ભરી જીવી ગયો.

 .

મેઘલી કાળી મજાની રાતમાં,

પ્રેમ-કિસ્સાઓ સ્મરી જીવી ગયો.

 .

જિંદગી કડવી હતી તો શું થયું,

હું કઝાને કરગરી જીવી ગયો.

 .

હું ‘રફીક’ છું, હું કદી ડરતો નથી,

મોતને પણ બથ ભરી જીવી ગયો.

.

( અબ્બાસ રૂપાવાલા ‘રફિક’ )