સંબંધ – એષા દાદાવાળા
મેં પૂછ્યું, ‘હજી યે કહેવાની જરૂર ખરી કે હું તમને પ્રેમ કરું છું ?’
‘હા… કહેવું તો પડે જ ને’ એણે જવાબ આપ્યો
હું હસી, ‘મને એમ કે તમે સમજી જશો…’
એ પછી બધી જ વાતો કહેવી પડતી…
પ્રેમ કરું છું, રિસાઈ ગઈ છું, ગુસ્સો આવ્યો છે, કશું ગમતું નથી…
આવું બધું જ કહી – કહીને થાકી ગયેલી મેં
એક દિવસ કશું જ કહેવાનું છોડી દીધું
તે એક સાંજે
ડૂબતા સૂરજ તરફ આંગળી ચીંધી એણે પૂછ્યું,
‘હજી યે કશું કહેવાની જરૂર ખરી ?’
મેં જોયા કર્યું એની તરફ
એ હસ્યો, કહે, ‘મને એમ કે તું સમજી જશે…’
એ દિવસથી મારી બાલ્કનીએ પેલા ડૂબતા સૂરજને હથેળીનો ટેકો આપી બેઠી છું
એની ગરમીથી બળી ગયેલા હાથ મારા શરીર પરથી ખરી પડવાની તૈયારીમાં છે
અને લાલ થઈ ગયેલું આખું આકાશ મારી સામે જોઈને ખંધુ હસ્યા કરે છે…!!
.
( એષા દાદાવાળા)