લઘુકાવ્યો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

(૧)

વજન

 .

એક કોરા કાગળનું

વજન કર્યું…

પછી એ કાગળ પર

કવિતા લખી…

પછી ફરી તેનું વજન કર્યું…

પણ વજનમાં

કોઈ ફેર ન પડ્યો !

-સમજાયું કે

કવિતા વજન માટે નહીં,

સ્વજન માટે લખાય છે.

 .

(૨)

ભ્રમ

 .

મારી સહાયતા વગર

સીધી લીટી

દોરી શકાતી નથી.

-એવા ભ્રમમાં રાચતી

ઓ ફૂટપટ્ટી !

તારી મદદ

ન લેવાની શરતે જ

વર્તુળ દોરી શકાય છે.

 .

(૩)

એમ માનવામાં લાભ છે

કંઈ ખોટ નથી,

કે સાંજ એ કંઈ

દિન-દરિયાની ઓટ નથી.

 .

(૪)

હવાનાં સાવ પારદર્શક

વસ્ત્રો પહેરે છે,

છતાં સાંજ

મર્યાદાવાન

સન્નારી જેવી લાગે છે !

 .

(૫)

કમભાગ્ય તો

સૂર્યોદયને પણ નડે છે !

-એના નસીબમાં

સાંજ નથી હોતી.

 .

(૬)

અસ્તાચળના ઓશિકે

સૂરજને ઊંઘી જવાનો

ઢોંગ કરતો જોઈને

ક્ષિતિજ હસી પડે !-

-તે સાંજ !

 .

(૭)

બધું સમજ્યાની ભ્રમણમાં અકળ સાંજે,

ચલિત થઈ નીકળ્યા ફરવા અચળ સાંજે !

ફુવારા વચ્ચે પણ પહેરી જ રાખ્યાં છે,

હતાં ઘડિયાળ વોટરપ્રૂફ સજળ સાંજે !

 .

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.