વાંચુ તને – અંજુમ ઉઝયાન્વી
મન હવે મળવા કદી લલચાય તો વાંચુ તને,
રૂપ તારું આંખથી જીરવાય તો વાંચુ તને !
.
સાચવી રાખું જતનથી કંઠ ભીનો રાખવા,
નીર મારા ખોબલે સચવાય તો વાંચુ તને !
.
રોજ પંપાળું બધી સંવેદના તન્હાઈમાં
તું કસુંબલ હેતમાં ઝીલાય તો વાંચુ તને !
.
તારલા મીઠા અવાજે ગીત ગાશે પ્રીતનાં
આભમાં અવસર નવો ઉજવાય તો વાંચુ તને !
.
માણસો ધગતા રવિની આંચથી દાઝી ગયા,
સાંજનાં શીતળ હવા લ્હેરાય તો વાંચુ તને !
.
ઝાડ સૂકાં તું ભલે પોંખે નવી લીલાશથી
આજ મારું ભાગ્ય જો બદલાય તો વાંચુ તને !
.
રાત ગાળે મૈકદામાં શેખ ને પંડિત બધા
ભેદ સૌની પ્યાસનો સમજાય તો વાંચુ તને !
.
આજ તારા ઘર લગી લાવી મને મારી ગઝલ
બારીએથી તું હવે ડોકાય તો વાંચુ તને !
.
આંખને ખાલી ચડી અંજુમ રસ્તો જોઈને
આંગણામાં તું હવે ડોકાય તો વાંચુ તને !
.
( અંજુમ ઉઝયાન્વી )