કતારમાં – સાહિલ

તમે બે ઘડી જ રહી જુઓ કદી ચાહનાની કતારમાં

પછી આપોઆપ તમે હશો નરી વેદનાની કતારમાં

 .

નથી ખુદની પણ પડી કોઈને-પછી વાત અન્યની શું કરું

જો મળી તો મા-ની જાત બસ મળી ખેવનાની કતારમાં

 .

જો કરે તો કેમ કરે કહો એ વિવેચના કોઈ બિંબની

મળ્યા જોવા અંધજનો બધે મને આયનાની કતારમાં

 .

અમે પણ જરૂર જશું કદી-દસ બાય દસના મહેલમાં

જીવ્યાં ફૂટપાથની ધૂળમાં એ જ કલ્પનાની કતારમાં

 .

બહુ ઊંચા આસને બેસવાથી ફરક ગજામાં પડે નહીં

ઘણા મોટા માણસો જોયા છે મેં ટૂંકા પનાની કતારમાં

 .

કદી સુખની સેજે યા રંગમોલે સગડ મળે નહીં એમના

સ્વની જાણવાની જીદે ચડેલા મળી ફનાની કતારમાં

 .

જશે સર્વ એષણા અવગતે એ વિષે રુંવેરુંવુ જાણતું

છતાં સહુને સાહિલ જોઉં છું અહીં કામનાની કતારમાં

 .

( સાહિલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.