એ જ છે ! – નીરજ મહેતા

આ બધું બનવાનું કારણ એ જ છે

ના બને તો પણ અકારણ એ જ છે

 .

ઝેર પણ એ છે  ‘ને મારણ એ જ છે

રામ તો એ છે જ, રાવણ એ જ છે

 .

માગી લે સઘળું ‘ને આપી દે બધું

એ જ દાતા છે ‘ને માગણ એ જ છે

.

લોહીમાં થાતું જે રણઝણ એ જ છે

એ જ કારણ છે નિવારણ એ જ છે

 .

શબ્દનો સિક્કો ઉછાળી તો જુઓ

બોલશે આકાશ તત્ક્ષણ એ જ છે

 .

જીવવાનું તું રસાયણ પૂછ મા

ગાળવા ‘હું’ શ્રેષ્ઠ દ્રાવણ એ જ છે

 .

દશ દિશાઓમાં બધે વ્યાપી રહ્યો

શૂન્યની જે પણ તરફ ગણ-એ જ છે

.

( નીરજ મહેતા )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

તમે કહો છો ઉદ્ધવ ! એવો શ્યામ નથી નિર્દોષ !

છે કોઈ જગમાં એના સરખો કપટકલાનો કોષ ?

 .

કર્યાં બ્હાવરાં અરધી રાતે, પીડા ખૂબ વધારી;

અમે હશું નાગણીઓ ‘ને એ મીઠી મહુવરધારી !

વેણુ વજાડી, રાસ રમાડ્યાં, ચૂમી લીધાં મુખ;

અમે અહીં વલવલીએ, એને સિહાંસનનું સુખ ? !

 .

એ પણ દાઝ્યો સમજો, જે દિ’ વધ્યો અમારો રોષ !

 તમે કહો છો ઉદ્ધવ ! એવો શ્યામ નથી નિર્દોષ !

 .

ગોવર્ધન ઊંચક્યો એણે, એ ખેલ હતો વશકરણાં;

માયાવી પણ રચી શકે છે એના જેવી ભ્રમણા !

કદમ્બ-વૈજ્યંતી વૃક્ષોની સળગી ઊઠે કાયા;

પડી જાય જ્યારે બળબળતી રાધાજીની છાયા !

 .

એ હતભાગી હજુય જ્યાં-ત્યાં જોવાડે જોષ !

તમે કહો છો ઉદ્ધવ ! એવો શ્યામ નથી નિર્દોષ !

છે કોઈ જગમાં એના સરખો કપટકલાનો કોષ ?

.

( વીરુ પુરોહિત )

જ્યાં પ્રભુ છે ત્યાં પ્રકાશ હજો – ઇયાન્લા વાન્ઝાન્ટ

તમે જ્યાં છો ત્યાં પ્રકાશ હજો,

પ્રભુ તમે જ મારો પ્રકાશ છો.

 .

તમે જ્યાં છો ત્યાં આનંદ હજો,

પ્રભુ તમે જ મારો આનંદ છો.

 .

તમે જ્યાં છો ત્યાં શાંતિ હજો.

પ્રભુ તમે જ મારી શાંતિ છો.

 .

મારા જીવનમાં અઢળક સુંદર ચીજો-સાચા સંબંધોના અનુકૂળ અનુભવો હજો.

 .

મારે જે દરેક શુભ વસ્તુ જોઈએ છે અને જેની જરૂર છે તે દરેક વસ્તુના તમે જ સ્રોત છો.

 .

મારા મનને તમારા જ્ઞાનના સ્પર્શથી ભરી દો.

 .

પ્રભુ તમે વિશ્વની અગાધ બુદ્ધિનો ખજાનો છો. તમે મારું જ્ઞાન છો. તમારી હાજરીમાત્રથી જ મારા દરેક અનુભવમાં સારા વિચારો, કાર્યો અને પ્રતિભાવો મને યોગ્ય માર્ગે દોરે છે.

 .

તમે મારાં હૃદય અને મનને અને આસપાસના સર્વ કોઈને પ્રેમથી છલકાવી દો.

 .

પ્રભુ તમે તો પ્રેમસ્વરૂપ છો-મારા આત્માના ઊંડાણમાંથી ઊતરી સર્જન અને નવસર્જનની પ્રક્રિયા કરો છો.

 .

તમારી સંનિધિના સ્પર્શથી મારા દેહને ઓજસથી, તેજ અને સ્વસ્થતાથી ભરી દો.

 .

મારા જીવનને તમે સદ્દભાવ, શાંતિ, આનંદ અને દિવ્ય પ્રકાશથી ભરી દો.

 .

આ સારું છે તે જ પ્રભુ છે.

પ્રભુ તમારો આભાર માનું છું.

ખૂબ ખૂબ આભાર.

 .

હે પ્રભુ હજુ હું કંઈ યાચના કરું એ પહેલાં તો તમે ઉકેલ આપી જ દો છો-આ માટે આભાર માનવો જ રહ્યો.

 .

મારા અસ્તિત્વની વાસ્તવિકતા અને જાગૃતિ આપવા માટે હું તમારી ખૂબ ઋણી છું.

 .

એમ જ હોવું જોઈએ.

 .

એમ જ છે.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

કાગળની એક હોડી – પરાજિત ડાભી

કાગળની એક હોડી લઈને દરિયો આખો તરવાનો છે,

શ્વાસોનાં આ સઢમાં મારી ફૂંક પવનને ભરવાનો છે.

.

સમજાવી દે વાત સમયને ખૂબ જ મોડો આવે છે એ,

અવસર વિત્યા બાદ અમારે શુભ સમય શું કરવાનો છે.

 .

ગીત-ગઝલની ગીતા લખવા પંડિત થઈને જે બેઠા છે,

એવા લોકોની પાસે આ કોરો કાગળ ધરવાનો છે.

 .

નાહકની ચિંતા કરવી શું ભુંસાતી આ ભાષા કેરી,

ગુજરાતીથી દૂર વસેલો પાછો ક્યાંથી ફરવાનો છે.

 .

મારે મારા સપનાં વેચી થોડી નીંદર લેવાની છે,

જીવતરને તરછોડી આજે મારો વારો મરવાનો છે.

.

( પરાજિત ડાભી )

એક ઈચ્છા – સોનલ પરીખ

એક ઈચ્છા પર

ચામડીની જેમ

વળગેલા

મારા જીવને

હું ઉતરડી રહી છું

થોડું માંસ ખૂલે છે

થોડું લોહી વહે છે

કાચકણીની જેમ

આંખમાં ખૂંચે છે

થોડાં આંસુ

ને પથ્થર બંધાય છે

બંને પાંખમાં

તો પણ

ચામડીની જેમ

એક ઈચ્છા પર વળગેલા મારા જીવને

હું ઉતરડી કાઢું છું.

 .

( સોનલ પરીખ )

સંબંધો – તેજસ દવે

આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ના દીધું

આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું

 .

ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની

દરિયામાં ઊંડે જઈ જોડતી

સંબંધો રાખવા તો માછલીની જેમ

એ પાણી ને કોઈ દિ’ના છોડતી

 .

વાર્તામાં હુંય છું ને વાર્તામાં તુંય છે ને મળવાનું તોય નહિ સીધું ?

આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ના દીધું

 .

આંસુનું ધોધમાર ચોમાસું આજ તો

આંખોની બહાર ધસી આવતું

તારામાં ઓળઘોળ જીવેલા દિવસોને

મારામાં કેમ નથી ફાવતું ?

 .

( તેજસ દવે )

હીંચકો – અર્જુનસિંહ કે. રાઉલજી

બાલ્કનીના હીંચકા ઉપર ઝુલતો

પવન

મારી સાથે

ભેદપરાયણ હોવાની

ફરિયાદ કરે છે…!

કોણ કોની ધારણા છે ?

હીંચકો, હું કે પવન…?!

ઝાકળની દાઝે ચઢેલ

ધૂળ-ઢેફાંનાં રજકણો

અણુ તો બોમ્બ થઈ ફાટવાને…!

ધૂળભેળો-ફૂલભેળો-પંખીભેળો

સાંજના સમયે

આજ હીંચકે ઝુલતી

બા, રાહ જોતી…

જોતજોતામાં ઘરના ખૂણે

ડુંગરો થઈ જતાં દફતરો…!

એ જ ચડ્ડી અને એ જ થીંગડું

કૈં જ બદલાયું નથી…

ક્યાંક સંભળાતા

કબૂતરના ઘુઉ…ઘુ…ઘુ…વચ્ચે

એકલો ઝૂલે છે હીંચકો

પવનની ઠોકરો ખાઈને…!

 .

( અર્જુનસિંહ કે. રાઉલજી )

ભીનાશ – પારસ હેમાણી

ખોવાયેલું

હજીયે,

પાછું

મળી જશે,

પણ…

આડા હાથે

મુકાયેલી,

મારી થોડી

લાગણીઓમાં…

કદાચ

હજી

એ જ

ભીનાશ

મળી જાય

‘તો’

જોને જરા !…

 .

( પારસ હેમાણી )

મૃત્યુ – ડો. પ્રદીપ પંડ્યા

(૧)

મૃત્યુ એટલે…

તમે આંખ બંધ કરી દો

અને

પછી ખોલવાની નહિ

અથવા

તમારી આંખ ખુલ્લી હોય અને

કોઈ ધીમે રહીને બંધ કરી દે

 .

(૨)

રોજ સવારે, બપોરે અને રાત્રિએ

એલ્યુમિનિયમના કવરમાંથી થોડી

ગોળીઓ બહાર કાઢું છું અને ગળી જાઉં છું,

ગોળીઓ ખલાસ થાય તો બીજી લઈ આવું છું,

પણ તે દરેક ગોળી સાથે મારી એક ક્ષણ, દિવસ

અને વર્ષ ઓછા થતાં થાય છે.

તેને ક્યાંથી લાવીશ ?

 .

( ડો. પ્રદીપ પંડ્યા )

કેવી રીતે કહીએ ? – ફિલિપ ક્લાર્ક

કેવી રીતે કહીએ ?

દર્દ ઉછીનાં લઈને કેવળ મૂંગામંતર ફરીએ

કેવી રીતે કહીએ ?

 .

ખુદનો પ્હાણો ખુદના પગ ખુદની પીઠે વાર;

પડતા હોઈએ એ જ વેળાએ પડતો કેવો માર !

થાકી પાકી સાંજે પાછા સૂરજની જેમ ઢળીએ.

કેવી રીતે કહીએ ?

 .

પગ વાળી ના બેસે ઈચ્છા મન ઉડાઉડ કરતું;

વીણી વીણી દુ:ખના સિક્કા શ્વાસે શ્વાસે ગણતું.

એ જ વેળા બદલાતા પંથ થાય ઘણું એ મળીએ

કેવી રીતે કહીએ ?

.

( ફિલિપ ક્લાર્ક )