જમરૂખી-જયદેવ શુક્લ

વાડાની દીવાલની
બન્ને બાજુ,
ભર ઉનાળે
જમરૂખી અને ટગરીની છાયા
તૂટેલી સાઈકલને,
પડેલા ભંગારને,
મને
ટાઢક આપે.

બાળપણમાં
કાણાંવાળી જર્જરિત ચાદર
ઓઢતો
એવું ઘણી વાર
છાયા નીચે લાગે.

અગાશીમાં જાઉં ત્યારે
જમરૂખીનાં પાન
માથે, શરીરે અડે…
ને યાદ આવે
દાદીમાનો હાથ.

સફેદમાં સહેજ પીળો નાખ્યો હોય
એવાં જમરૂખીનાં ફૂલો
જોતાં
મોમાં ફુવારા છૂટે.

પતંગિયાં ને મધામખીને
ઊડાઊડ સાથે
મધ ચૂસતાં જોઈ થાય :
જમરૂખની મીઠાશ
લૂંટી લે છે કે શું ?

મને ભાવતા
ન કાચાં, ન પાકાં જમરૂખનાં
સપનાં
કાળી વરસાદી રાતે
જગાડી મૂકે.

ધીમે ધીમે મોટા થતા જમરૂખના
મીઠા ગરને
રોજ મનોમન
ચગળ્યા કરું
છાયા નીચે

ચાર દિવસના પ્રવાસ પછી
બપોરે આવી
જોઉં છું :
વાડામાં
કેવળ અજવાળું અજવાળું…

( જયદેવ શુક્લ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.